મુખ્યમંત્રીના જ નિર્ણયનો ઉલાળિયો કરતા મંત્રીઓ માટે નવું ફરમાન છૂટ્યું, ભાજપના ધારાસભ્યોએ કરી હતી ફરિયાદ

Gujarat Government : ભાજપના મંત્રીઓ ફરી ચર્ચામા આવ્યા છે. મંત્રીઓ મુલાકાતીઓને જ નહીં, પરંતું MLA ને પણ મળતા નથી તેવો મુદ્દો ઉઠ્યો છે. તેથી તેમની સામે નવુ ફરમાન કાઢવામાં આવ્યું છે... મંત્રીઓને સોમ અને મંગળવારે મંત્રીઓએ સચિવાલયમાં હાજર રહેવું પડશે

મુખ્યમંત્રીના જ નિર્ણયનો ઉલાળિયો કરતા મંત્રીઓ માટે નવું ફરમાન છૂટ્યું, ભાજપના ધારાસભ્યોએ કરી હતી ફરિયાદ

Gandhingar News ગાંધીનગર : સચિવાલયમાં કેબિનેટ-રાજ્યકક્ષાના મંત્રીઓ માત્ર મિટીંગોમાં જ વ્યસ્ત રહ્યા કરે છે. મુલાકાતનો દિવસ હોવા છતાંય મુલાકાતીઓને તો ઠીક, પણ ખુદ ભાજપના ધારાસભ્યોને ય મળતા નથી. આ કારણોસર ભાજપના ધારાસભ્યોની નારાજગી બહાર આવી છે. તેથી મુખ્યમંત્રીએ એક નવુ ફરમાન બહાર પાડ્યું છે. જેમાં મંત્રીઓને સોમવાર અને મંગળવારે બધાય મંત્રીઓને સચિવાલયમાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપી છે. મંત્રીઓએ અગાઉના નિયમનો ઉલાળિયો કરતાં CM એ તાકીદ કરવી પડી છે. એટલે જ મુલાકાતના દિવસે કોઈ મીટિંગ નહિ ગોઠવાય તેવો પણ નિર્ણય કર્યો છે.

સત્તામાં આવ્યા બાદ ભુપેન્દ્ર પટેલની સરકાર અનેક નિર્ણયો લઈ રહી છે. આ સરકાર મંત્રીઓને કાબૂમાં રાખવામાં, તો સાથે જ સચિવાલયમાં લાઈટ બિલ બચાવવા જેવા મુદ્દે અનેક નિર્ણયો લઈ ચૂકી છે. ત્યારે હવે કાબૂ બહાર ગયેલા મંત્રીઓને સીધાદોર કરવા વધુ એક નિર્ણય લેવાયો છે. પહેલા એવુ નક્કી કરાયુ હતું કે, મુલાકાતના દિવસે ધારાસભ્યને એપોઇન્ટમેન્ટ વિના મંત્રીઓને સીધા જ મળી શકશે. પણ આ બધુય શેઠની શિખામણ ઝાંપા સુધી હોય તેવું થઇને રહ્યુ હતું. પરંતુ મંત્રીઓ તો હવે ભાજપના ધારાસભ્યો પણ મળતા નથી. તેઓ ધારાસભ્યોને પણ કેબિનની બહાર રાહ જોવડાવે છે તેવુ ધ્યાને આવ્યુ હતું. 

ભાજપના ધારાસભ્યોને મંત્રીઓને ઓફિસમાંથી જવાબ આપી દેવાય છે કે, સાહેબ નથી, બહારગામ છે. હાલ મિટીંગમાં છે. ફરી આવજો .આ કારણોસર લોકો તો ઠીક, ખુદ ભાજપના ધારાસભ્યોને સચિવાલયના ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે. સોમવાર-મંગળવાર મુલાકાતનો દિવસ હોવા છતાંય મંત્રીઓ મિટીંગમાં વ્યસ્ત હોય છે. આ પરિસ્થિતીને કારણે ધારાસભ્યોની નારાજગી ચરમસીમાએ પહોચી છે.

આ વાત વધુ વકરે તે પહેલાં મુખ્યમંત્રીએ બધાય મંત્રીઓને સોમવાર- મંગળવારે ફરજિયાતપણે સચિવાલયમાં હાજર રહેવા તાકીદ કરી છે. એટલું જ નહીં, મુલાકાતના દિવસે મિટીંગ ન રાખવા ખાસ સૂચના અપાઇ છે. મુલાકાતીઓ ઉપરાંત ધારાસભ્યોને મુલાકાત આપીને પ્રજાના પ્રશ્નો હલ થાય તે દિશામાં વધુ જાગૃતતા દાખવવા તાકીદ કરાઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news