રાજકોટમાં 'રૈયાણી'રાજ : નાના ઝઘડામાં બીજેપી MLAના ભાઈનું ખુલ્લેઆમ ફાયરિંગ, જુઓ Video

રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું નામ બહુ કુખ્યાત ગણાય છે.

Updated By: Feb 15, 2018, 11:20 AM IST
રાજકોટમાં 'રૈયાણી'રાજ : નાના ઝઘડામાં બીજેપી MLAના ભાઈનું ખુલ્લેઆમ ફાયરિંગ, જુઓ Video

રાજકોટ/રક્ષિત પંડ્યા : રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું નામ બહુ કુખ્યાત ગણાય છે. જોકે એક ચોંકાવનારા ઘટનાક્રમમાં તેમના નાના ભાઈ  સુરેશ  અને તેના સાગરિતો ભૂપત ભરવાડ અને શૈલેષની પોલીસ દ્વારા  29 વર્ષના પ્રદીપ પટેલની હત્યા કરવાના પ્રયાસ બદલ ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે સુરેશ રૈયાણી અને તેના બે સાથીદારોએ ભંગાર ફેંકવા જેવા નાના મુદ્દે આંગડિયા પેઢીના કર્મચારીની મારપીટ કરતા અને ગોળી મારતા તેમની સામે અશાંતિ ફેલાવવા બદલ અને આર્મ્સ એક્ટ અંતર્ગત પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ભંગાર મામલે બબાલ
આ ઘટનાની મળી રહેલી પ્રાથમિક માહિતી પ્રમાણે બુધવારે રાજકોટના પેડક રોડ પર બ્રહ્મક્ષત્રિયની વાડીમાં ભંગાર ફેંકવા મામલે મોટો ઝઘડો થઈ ગયો હતો. હકીકતમાં ભોગ બનનાર પ્રદીપ પટેલ આંગડિયા પેઢીમાં કામ કરે છે. તેની ઓફિસમાં રિનોવેશન ચાલતુ હોવાથી તેણે ભંગાર રૈયાણીની દુકાનના કંપાઉન્ડમાં ફેંક્યો હતો. આ મુદ્દે રૈયાણી અને તેના માણસોએ આંગડિયાવાળા સાથે ગાળાગાળી કરી હતી. પહેલા બંને વચ્ચે મુક્કાબાજી થઈ, ત્યાર પછી સુરેશ રૈયાણીએ ભૂપત ભરવાડ અને તેના સાથીદારોને બોલાવ્યા. ભુપત ભરવાડે પછી પ્રદીપ પટેલ પર બે વાર ગોળી ચલાવી જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ મામલે હવે પોલીસે નક્કર પગલાં લીધા છે. 

જુઓ વીડિયો રાજકોટમાં કચરો ફેંકવાની બબાલ મામલે ફાયરિંગ

ખરડાયેલો ભૂતકાળ
નજીકના જ ભૂતકાળમાં જાન્યુઆરી મહિનામાં સુરેશ, તેના ભાઈ અને રાજકોટ પૂર્વના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને તેના પિતા ગોરધન રૈયાણી હિંસક હુમલો કરવાના મામલે ધરપકડ થઈ હતી. તેમને પાછળથી જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. ત્રિપુટી સામે રાજકોટના સંત કબીર રોડ પર ઈમિટેશન જ્વેલરીની દુકાન ધરાવતા બે ભાઈઓ પર હુમલો કરવાનો આરોપ હતો. આ બંને ભાઈઓ ચૂંટણી દરમિયાન કોંગ્રેસ માટે કેમ્પેઈન કરતા હોવાથી તેમના પર હુમલો થયો હતો.