Gujarat Elections 2022: નામ છોટુ પણ કામ મોટું! આ બાહુબલી નેતા આજ સુધી નથી હાર્યા વિધાનસભાની ચૂંટણી

Gujarat Assembly Elections 2022: બાહુબલી નેતા છોટુ વસાવા જે 1990થી આજ સુધી નથી હાર્યા ધારાસભાની ચૂંટણી. જાણો સતત કઈ રીતે ચૂંટણી જીતતા આવ્યાં છે આ દિગ્ગજ નેતા. 

Gujarat Elections 2022: નામ છોટુ પણ કામ મોટું! આ બાહુબલી નેતા આજ સુધી નથી હાર્યા વિધાનસભાની ચૂંટણી

યશ કંસારા, અમદાવાદઃ નામ છોટુ પણ કામ એવું કે કોઈને પણ હંફાવી દે. એક એવા નેતા જેમને જોઈને તેમના મતવિસ્તારના લોકો મત આપી દે. પછી તે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા. આજે વાત કરશું ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ચીફ છોટુ વસાવાની. બાહુબલી નેતાની છાપ ધરાવતા છોટુ વસાવા સાત વખતથી ઝઘડિયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, જેઓ તેમના પિતા તથા સસરા પાસેથી રાજકારણના પાઠ ભણ્યા છે.

1945માં જન્મેલા છોટુ વસાવા 1985માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. પરંતુ 1990માં જનતા દળની ટિકિટ પર પ્રથમ વખત જીત્યા હતા. ત્યારથી આજદિવસ સુધી સાત વખત તેઓ ઝઘડિયા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે.
છોટુ વસાવાના પિતા અમરસિંહ વસાવા સરકારી નોકરી કરતા હતા અને દક્ષિણ ગુજરાતમાં રાજપૂતોનું વર્ચસ્વ હતું. આદિવાસીઓની જમીનો રાજપૂતો પાસે હતી. જમીનના અધિકારને લઈને છોટુ વસાવાના પિતાએ આદિવાસીઓને એકઠાં કર્યા હતા અને પછી છોટુ વસાવા પણ આંદોલનમાં જોડાયા.

1990ના દાયકામાં છોટુ વસાવાએ વાંકલના આદિવાસી નેતા રમણ ચૌધરી અને ડેડિયાપાડાના અમરસિંહ વસાવાની સાથે આદિજાતિ વિકાસ પક્ષની સ્થાપના કરી હતી. એ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ વિરુદ્ધ આ આંદોલન ઊભું કરવામાં આવ્યું હતું. જોકે, 1985-89 વચ્ચે કોંગ્રેસ પક્ષના અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમને પણ આદિવાસીઓનું સમર્થન મળ્યુ હતું.

જોકે, છોટુભાઈ માત્ર તેમના પિતા પાસેથી જ નહીં, તેમના સસરા પાસેથી પણ રાજકારણના પાઠ ભણ્યા છે. છોટુભાઈ વસાવા આક્રમક અને સ્વતંત્ર રાજનેતા છે, જેમની શક્તિ મૂળજી નરસી વસાવાએ ઓળખી હતી. જેઓ આઝાદી બાદ યોજાયેલી પ્રથમ બૉમ્બે સ્ટેટ ઍસેમ્બલીની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. મૂળજીભાઈએ તેમનાં દીકરીના લગ્ન છોટુભાઈ સાથે કરાવ્યા હતા.

મૂળજીભાઈ જિલ્લા કોંગ્રેસના નેતા કે અન્ય રાજનેતાઓને મળવા જાય ત્યારે છોટુભાઈ તેમની સાથે રહેતા. છોટુભાઈએ એસએસસી પાસ કર્યું અને માત્ર 18 વર્ષની ઉંમરે તલાટી બની ગયા. પરંતુ માત્ર ત્રણ વર્ષમાં તેમણે નોકરી છોડી દીધી હતી. તેમણે આદિવાસીઓને ખેડવા માટે જમીન મળે તથા તેમનું શોષણ ન થાય, તેમને અધિકાર મળે તે માટે લડત હાથ ધરવાનું નક્કી કર્યું.

આ અરસામાં તેઓ ભરૂચ જિલ્લાના કોમ્યુનિસ્ટ નેતાઓના સંપર્કમાં આવ્યા. જ્યારે ક્યારેય તેમને આદિવાસી પર અત્યાચાર વિશે માહિતી મળે એટલે તેઓ પોતાના સાથીઓ સાથે ઘટનાસ્થળે ધસી જાય અને જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરે.

સપ્ટેમ્બર-1971માં છોટુભાઈના સસરા મૂળજીભાઈની હત્યા થઈ હતી. હજુ તેઓ પોતાને નવી પરિસ્થિતિ મુજબ ઢાળી રહ્યાં હતાં અને પોતાના મિશનને આગળ ધપાવી રહ્યા હતા, ત્યારે ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા દેશમાં કટોકટી લાદવામાં આવી. છોટુભાઈની ધરપકડ થઈ અને 1976માં તેમને છોડી પણ દેવામાં આવ્યા. એ પછી તેઓ ગામના સરપંચ બન્યા.

વસાવાનું માનવું હતું કે જેવી રીતે અમેરિકાના વૉશિંગ્ટન ડીસી સ્થિત 'વ્હાઇટ હાઉસ' દુનિયામાં સત્તાનું કેન્દ્ર છે. એવી જ રીતે આદિવાસીઓનું પણ શક્તિકેન્દ્ર હોવું જોઈએ. આથી તેમણે, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચંદેરિયા ખાતે વ્હાઇટ હાઉસની સ્થાપના કરી. ભીલીસ્થાન વિકાસ મોરચાના નેજા હેઠળ અલગ રાજ્યની ચળવળનું મુખ્ય કેન્દ્ર પણ અહીં જ રહ્યું છે.

સ્ટૅચ્યુ ઑફ યુનિટી અને પાર-તાપી-નર્મદા રિવર લિંક જેવી આદિવાસીઓને સ્પર્શતી સમસ્યાઓ પર તેઓ બોલતા રહે છે અને જરૂર પડ્યે જનતાને રસ્તા ઉપર ઉતારી પણ શકે છે. વ્હાઇટ હાઉસનો શરૂઆતમાં હેતુ આદિવાસી યુવાને સરકારી પરીક્ષાઓ, કમ્પ્યુટર શૈક્ષણિક, આદિવાસી અસ્મિતા વિશે જાગૃતિ અને ખેલકૂદની તાલીમ આપવાનો તથા તેમની ચેતનાને જાગૃત કરવાનો હતો. આજે તે બીટીપીના મુખ્યાલય તથા કેન્દ્રબિંદુ છે.
આપ કે એઆઈએમઆઈએમ સહિત કોઈ પણ પક્ષના રાજનેતાઓ કે મુલાકાતીઓ સાથે વસાવા પિતા-પુત્ર અહીં જ મુલાકાત કરે છે, જ્યારે તેમનું ઔપચારિક રહેણાક ઝઘડિયા તાલુકાના માલજીપુરામાં છે.

2017ની વિધાનસભા ચૂંટણીની ઍફિડેવિટ પ્રમાણે, છોટુ વસાવા સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં 17 અને વાલિયા પોલીસ સ્ટેશનમાં 11 ગુના નોંધાયેલા છે. તેમના પર હથિયારધારો અને ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) અને 307 (હત્યાના પ્રયાસ) અને 120-બી (ગુનાહિત કાવતરું ઘડવું) જેવી ગંભીર કલમો હેઠળના ગુના પણ નોંધાયેલા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news