PM મોદીના કાર્યક્રમને પગલે સુરક્ષા છાવણીમાં ફેરવાયું દાહોદ, 3 હજારથી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં જોડાયા

PM મોદીના કાર્યક્રમને પગલે સુરક્ષા છાવણીમાં ફેરવાયું દાહોદ, 3 હજારથી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં જોડાયા

ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. આજે પીએમ મોદી રાજ્યના દાહોદ જિલ્લાને અનેકવિધ વિકાસકામોની ભેટ આપવાના છે. સાથે જ વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસારના ભાગરૂપે પીએમ મોદી અહીં આદિવાસી બાંધવોની પ્રચંડ જનસભાને પણ સંબોધવાના છે. જેને પગલે હાલ સમગ્ર દાહોદ જિલ્લામાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કાર્યક્રમની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

કાર્યક્રમની વ્યવસ્થા માટે સચિવ કક્ષાના અધિકારીઓ સહિત 115 જેટલા અન્ય અધિકારીઓ કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થા માટે જોડાયા છે. કાર્યક્રમ સ્થળે સહભાગી થનારા નાગરિકોની બેઠક વ્યવસ્થા સહિતની તમામ સુવિધાઓનું ઝીણવટભર્યું આયોજન કરાયું છે. નાગરિકોને પાર્કિગથી લઇને કાર્યક્રમ સ્થળે પીવાના પાણીથી લઇને કોઇ પણ હેલ્થ ઇમરજન્સી માટેની પણ તમામ સુવિધાઓ કરાઇ છે.

મહાસંમેલન સ્થળે સુરક્ષા માટે એક આઇજીપી, 2 ડીઆઇજીપી, 12 એસપી, 36 ડીવાયએસપી, 100 પીઆઇ, 300 પીએસઆઇ સહિત 3000 થી પણ વધુ પોલીસકર્મીઓ આ બંદોબસ્ત જોડાયા છે. જેમાં હોમગાર્ડના પણ 700 જવાનોને સામેલ કરાશે. તેમજ એનએસજી, એટીએસ સહિત ચેતક કંમાડો યુનિટ સાથે પણ સંકલન સાધીને સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે.

કાર્યક્રમ સ્થળ 200 જેટલા સીસીટીવીની બાજ નજરમાં રહેશે. તેમજ આ માટે કમાડં એન્ડ કંટ્રોલ સેન્ટર પણ ઊભું કરાયું છે. ઉપરાંત તમામ રૂટ અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકીગ કરાઇ રહ્યું છે તેમજ પોલીસ બંદોબસ્ત કરાયો છે. ટ્રાફિક નિયમન માટે બફર ઝોન બનાવી ટ્રાફિકની વ્યવસ્થા કરાઇ છે. તેમજ કલર કોડ રખાયો છે.

મહાસંમેલનમાં સહભાગી થનારી જંગી જનમેદનીને અગવડ ન પડે તે માટે જરૂરી તમામ પ્રકારની સવલતો સાથે એશિયાનો સૌથી મોટો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં ૨ લાખ જેટલા લોકોનો કાર્યક્રમને માણી શકે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

ડોમ સંબંધિત આંકડાઓ તેની વિશાળતાનો ખ્યાલ આપે છે. એક મુખ્ય ડૉમ અને ત્રણ હૉલ્ડીંગ ડૉમથી બનેલા આ ડૉમનું કુલ ક્ષેત્રફળ 17.98 લાખ ચોરસ ફૂટ છે. 14 લાખ ચોરસ ફૂટના મુખ્ય ડૉમમાં ૭ ડૉમની હરોળ છે, જે પૈકી ૫ જર્મન ડૉમ છે. લંબાઈમાં 600 મીટર સુધી પથરાયેલા અને 132 ફુટ પહોળા આ મેઈન ડૉમની અન્ય ખાસિયત છે કે, આટલો વિશાળ વિસ્તાર હોવા છતાં તેમાં વચ્ચે એક પણ થાંભલો આવતો નથી. ક્ષેત્રફળની રીતે વિશાળ હોવા ઉપરાંત ડૉમમાં ઉપસ્થિત રહેનારા લોકોની સુવિધાઓનો પણ તલસ્પર્શી ખ્યાલ રાખવામાં આવ્યો છે.
ગરમીને ધ્યાનમાં રાખી પીવાના પાણીની સુયોગ્ય વ્યવસ્થા ડૉમમાં જ ગોઠવવામાં આવી છે.

વિશાળ જનમેદની હાજર રહેવાની હોય ત્યારે સલામતી અને તેમાં પણ ફાયરસેફ્ટી સૌથી અગત્યની બાબત હોય છે. આ ડૉમ ફાયર સેફ્ટીના માપદંડ ઉપર પણ ખરો ઉતરે છે. સમગ્ર ડૉમ ફાયરપ્રુફ બનાવવામાં આવ્યો છે. આ સંમેલનમાં સહભાગી થવા દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને મહિસાગર જિલ્લાના ગામોમાં સમગ્ર તંત્ર દ્વારા ઘરે-ઘરે જઈને નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૩૬૦થી પણ વધુ ગામોમાં સંમેલનના કાર્યક્રમ કરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news