વરસાદ ઓછો પડતાં સરકાર સિંચાઈ માટે 20 દિવસ સુધી વધારાનું પાણી છોડશેઃ નીતિન પટેલ

સુજલામ સુફલામ યોજનામાં 800 ક્યુસેક અને સૌની યોજના અંતર્ગત 1200 ક્યુસેક પાણી છોડાશે, ઉત્તર ગુજરાતના 400 તળાવો ભરવામાં આવશે, સૌરાષ્ટ્રના આજી-૧, મચ્છુ-૨, આકડીયા, ભીમદાદ, ગોમા જેવા બંધો નર્મદાના પાણીથી ભરાશે   

webmaster A | Updated: Sep 14, 2018, 08:59 PM IST
વરસાદ ઓછો પડતાં સરકાર સિંચાઈ માટે 20 દિવસ સુધી વધારાનું પાણી છોડશેઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત કરી છે. ચાલુ વર્ષે ઓછો વરસાદ પડવાના કારણે ખેતરોમાં ઉભા પાકને બચાવવા રાજ્યની ૧ લાખ ૨૭ હજાર એકર જમીનને નર્મદા બંધનું સિંચાઇનું પાણી આપવા આગામી ૨૦ દિવસ સુધી ૨૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો સરકારે નિર્ણય કર્યો છે.  નર્મદા યોજનામાંથી મધ્યપ્રદેશ તરફથી ગુજરાતને 5.84 એક ફૂટ પાણી મળવાનું છે. હાલ રાજ્ય સરકાર દ્વારા 12 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને તેમાં જરૂરિયાત પ્રમાણે વધારો કરાશે. 

રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં હાલ પાણીનું લેવલ ૧૨૫.૮૨ મીટર છે અને લગભગ ૧.૮૪ મીલીયન એકર ફુટ પાણી એટલે કે ૩૯ % પાણીનો જીવંતસંગ્રહ ઉપલબ્ધ છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ત્રણ મુખ્ય બંધો બાર્ગી, તવા અને ઈન્દીરાસાગરમાં લગભગ ૧૦.૯૩ મીલીયન એકર ફુટ પાણીનો જીવંતસંગ્રહ છે. જેમાંથી રાજયને ફાળે ચાલુ સાલે ૫.૮૪ મીલીયન એકર ફુટ હિસ્સો મળવાનો અંદાજ છે. જે ગત વર્ષે ૫.૦૬ મીલીયન એકર ફુટ મળ્યો હતો.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્યની જનતા માટે પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને સિંચાઈનું પાણી છોડવામાં આવશે. સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત ૧૧ પાઈપલાઈન મારફતે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આવેલ લગભગ ૪૦૦ તળાવો ભરવામાં આવશે. સુજલામ્ સુફલામ્ નહેર અને ધરોઈ સિંચાઈ યોજનાના પિયત વિસ્તારમાં ક્રમશ: નર્મદાનું પાણી અપાશે. જેનાથી ૪૦,૦૦૦ એકર જેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત ફતેવાડી અને ખારીકટ પિયત વિસ્તારમાં નર્મદાના પાણી આપી ઊભા પાકને બચાવવાનો નિર્ણય કરતાં અમદાવાદ જીલ્લાના દસક્રોઈ, ધોળકા, સાણંદ અને બાવળા તાલુકામાં આશરે ૬૨,૦૦૦ એકર વિસ્તારને લાભ મળશે.

સૌરાષ્ટ્ર વિસ્તારની સૌની યોજના દ્વારા નર્મદાના ૧૨૦૦ ક્યુસેક પાણીનું વહન કરીને આજી-૧, મચ્છુ-૨, વડોદ, આકડીયા, ભીમદાદ ગોમા જેવા બંધોમાં ક્રમશ: નર્મદાનું પાણી પાક બચાવવા માટે આપવામાં આવશે. જેનાથી આશરે ૨૫,૦૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત રાજકોટ અને મોરબી શહેરને પીવાના પાણીનું સંકટ ટળશે.

હાલ, ઓછા વરસાદને કારણે તળાવો ખાલી રહ્યા છે અને તેને લીધે પશુઓને પીવાના પાણીની તકલીફ પડી રહી છે. આથી રાજ્ય સરકાર વિવિધ ડેમ અને કેનાલોમાંથી ગામડાના તળાવો ભરવાનું કામ કરશે, જેથી પશુઓને પીવાનું પાણી મળી રહે. નીતિન પટેલે જણાવ્યું કે, આ પાણી છોડવાથી રાજ્યની પ્રજાને પીવાના પાણીની કોઈ તકલીફ નહીં પડે. કેમ કે, સરકાર પીવાના પાણીનો જથ્થો અનામત રાખશે. 

ખેડૂતો અંગે વાત કરતાં નીતિન પટેલે જણાવ્યું કે, આ વર્ષે રાજ્ય સરકાર 10 લાખ ટન જેટલી મગફળી અને તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આ રીતે, ખેડૂતોને બજાર ભાવમાં જે નુકસાન પહોંચે છે તે થવા દીધું નથી. આ વર્ષે ખેડૂતોની લાગણી અને રાજ્ય સરકારોની રજૂઆતોને ધ્યાનમાં લઈને વડા પ્રધાન મોદીએ ટેકાના ભાવની ખરીદીની સાથે એક નવી યોજના અમલમાં મુકી છે, જેને કેન્દ્રીય મંત્રીમંડળે બહાલી આપી છે. 

આ યોજના અનુસાર તેલિબિયાં પાકોને પણ ટેકાનો ભાવ મળી રહે તેના માટે કેન્દ્ર સરકારે નવા પ્રકારની યોજના અમલમાં મુકી છે. કેબિનેટની સૈદ્ધાંતિક બહાલી મળી ગઈ છે અને કેન્દ્રના કૃષિ વિભાગ તરફથી વિગતવાર માહિતી આવ્યા બાદ જાહેરાત કરાશે. યોજનાનો મુખ્ય હેતુ તેલિબિયાંનું વાવેતર કરતાં ખેડૂતોને પુરતું વળતર મળી રહે તેના માટે ટેકના ભાવ ઉપરાંત કેન્દ્ર સરકારે નવી યોજના દાખલ કરી છે.