બોરવેલની વધતી ઘટનાઓ પર શિક્ષણમંત્રીની શિક્ષકોને અપીલ, શક્ય હોય તો આ કામ કરાવી લેજો

Borewell Rescue : દ્વારકામાં બોરવેલમાં પડી જતા બાળકીને થયેલા મૃત્યુ બાદ શિક્ષણમંત્રીનું આહ્વાન..પોતાના વિસ્તારમાં બિનઉપયોગી બોરવેલનું પુરાણ કરવા શિક્ષકોને અપીલ...એક અઠવાડિયા સુધી કામ કરવા શિક્ષણમંત્રીની વિનંતી...

બોરવેલની વધતી ઘટનાઓ પર શિક્ષણમંત્રીની શિક્ષકોને અપીલ, શક્ય હોય તો આ કામ કરાવી લેજો

Education Minister : ખેતરમાં ખોદવામાં આવતા બોરવેલ માસુમો માટે મોતના કુવા સાબિત થઈ રહ્યાં છે. રમત રમતમાં બોરવેલના ખાબકતા અનેક માસુમોની જિંદગી છીનવાઈ જાય છે. ત્યારે ગુજરાતમાં આવેલા આવા મોતના કુવા પુરવા માટે શિક્ષણ મંત્રીએ શિક્ષકોને અપીલ કરી છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ શિક્ષકોને પત્ર લખીને તેમના વિસ્તારમાં બિન ઉપયોગી બોરવેલ હોય તો પુરાણ કરી લોકોમાં જાગૃતતા લાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, શાળા કોલેજ કે ગામમાં આસપાસ આવા બિન ઉપયોગી બોરવેલ હોય તો શોધી ગુરુજનો આ કામ ઉપાડી લે. એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ કરવા વિનંતી છે. જે ગુરુજનો સેવાના વ્યક્તિગત કામ કરશે એમને વંદન સાથે અભિનંદન પત્ર અને રૂબરૂ મુલાકાત કરવાનું મંત્રીનું આશ્વાસન છે. બોરવેલમાં માસુમ જિંદગી ન જાય અને બચાવવા અપીલ કરી.

શિક્ષણમંત્રીએ પત્રમા લખ્યું કે, આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેવા સાથે વિકાસનો આપણને મંત્ર આપ્યો છે. ભારતના નાનામાં નાના ગામોના કોઇપણ ખૂણે થતી સેવાઓનો "મનકી બાત"માં તેઓએ આદર સાથે ઉલ્લેખ કર્યો છે. પરિણામ સ્વરુપ ભારતમાં સવા સો કરોડ લોકો આ સેવાનો મંત્ર સ્વીકારીને, વ્યક્તિગત કે સામૂહિક રીતે, લોકહિતમાં આવા કામો કરી અનેક અનેક સેવા કાર્યો કરી રહ્યાં છે. 

આપણાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ છે. તેઓના દ્રષ્ટિવંત નેતૃત્વમાં આપણે સામાજિક વિકાસની નવી ઉંચાઈઓ પર છીએ ત્યારે, ભારતનું ભવિષ્ય એવા આપણાં બાળકોનું પોષણ યોગ્ય રીતે થાય અને એમનું ઘડતર સુવ્યવસ્થિત રીતે થાય. મિત્રો, ભારત દેશમાં એક મહીનો પણ એવો ખાલી નહીં જતો હોય કે, કોઈને કોઈ ખુલ્લા બોરવેલમાં બાળક પડી જવાની ઘટના સામે આવી ન હોય! પછી આખુ તંત્ર દિવસ-રાત કામે લાગે તો પણ ઘણી જગ્યાએ બાળક ર૦-ર૦ કલાક તડપી-તડપીને મૃત્યુ પામે છે. અરેરાટી ઉપજાવે એવી આ વાત સાંભળી, ટીવીમાં જોઇને, કરોડો લોકોની આંખો ભારે હૃદયે વ્યથા સાથે ભીની થાય છે. વિધિની વક્રતા તો એ હોય છે કે, આવા સમયે આપણે સૌ લાચાર સ્થિતિમાં બાળકને બચાવવા માટે કશું જ નથી કરી શકતા. પરિણામે બાળક પીડા અને આક્રંદ વચ્ચે પોતાનો જીવ ગુમાવે છે.

