રૂપાલાની આગને ઘી હોમીને મોટી કરાઈ, ગુપ્ત રિપોર્ટથી હાઈકમાન્ડ પણ ચોંકી ગયું
Parshottam Rupala Statement : આગ લાગી નથી લગાવવામાં આવી છે, પરસોત્તમ રૂપાલાના વિવાદમાં ભાજપે એક નવો રિપોર્ટ તૈયાર કરાવ્યો, જે ચોંકાવનારો છે, રિપોર્ટ એવો છે કે ભાજપના નેતાઓ જ પડદા પાછળ ખેલ રમી રહ્યાં છે. જે બાબતનો રિપોર્ટ દિલ્હી સુધી પડ્યો છે. આગામી દિવસોમાં મોટા નિર્ણયો લેવાય તો નવાઈ નહીં. ગુજરાતમાં રૂપાલા વિવાદમાં આગામી દિવસોમાં કડાકા ભડાકા થાય તો પણ નવાઈ નહીં...
Trending Photos
Loksabha Election 2024 : ભાજપમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે, આંતરિક વિવાદ, વિરોધ બાદ તેને શાંત કરાવવામાં કોઈને રસ નથી. ભાજપમા ક્યાંય ડેમેજ થાય તો તરત કમલમથી આદેશ છૂટે, હાઈકમાન્ડ એક્ટિવ થઈ જાય. પરંતું છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં રૂપાલાની આગમાં કોઈ પાણી રેડવા તૈયાર નથી, ઉલટાનુ તેમાં ઘી રેડીને આગને મોટી કરવામાં આવી રહી છે. રૂપાલાનો મામલો હવે ધીમેધીમે આગ પકડી રહ્યો છે. આજે ખંભાળિયામાં પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિયોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
ભાજપને રસ ન હોય તેવુ તો કેમ બને...
ચૂંટણીનો સમય છે અને આ વિવાદને થાળે પાડવામાં ભાજપને રસ ન હોય તેવુ તો કેમ બને. ત્યારે હવે એક એવી વાત સામે આવી છે, જેને ભાજપના નેતાઓના કામ સરવા કરી દીધા છે. રૂપાલાને સાઈડલાઈન કરવા માટે આખો ખેલ રચાયો હોવાનું પક્ષના ગુપ્ત અહેવાલમાં સામે આવ્યું છે. રૂપાલા પણ સારી રીતે જાણે છે કે આ આગ લગાડવા પાછળ કોણ છે આગામી દિવસોમા દિલ્હી હાઈકમાન્ડથી આ મામલે આદેશો થાય તો પણ નવાઈ નહીં...
રૂપાલાની છબી ખરડાય તેમાં કોને રસ
પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ ભાજપની ઊંઘ ઉડી ગઈ છે. કારણે લગભગ એક અઠવાડિયાથી ચાલી રહેલો વિવાદ શાંત નથી થઈ રહ્યો. ત્યારે એક નવા રિપોર્ટે ભાજપની ઊંઘ ઉડાડી છે. પક્ષના ગુપ્ત અહેવાલમાં સામે આવ્યું કે, વિવાદ ઉભો થયો નથી, પણ ઉભો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાજપમાં હાંસિયામાં ધકેલાયેલા નેતાઓ જ આખા પિક્ચરમાં વિલન બન્યા છે.
પક્ષપલટુઓથી નારાજ કાર્યકર્તા
છેલ્લા કેટલાક સમયથી પાટીલ કમલમમાં વેલકમ પાર્ટી અને ભરતી મેળાના નામે જાતજાતના કાર્યક્રમ કરી રહ્યાં છે. આવામાં ભાજપના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ નારાજ થયા છે. પક્ષ માટે પરસેવો પાડનારા નેતાઓને કોરાણે મૂકીને ભાજપ પક્ષપલટુઓ માટે લાલ જાજમ પાથરી રહ્યું છે. આ કારણે પક્ષ માટે કામ કરતા પાયાના કાર્યકર્તાઓ હાંસિયામાં ધકેલાયા છે. પક્ષપલટુઓને શિરપાવ મળતા તેમને મોટાભા બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે રિપોર્ટ કહે છે કે, સાઈડલાઈન કરાયેલા નેતાઓ જ ભાજપને નડી રહ્યાં છે. આ જ નેતાઓ રૂપાલાની આગમાં ઘી હોમી રહ્યાં છે. તેઓ ઈચ્છે છે કે, ભાજપને ચૂંટણીમાં નુકસાન થાય.
દિલ્હીને બધુ ખબર છે, પણ
બીજી તરફ, વિવાદ વકરતા ખુદ દિલ્હી હાઈકમાન્ડને તેમાં રસ પડ્યો છે. આ અસંતુષ્ટ નેતાઓ પર દિલ્હીથી નજર રાખવામાં આવી રહી છે. ચર્ચા એવી પણ છે કે, ચૂંટણી બાદ વિરોધીઓનો હિસાબ કરવામા આવશે. હાલ ચૂંટણી માથા પર હોવાથી વિવાદ વધુ વકરે નહિ તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભાજપના સૂત્રોનું કહેવુ છે કે, હાલ આખા વિવાદને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખુદ હાઈકમાન્ડે તખ્તો તૈયાર કર્યો છે.
સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન ભરાયું હતું
ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ વિરોધના સૂર ઉઠ્યાં છે. ત્યારે હવે સૂત્રો પાપ્ત મળતી માહિતી મુજબ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઇને દિલ્હી બોલાવ્યા હોવાની ચર્ચા સામે આવી છે. અત્રે જણાવીએ કે, ક્ષત્રિય સમાજ ઉમેદવાર બદલવાની માગ પર અડગ છે. રૂપાલાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન ભરાયુ હતું. જેમાં જિલ્લાભરના આગેવાનોએ હાજરી આપી હતી. રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજે અલ્ટીમેટમ આપ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે