રૂપાલા સામે ક્ષત્રિયો આર યા પારના મૂડમાં : સરકારે રાજપૂતોને મનાવવા બંધબારણે બેઠક કરી
Rajputs Boycott BJP : પરશોત્તમ રૂપાલા સામે ઉગ્ર વિરોધના પગલે ભાજપ એક્શનમાં.... સી.આર.પાટીલના નિવાસસ્થાને મહત્વની બેઠક... મુખ્યમંત્રી અને ભાજપના ક્ષત્રિય આગેવાનો બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા..
Trending Photos
Parshottam Rupala : લોકસભાની ચૂંટણી પહેલાં જ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલું વિવાદિત નિવેદન હવે ખુદ રૂપાલા માટે માથાનો દુ:ખાવો બન્યું છે. જાહેરમાં બે-બે વાર માફી માગવા છતાં ક્ષત્રિયો વિવાદ શાંત કરવા તૈયાર નથી. ક્ષત્રિયોની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, ત્યારે આ જ માગને પુરી કરવા માટે ક્ષત્રિયોએ ઉગ્ર વિરોધની તૈયારી કરી લીધી છે. ત્યારે પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયો આર યા પારના મૂડમાં છે. ક્ષત્રિયોનો રોષ પરશોત્તમ રૂપાલા સામે સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લાઓમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો છે. તો મધ્ય ગુજરાતમાં ખેડા અને અમદાવાદમાં તો ઉત્તર ગુજરાતમાં પાટણમાં ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ છે. આમ, ગુજરાતના કુલ 10 જેટલા જિલ્લામાં રૂપાલા સામે રાજપૂતો બગડ્યા છે. હવે અમદાવાદમાં ક્ષત્રિયો પરશોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યો છે. આજે સમસ્ત ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી આવેદન પત્ર આપશે. આ વચ્ચે હવે પાટીલે ગાંધીનગરમાં બંધબારણે બેઠક શરૂ કરી
રૂપાલાના વિવાદ વચ્ચે મહત્વના સમાચાર
ગમે તમે કરીને રૂપાલાનો વિવાદ શાંત થઈ જ નથી રહ્યો, ઉપરથી વધી રહ્યો છે, ત્યારે સી આર પાટીલના નિવાસસ્થાને આ મુદ્દે મહત્વની બેઠક યોજાઈ છે. જેમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો પહોંચ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ કે જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કીરીટસિહ રાણા સહિતના આગેવાનો હાજર રહ્યાં. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ પ્રદેશ અધ્યક્ષના નિવાસ્થાને પહોંચ્યા છે. ભાજપના મહામંત્રી રજની પટેલ પણ પ્રદેશ અધ્યક્ષના નિવાસ્થાને પહોંચ્યા.
સુરેન્દ્રનગરમાં ભાજપ માટે પ્રવેશબંધી
પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા છે. પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટીકા ટીપ્પણીઓ મામલે ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશ નહીં આપવામાં આવે. સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકી કેસરિયા પેઢડા મોઢવાણા સહિતના ગામોમાં પોસ્ટર લગાવી અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી 5 ગામોમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશ બંધી મૂકાઈ છે. પહેલાથી જ સુરેન્દ્રનગર ભાજપમાં લોકસભાની બેઠક ઉપર ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપ્યા બાદ ઉકળતો ચરૂ છે. ત્યાં બીજી તરફ હવે પ્રવેશબંધીના પોસ્ટર વોરથી ભાજપની ચિંતા વધી.
સૌરાષ્ટ્રભરમાં પોસ્ટર ફરતા કરાયા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં ભાજપને પ્રવેશબંધીના પોસ્ટર વાઈરલ કરવામાં આવ્યા છે. તો અમુક ગામડાઓમાં ગામની બહાર પોસ્ટર લગાડવામાં આવ્યા છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ક્ષત્રિય સમાજની વસ્તી સાથે અન્ય સમાજની વસ્તી ધરાવતા ગામડાઓ પોસ્ટરની સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટરો વહેતા થયા છે. રાજકોટ ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના ગામ વડાળીમાં પોસ્ટર વાયરલ કરાયા છે. રાજકોટ જિલ્લાના વડાળી, વાવડી, રમતપર, તો જામનગર જિલ્લાના સૌથી મોટા ગામ ધ્રાફા ગામ, તો વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના પોસ્ટર સોશિયલ મીડિયામાં વહેતા કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના સૌથી મોટા ગામ ધ્રાફા ગામે ભાજપને પ્રવેશ નહીં તેવું લખાયં છે.
ચૂંટણી કમિશનરને સોંપાશે રિપોર્ટ
રાજકોટથી ભાજપના ઉમેદવાર રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલે આજે જિલ્લા કલેક્ટર ચૂંટણી કમિશનરને રિપોર્ટ અપાશે. આચાર સંહિતાના નોડલ ઓફિસર, ડેપ્યુટી કમિશનર અને સિટી પ્રાંત અધિકારીએ સતત ત્રણ દિવસ સુધી આ મુદ્દે તપાસ કરી હતી. રૂપાલાના નિવેદન અંગે તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે આજે સાંજ સુધી કલેક્ટર પ્રભાવ જોશી તપાસ રિપોર્ટ મોકલશે. અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલાશે.
અમદાવાદ સુધી આગ પહોંચી
પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવા મુદ્દે વિરોધ યથાવત છે. ત્યારે રાજકોટની આગ અમદાવાદ પહોંચી છે. રાજકોટથી વિરોધની અસર અમદાવાદ સુધી થઈ છે. સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા અમદાવાદ કલેક્ટર કચેરીએ વિરોધ દર્શાવીને આવેદનન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે