ગુજરાતમાં ભાજપને અઘરો પડશે સદસ્ય નોંધણીનો ટાર્ગેટ! જાણો કેમ કોંગ્રેસ થઈ રહ્યું છે રાજી

તાજેતરમાં જ રાજકોટ આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સદસ્યતા અભિયાનમાં રાજકોટનો ટાર્ગેટ ફિક્સ કરી દીધો છે. આ ટાર્ગેટ તો આપી દીધો. પરંતુ આ ટાર્ગેટ પૂરો કેમ કરવો તેને લઈને ભાજપના કાર્યકરો મૂંઝવણ અનુભવી રહ્યા છે.

ગુજરાતમાં ભાજપને અઘરો પડશે સદસ્ય નોંધણીનો ટાર્ગેટ! જાણો કેમ કોંગ્રેસ થઈ રહ્યું છે રાજી
  • ભાજપના સદસ્ય અભિયાન V/S કોંગ્રેસનું સમસ્યા અભિયાન
  • દરેક સભ્યએ 200 અને કોર્પોરેટરોએ 2500 સદસ્ય બનાવવા સૂચના !
  • રાજકોટના મતદારીએ 4.84 લાખ મત ભાજપને આપ્યા, ટાર્ગેટ 5 લાખ...

ગૌરવ દવે/રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રાજકીય પાર્ટીઓ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દર ત્રણ વર્ષે સદસ્યતા અભિયાન કરી સદસ્યો વધારવાના પ્રયાસો કરે છે. વિશ્વની સૌથી મોટી પાર્ટીનો દાવો કરતી ભારતીય જનતા પાર્ટીને આ વખતે સદસ્ય નોંધણી માટે લોકોની વચ્ચે જવું પણ અઘરૂં બન્યું છે. જેને કારણે કોંગ્રેસને આનંદો છે. કોંગ્રેસ નેતાઓએ ભાજપના સદસ્યતા અભિયાન સામે લોકોની સમસ્યા ઉજાગર કરવા દરેક વોર્ડમાં રૂબરૂ જઈ અને લોકોની સમસ્યાઓ સાંભળવાનું અયોજન કર્યું છે. 

તાજેતરમાં જ રાજકોટ આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સદસ્યતા અભિયાનમાં રાજકોટનો ટાર્ગેટ ફિક્સ કરી દીધો છે. આ ટાર્ગેટ તો આપી દીધો. પરંતુ આ ટાર્ગેટ પૂરો કેમ કરવો તેને લઈને ભાજપના કાર્યકરો મૂંઝવણ અનુભવી રહ્યા છે. ભાજપના સદસ્યતા અભિયાનમાં કાર્યકરો સદસ્ય બનાવવા લોકો વચ્ચે જાય છે ત્યારે લોક રોષનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં બુદ્ધિજીવી કાર્યકર આ સદસ્યતા અભિયાનથી દુર જ સારા એવું માની બેસી ગયા છે. 

રાજકોટ શહેર ભાજપ સમિતિ દ્વારા દરેક વોર્ડમાં કોર્પોરેટરોને જે 1500 સદસ્યનો ટાર્ગેટ હતો તે વધારી 2500 કરવા સૂચના આપી દીધી. એટલું જ નહીં દરેક વોર્ડના એક્ટિવ સભ્યને 125નો ટાર્ગેટ હતો તે વધારી 200 કરી દીધો છે. જોકે એક્ટિવ સભ્ય પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરે કે કોર્પોરેટરોને ટાર્ગેટ પૂર્ણ કરાવે તે મુશ્કેલી ઉભી થઇ છે. રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીનો ફોન આવે એટલે કાર્યકરો એક જ ચર્ચા કરતા જોવા મળે છે કે, હમણાં કેટલો ટાર્ગેટ પૂર્ણ થયો તેની ઉઘરાણી કરશે!

તો કોંગ્રેસમાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. આવી જ રીતે કોંગ્રેસ દરેક 18-18 વોર્ડમાં લોકોની વચ્ચે જશે અને તેમને કઈ પ્રકારની સમસ્યાઓ છે તે જાણવાનો પ્રયાસ કરશે. જેના માટેનો કાર્યક્રમ ઘડી નાખવામાં આવ્યો છે. દરેક કોંગ્રેસના આગેવાનો વોર્ડમાં જશે અને લોકોની સમસ્યા જાણશે. રાજકોટ શહેરમાં કોર્પોરેશનમાં અધિકારીઓ થી લઈ પદાધિકારીઓ સુધી બધા ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે. TRP ગેમઝોન અગ્નિકાંડ પછી બધું લોકોની સામે આવી ગયું છે. ચોમાસામાં રસ્તાઓ પર પાણી અને પાણી પછી કમરતોડ ખાડા છે. મતદારો ભાજપના પદાધિકારીઓ સામે રોષ ખુલ્લેઆમ ઠાલવી રહ્યા છે. 

સંયોજકો સામે કાર્યકરોમાં રોષ
રાજકોટ શહેર ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનમાં ત્રણ એવા સંયોજકોની નિમણુંક કરવામાં આવી કે જેના નામ સાંભળીને જ કાર્યકરો નારાજ થઈ ગયા છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ અજય પટેલ, સામાજિક અગ્રણી પૂજા પટેલ અને ગીતાંજલી કોલેજના સંચાલક શૈલેષ જાની. કાર્યકરો જાહેરમાં બોલે છે કે, સંયોજકો ભાજપના સભ્ય ક્યારે હતા ? સીધા ભાજપમાં આવી જવાબદારી સંભાળી લીધી છે. જે વર્ષો થી ભાજપમાં કામ કરે છે તેવા કાર્યકરોની કોઈ જ વેલ્યુ થતી નથી તેવો ગણગણાટ શરૂ થયો છે. 

ટાર્ગેટ પૂરો કરો પદ મેળવોના વચનો, પદ તો બહારના જ લઈ જશે
વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને સાનિષ્ઠ કાર્યકરે નામ ન આપવાના શરતે કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં ભાજપના નેતાઓએ પોતાના જૂથને આગળ કરવાનું શરૂ કર્યું છે. જેને કારણે પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. રાજકોટમાં કાર્યકરોને ટાર્ગેટ પૂરો કરવી એટલે સામાન્ય વાત છે. પરંતુ અત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા ટાર્ગેટ પૂરો કરશો તો હોદ્દો આપવામાં આવશે તેવા વચનો આપવાના શરૂ કર્યા છે. કાર્યકરો પણ જાણે છે કે, ટાર્ગેટ પુરા કરવા થી હોદ્દાઓ આપવામાં આવતા નથી. પરંતુ જે લાગતા વળગતા હોઈ તેને જ હોદ્દાઓ આપી દેવામાં આવે છે. જેથી કાર્યકરો જ ટાર્ગેટ પૂર્ણ કરવા લોકો પાસે જતા નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news