આપ સૌ ગુરુજનોને મારી વિનંતિ છે કે, આપ જે ગામમાં, તાલુકામાં, નગરપાલિકામાં કે શહેરમાં અથવા શાળાની આસપાસ કે ગમે ત્યાં આવા ખુલ્લા બિનઉપયોગી બોરવેલ જુઓ તો લોકોમાં જાગૃતતા લાવી તેને પેક કરાવો. રેતી-માટી પુરાણ કરી સમાજ માટે ઉમદા સેવાનું કામ કરો. વ્યકિતગત રીતે કે સામૂહિક રીતે આપ આગળ આવી આવા સેવાકાર્ય માટે નેતૃત્વ કરો. રાજયના અઢાર હજાર ગામડાઓ, એની શાળાઓ, કોલેજો, ગામના પરિસર કે ખુલ્લી જગાઓમાં બિનઉપયોગી આવા બોર ખોળી કાઢી, એને બંધ કરવાનું આ કામ સૌ ગુરુજનો ઉપાડી લ્યો. એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ આપ કરો એવી મારી સૌને લાગણીભરી વિનંતી છે.

સમાજમાં સૌથી ઉંચુ સ્થાન ગુરુજનનું હોય છે. આપ લોકોમાં જાગૃતતા લાવશો તો સમાજના લોકો સુધી તેની બહોળી અસર થશે. જે ગુરુજનો આવા સેવાના વ્યક્તિગત કામ કરશે, તેઓને હું વંદન સાથે અભિનંદન પત્ર મોકલીશ તથા ટેલીફોનિક કે રૂબરૂ અભિનંદન પણ પાઠવીશ.

આપને આ સામાન્ય લાગતા, પણ બહુ મોટાં પુણ્યકાર્ય માટે, હું આજ્ઞા સ્વરૂપે નહી, પણ એક માનવીય અને સંવેદનાપૂર્ણ સેવાયજ્ઞ કરવા માટે આગ્રહપૂર્વક અનુરોધ કરી રહ્યો છું. મારા આ શુદ્ધ લાગણી સાથે લખાયેલા સંદેશને આપ સ્વીકારી, એને સામાજિક જાગૃતિ અને સેવા સાથે જોડીને પુણ્યકાર્ય કરશો તો બોરમાં ફસાયેલ માસૂમ જિંદગીને મોતના મુખમાંથી બચાવી શકાશે. રાજ્યમાં અને દેશમાં વ્યર્થ ખુલ્લા રહેલ બિનઉપયોગી બોરવેલ બંધ કરવામાં આપ નિમિત્ત બનશો તો કોઈના વહાલસોયા બાળકનું જીવન બચાવવા માટે આપ નિમિત બનશો. જો આમ થશે તો આવી માતાઓના લાડકવાયા દીકરાને બચાવવાના આપને આશીર્વાદ મળશે. ઈશ્વર ખૂબ રાજી થશે. 

મારા પ્રિય ગુરુજનો સાથે હું ભારતના કર્તવ્યનિષ્ઠ નાગરિકોને પણ આ બાબતે સજાગતા  દાખવવા અને આવા માનવીય અને સંવેદનાપૂર્ણ કાર્ય કરવા નિમિત્ત બનવા આગ્રહપૂર્વક વિનમ્ર અપીલ કરું છું. આપે કરેલ આ માનવીય સેવા કાર્યની વિગતો અને ફોટોગ્રાફસ આપ મને, મારા વિભાગના સરનામે પત્ર કે ઇ મેઈલથી અવશ્ય મોક્લી આપશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news