ગુજરાત કોંગ્રેસમાં લિડરશિપને લઈ સળવળાટ શરૂ, દિલ્હી પહોંચ્યા કેટલાક નેતા

ગુજરાત કોંગ્રેસમાં લિડરશિપને લઈ સળવળાટ શરૂ, દિલ્હી પહોંચ્યા કેટલાક નેતા
  • પ્રદેશ કોંગ્રેસના માળખામાં ફેરફારની શક્યતા વચ્ચે તુષાર ચૌધરી સહિત અનેક નેતાઓને દિલ્હી બોલાવાયા
  • અનેક રાજ્યોમા કોંગ્રેસમાં આંતરિક કલહ ચાલી રહ્યો છે. જેને સોલ્વ કરવામાં કોંગ્રેસ હાઈકમાન કામે લાગ્યું છે

ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી કોંગ્રેસમાં ફરીથી ગુજરાત કોંગ્રેસ (gujarat congress) ની નેતાગીરીને લઈને સળવળાટ શરૂ થયો છે. પ્રદેશ કોંગ્રેસના માળખામાં ફેરફારની શક્યતા વચ્ચે તુષાર ચૌધરી સહિત અનેક નેતાઓને દિલ્હી બોલાવાયા છે. થોડા દિવસ પહેલા નરેશ રાવલના નિવાસ સ્થાને કોંગ્રેસના એક જૂથે બેઠક યોજી હતી અને હાઈ કમાન્ડને મળવા માટે સમય માંગ્યો હતો. ત્યારે હવે એ બેઠકમાં હાજર રહેલા નેતાઓને દિલ્હી (delhi) બોલાવાયા છે. 

કોણ કોણ દિલ્હી પહોંચ્યું 
કોંગ્રેસના મુખિયા સોનિયા ગાંધી (sonia gandhi) નો સમય ન મળતા આજે કોંગ્રેસના નેતાઓ કે. સી. વેણુગોપાલ સાથે તેઓ બેઠક કરવાના છે. જેમાં નરેશ રાવલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, સાગર રાયકા, જગદીશ ઠાકોર, હિમાંશુ વ્યાસ, સી જે ચાવડા, બળદેવજી ઠાકોર, તુષાર ચૌધરી અને ગૌરવ પંડ્યા સહિતના નેતાઓ સામેલ થશે. ગુજરાત કોંગ્રેસનું આ જૂથ જલ્દી નિમણુંકો કરવાની માંગ કરી રહ્યું છે. આ જૂથે 3-3 સભ્યોની પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષની પેનલો પણ તૈયાર કરી લીધી છે.

ગુજરાત કોંગ્રેસ હાલ લિડર વગરની 
અનેક રાજ્યોમા કોંગ્રેસમાં આંતરિક કલહ ચાલી રહ્યો છે. જેને સોલ્વ કરવામાં કોંગ્રેસ હાઈકમાન કામે લાગ્યું છે. પરંતુ દિલ્હીના કાન સુધી ગુજરાતનો અવાજ પહોંચતો નથી એવુ લાગે છે. ગુજરાત કોંગ્રેસમાં ત્રણ મોટી જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, તેને માત્ર દોઢ વર્ષ જ બાકી છે. બે દાયકાથી ગુજરાતમાં ભાજપની સત્તા છે. અત્યાર સુધી ગુજરાતમાં બે ધ્રુવીય રાજનીતિ હતી. એક ભાજપ અને બીજી કોંગ્રેસ. ત્યારે હવે તેમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. આવામાં ગુજરાત કોંગ્રેસ દિશાહીન છે અને લિડર વગરની છે. 

ગુજરાત કોંગ્રેસમાં 3 મોટા પદ ખાલી 
હાલ ગુજરાત કોંગ્રેસમાં ત્રણ જગ્યા ખાલી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, વિધાનસભામાં વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રભારીનું પદ. ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આ વાતને લઈને પણ ચિંતામાં છે. ત્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રી કોંગ્રેસે નબળી ન પાડે તે માટે મજબૂત લિડરની પક્ષને હવે જરૂર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news