ગુજરાતની અતિસંવેદનશીલ દરિયાપુર બેઠક, હિન્દુ મતદારો બહુમતીમાં હોવા છતાં મુસ્લિમ ઉમેદવાર જીતે છે
Gujarat Elections 2022 : રાજ્યની સંવેદનશીલ બેઠકોમાં જેનો સમાવેશ થાય છે તે દરિયાપુર વિધાનસભા બેઠકનો ઇતિહાસ રસપ્રદ રહ્યો છે, હિન્દુ બહુમતીવાળી આ બેઠક પર મુસ્લિમ ઉમેદવારની જીતનું રહસ્ય શું છે. બેઠકના સમીકરણો શું છે એ જોઈએ
Trending Photos
Gujarat Elections 2022 ગૌરવ પટેલ/પટેલ :ગુજરાત એટલે રાજકીય પ્રયોગશાળા એમાંય અમદાવાદ શહેરની બેઠકો એટલે હિન્દુત્વની પારાશીશી બે દાયકાથી ગુજરાતમાં થયેલ ચૂંટણીઓમાં હિન્દુ-મુસ્લિમ ફેક્ટર હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. જેના થકી એક માનસિકતા ઉભી થઇ કે હિન્દુ મતદાતાઓ કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારને સ્વીકારતા નથી. આજે આપણે અમદાવાદની એક એવી બેઠકની વાત કરીશું કે, જે બેઠક પર હિન્દુ મતદાતાઓ બહુમતીમાં હોવા છતાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર જીતતા આવ્યા છે. દરિયાપુર વિધાનસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ જીતતા આવ્યા છે. હિન્દુ બહુમતીવાળી આ બેઠક પર મુસ્લિમ ઉમેદવારની જીતનું રહસ્ય શું છે. બેઠકના સમીકરણો શું છે એ જોઈએ એ અહેવાલમાં.
રાજ્યની સંવેદનશીલ બેઠકોમાં જેનો સમાવેશ થાય છે તે દરિયાપુર વિધાનસભા બેઠકનો ઇતિહાસ રસપ્રદ રહ્યો છે. કારણ કે અહીંયાથી એશિયાની સૌથી લાંબી ભગવાન જગન્નાથની રથયાત્રા પસાર થાય છે. ભૂતકાળમાં થયેલ તોફાનો અને કોમી વૈમનશ્યના કારણે આ બેઠક બંને રાજકીય પાર્ટી માટે મહત્વની રહેલી છે. દરિયાપુર બેઠકની વાત કરીએ તો, 2012 માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલ દરિયાપુરમાં 2012 અને 2017 માં કોંગ્રેસ ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની જીત થઈ હતી. આ પૂર્વે શાહપુર બેઠક પરથી પણ તેઓ ચૂંટાઈ આવ્યા હતા.
આ બેઠક પર કુલ 2 લાખ 8 હજાર મતદારો છે. તે પૈકી 88 હજાર મુસ્લિમ મતદારો, જ્યારે 1.22 લાખ હિન્દુ મતદારો છે. જેમાં પણ 30 હજાર ઓબીસી, 25 હજાર દલિત અને 6 હજાર જૈન મતદારો છે. આ પ્રકારના સમીકરણો હોવા છતાં પણ ગ્યાસુદ્દીન શેખ ચૂંટાઈ આવે છે. બહુમતી હિન્દુ મતદારોમાં મુસ્લિમ ઉમેદવારની જીતનું કારણ તેમની વ્યગતિગત છબી છે. એક તો ગ્યાસુદ્દીન શેખ સર્વ ધર્મ સમભાવના મુદ્દા સાથે જોડાયેલા રહે છે. વિસ્તારમાં ઈંગ્લિંશ મીડીયમ શાળાઓ, કોમ્યુનિટી હોલ બનાવવા, 9 જનસંપર્ક કાર્યાલયો સાથે સતત એક્ટિવ રહેવું. કોરોનાકાળમાં કામગીરી અને લોકોપયોગી પીઆઈએલ કરી મદદગાર થવું મુખ્ય રહ્યું છે. ગ્યાસુદ્દીન શેખ કહે છે કે તેઓ હિન્દુઓના મતથી જીતે છે.
વર્ષ 2012ની દરિયાપુર વિધાનસભાની સ્થિતિ
- ભાજપ કોંગ્રેસ અને અપક્ષ મળી કુલ 16 ઉમેદવાર મેદાને હતા
- ગ્યાસુદ્દીન શેખને 60967 એટલે કે 49.18 ટકા મત મળ્યા હતા
- ભરત બારોટને 58346 એટલે કે 47.07 ટકા મત મળ્યા હતા
- અને અન્ય પક્ષો કુલ 3.76 ટકા મત મળ્યા હતા
- કોંગ્રેસના ઉમેદવારનો 2621 મતે વિજય થયો હતો
વર્ષ 2017ની દરિયાપુર વિધાનસભાની સ્થિતિ
- ભાજપ કોંગ્રેસ, અપક્ષ અને નોટા મળી કુલ 12 ઉમેદવાર મેદાને હતા
- ગ્યાસુદ્દીન શેખને 63712 એટલે કે 50.00 ટકા મત મળ્યા હતા
- ભરત બારોટને 57525 એટલે કે 45.14 ટકા મત મળ્યા હતા
- નોટાને 1616 એટલે કે 1.27 ટકા મત મળ્યા હતા
- અને અન્ય પક્ષો કુલ 3.53 ટકા મત મળ્યા હતા
- કોંગ્રેસના ઉમેદવાર 6187 મતે વિજય થયો હતો
દરિયાપુર હિન્દુ બહુમતી મતદાતાઓની બેઠક હોવા છતાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર જીતતા ભાજપ માટે ખરાખરીનો જંગ રહેતો હોય છે. વર્ષ 2007 માંની ચૂંટણીમાં તત્કાલિન મંત્રી કૌશીક પટેલ અને 2012 તથા 2017 માં ગ્યાસુદ્દીન શેખને હરાવવા ભાજપે પૂર્વ મંત્રી ભરત બારોટને મેદાનમાં ઉતાર્યા હતા. આ સિવાય મુસ્લિમ અપક્ષ ઉમેદવારો પણ ઉતારવામાં આવ્યા હતા. આમ છતાં દર ચૂંટણીમાં ગ્યાસુદ્દીન શેખની લીડમાં ઉત્તર ઉત્તર વધારો જ થયો છે. આ વખતે ભાજપે અમિત શાહના ખાસ કૌશિક જૈનને મેદાનમાં ઉતાર્યા છે. કૌશિક જૈનનો દાવો છે કે આ વખતે બહુમત હિન્દુ મતદાતાઓના આશીર્વાદ અને વિકાસના કામોના કારણે તેઓ વિજેતા થશે.
અમદાવાદના જુના કોટ વિસ્તારમાં સમાવેશ આ વિસ્તારને અમદાવાદના પશ્ચિમ વિસ્તાર કરતા વિકાસના કામોમાં અન્યાયનો મુદ્દો ગ્યાસુદ્દીન વારંવાર ઉઠાવતા રહ્યા છે. શેખ લોકોને કનડતા ખરા મુદ્દાઓ ઉઠાવતા હોવાથી તેમજ કટ્ટરવાદીની છાપથી દુર રહે છે. જેના કારણે બહુમત હિન્દુ મતદારો પણ એમની સાથે ઉભેલા જોવા મળતા હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે