પિતાનો સંકલ્પ ચાલુ રાખવા પુત્રોએ ઘરે જ બનાવ્યા સવા લાખ અનોખા શિવલિંગ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના મોટાભાગના શિવમંદિરો બંધ રહેતા શ્રાવણ મહિનામાં પિતાનો  સવા લાખ બિલીપત્ર ચડાવવાનો સંકલ્પ ચાલુ રાખવા પાલનપુર તાલુકાના સગ્રોસણા ગામના એક સ્વર્ગસ્થ પિતાના પુત્રોએ ઘરે જ સવા લાખ અનોખા શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના શરૂ કરી છે.
પિતાનો સંકલ્પ ચાલુ રાખવા પુત્રોએ ઘરે જ બનાવ્યા સવા લાખ અનોખા શિવલિંગ

અલકેશ રાવ, બનાસકાંઠા: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના મોટાભાગના શિવમંદિરો બંધ રહેતા શ્રાવણ મહિનામાં પિતાનો  સવા લાખ બિલીપત્ર ચડાવવાનો સંકલ્પ ચાલુ રાખવા પાલનપુર તાલુકાના સગ્રોસણા ગામના એક સ્વર્ગસ્થ પિતાના પુત્રોએ ઘરે જ સવા લાખ અનોખા શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના શરૂ કરી છે.

પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામના કેશરભાઈ ચૌધરીએ 23 વર્ષ પહેલાં શ્રાવણ મહિનામાં શિવજીની આરાધના શરૂ કરી હતી. જે અંતર્ગત શ્રાવણ મહિના દરમિયાન શિવલીંગને સવા લાખ બિલીપત્ર ચડાવતા હતા. કેશરભાઇનું 14 વર્ષ પહેલાં અવસાન થતાં મુંબઇ કન્સ્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલા પુત્રો વિજયભાઈ અને ભાવેશભાઈએ પણ પિતાનો શિવપૂજાનો ક્રમ ચાલુ રાખ્યો હતો. બંને પુત્રો દર વર્ષે શ્રાવણ માસમાં મુંબઈથી વતન પરત આવી શિવપુજા કરતાં હતા. 

જો કે, આ વર્ષે કોરોનાને કારણે મંદિર બંધ હોવાને લઇ શિવજીનો સવા લાખ બિલીપત્ર ચડાવવાનો પિતાનો સંકલ્પ અધુરો ન રહી જાય તે માટે પરિવારના તમામ સભ્યોએ સવા લાખ શિવલિંગ બનાવવાનો શરૂ કર્યું હતું. વિજયભાઈ કેશરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘પિતાના સંકલ્પને ચાલુ રાખવા માટે મુંબઈથી આવ્યા બાદ મંદિરો બંધ હોવાને લઇ પરિવારના સાતથી આઠ સભ્યો વહેલી સવારથી જ શિવલિંગ બનાવવાનું શરૂ કરીએ છીએ. બપોર સુધીમાં 3થી 4 હજાર જેટલા શિવલિંગ બનાવીએ છીએ. સાંજ સુધી પૂજા કરીએ છીએ અને સાંજની આરતી બાદ બાલારામ નદીમાં વિસર્જન કરીએ છીએ.

શિવલિંગની પૂજા કરતો આ પરિવાર દરરોજ સવારથી 4 હજાર શિવલિંગ બનાવી પરિવારજનો સાથે વિધિવત રીતે સાંજ સુધી પૂજા કરી સાંજે તમામ શિવલિંગ નદીમાં વિસર્જન કરે છે. જે શ્રાવણ મહિના દરમિયાન સવા લાખ શિવલિંગનો બનાવવાનો સંકલ્પ પૂરો કરશે. કોરોનાને લઇ શ્રાવણ મહિનામાં શિવમંદિરો બંધ રહેતા પુત્રોએ ઘરે જ સવા લાખ શિવલિંગ બનાવી શિવજીની પૂજા શરૂ કરતાં તેમાં આખો પરિવાર જોડાઈને શિવભક્તિમાં લીન થયો છે.

પુત્રોએ ઘરે જ બનાવેલ પંડાલમાં શિવપૂજા કરાવતા વિકાસભાઈ શાસ્ત્રી યજમાનોની શિવ ભક્તિ જોઇને અભિભૂત થયેલ પંડિતજીએ કહ્યું હતું કે, મંદિરો બંધ હોય તો શું થયું પિતાનો સંકલ્પ ચાલુ રહેવો જોઈએ. તેને લઇ યજમાનના ઘરે જ સવા લાખ શિવલિંગનો સંકલ્પ હાથ ધરી રોજના ત્રણથી ચાર હજાર શિવલિંગની પૂજા કરી સાંજે વિસર્જન કરાય છે.’ શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે ‘શિવના અલગ-અલગ સ્વરૂપમાં શિવપૂજા કરવામાં આવે છે.

જેમ કે રવિવારે સૂર્યયંત્રના રૂપમાં, સોમવારે નાગપાસના સ્વરૂપે, મંગળવારે ત્રિકોણયંત્રના સ્વરૂપે, બુધવારે કશ્યપ સ્વરૂપે, ગુરુવારે પદ્માકાર સ્વરૂપે, શુક્રવારે પંચકોણ સ્વરૂપે અને શનિવારે ધનુષ સ્વરૂપે શિવ પૂજા કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં અનેક ભક્તો ભગવાન શિવની ભક્તિ અનેકરીતે કરીને ભગવાનની પૂજા અર્ચના કરે છે. ત્યારે પિતાના સંકલ્પને લઈને સવાલાખ શિવલિંગ બનવાનો સંકલ્પ લઈને રોજ શિવલિંગ બનાવનાર પુત્રોની અનોખી ભક્તિ અનેક ભક્તોને પ્રેરણા આપી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news