જેમનાથી શેક્યો પાપડ પણ ના ભાંગે એ કોંગ્રેસીઓ ભાજપ તોડવા નીકળ્યા હતા, હવે રૂપિયાની ઉઘરાણી નીકળી

Gandhinagar News : ચૂંટણીમાં કોંગ્રેસના એક સિનિયર નેતાએ ભાજપના ધારાસભ્યોને ફોડવા માટે રણનીતિ ઘડી હતી, પરંતું પ્રોજેક્ટ સફળ રહ્યો નહિ, ઉપરથી લેવાના દેવા થઈ ગયા
 

જેમનાથી શેક્યો પાપડ પણ ના ભાંગે એ કોંગ્રેસીઓ ભાજપ તોડવા નીકળ્યા હતા, હવે રૂપિયાની ઉઘરાણી નીકળી

Gandhinagar News : ગુજરાત ભાજપમાં કોંગ્રેસીકરણ હવે નવાઈની વાત નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મોટા નેતાઓ, સાંસદો તેમજ ધારાસભ્યોનો ગણતરી કરવામાં આવે તો એ સંખ્યા હવે અધધ કહી શકાય તેના પર પહોંચી ગયો છે.  ભાજપ દર ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી વિકેટો ખેરવી નાખે છે. આ જોઈને એકવાર કોંગ્રેસને પણ ભાજપમાંથી વિકેટ ખોરવવાનો ચસકો લાગ્યો હતો. જે દરમિયાન હાઈકમાન્ડે પણ લીલીઝંડી આપી હોવાનું કહેવાય છે. જોકે, કોંગ્રેસીઓથી શેક્યો પાપડ પણ ના ભાંગે એમ ભાજપમાં ખબર પડતાં તેમનો પ્લાન તો ફેલ ગયો હતો પણ દિલ્હીથી આવેલા રૂપિયાનો હવે હિસાબ નથી મળી રહ્યો. આ મામલે હવે ઉઘરાણી થઈ રહી છે પણ એકબીજાને ખો અપાઈ રહી હોવાની ચર્ચાઓ છે. 

કોંગી નેતા ફંડ પરત કરતા નથી
ગુજરાતમાં બે વર્ષ પહેલાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના એક સિનિયર નેતાએ ભાજપના ધારાસભ્યોને ફોડવા માટે રણનીતિ ઘડી હતી. કહેવાય છે કે, ઉચ્ચ સ્તરેથી તેના માટે નાણાંની રકમ છૂટી કરાઈ હતી. અલબત્ત કોંગ્રેસ ભાજપના એકેય ધારાસભ્યને તોડી શકી નહોતી, હવે બે વર્ષ પછી પણ કોંગ્રેસના નેતાએ ઉચ્ચ સ્તરે નાણાં પાછા જમા કરાવ્યાં નથી, જેના માટેની ઉઘરાણી પણ નીકળી છે, પણ કોંગી નેતા ફંડ પરત કરતા નથી. રિમાઈન્ડર કરાવ્યા પછી પણ આવી સ્થિતિ હોવાનો ગણગણાટ કોંગ્રેસના આગેવાનોમાં છે. જે તે વખતે માંડ ભાજપના એક ધારાસભ્ય ફૂટે તેવી સ્થિતિ હતી. જેની ગંધ આવી જતાં ભાજપે કોંગ્રેસના પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો.

આ પણ વાંચો : 

વિરોધ પક્ષના નેતાનો મામલો અટવાયો
કોંગ્રેસમાં એટલો બધો વિખવાદ છે કે માંડ 17 સીટો પર વિજેતા થવા છતાં પણ વિરોધપક્ષના નેતા ચૂંટી શક્યા નથી. આ મામલે પણ વિવાદો વધતાં સમગ્ર મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે. જેમાં સી જે ચાવડા અને શૈલેષ પરમારમાંથી 2 માંથી એકની પસંદગી થઈ શકે છે જોકે, આ મામલો કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ઉકેલી શક્યા નથી. આ નેતાઓ ભાજપ તોડવા નીકળે તો ભાજપી ધારાસભ્યો કોંગ્રેસમાં કેમ જોડાય એ સૌથી મોટો સવાલ છે? સ્થાનિક નેતાઓએ ઉત્સાહમાં આવીને હાઈકમાન્ડને પ્લાન આપ્યો અને ઉપરથી લીલીઝંડી મળી ગઇ પણ હવે રૂપિયા સલવાઈ ગયા હોવાની ચર્ચાઓ ગુજરાતના રાજકારણમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news