પોરબંદરના રાજકારણમાં પલટો! ટિકિટ કપાતા NCP માંથી કાંધલ જાડેજાનું રાજીનામું, અપક્ષ ચૂંટણી લડે તેવી શક્યતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ પોરબંદરના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ ભાજપ વિજેતા બને તેવા ઉમેદવારોને શોધી રહ્યું છે. ત્યાં બીજી તરફ બબ્બે ટર્મથી શાનદાર જીત હાંસલ કરનારા નેતા કાંધલની એનસીપીએ ટિકિટ કાપી લીધી આજ રાજકારણ છે. તેથી હવે કાંધલ જાડેજા નારાજ છે અને તેમણે એનસીપીનો સાથ છોડી દીધો છે.
કાંધલ જાડેજાએ NCPમાંથી આપ્યું રાજીનામું
NCPએ ટિકિટ ન આપતા કાંધલ જાડેજા નારાજ
છેલ્લી 2 ટર્મથી કુતિયાણાથી છે NCPના ધારાસભ્ય
કાંધલ જાડેજા અપક્ષથી ચૂંટણી લડી શકે છે
Trending Photos
અજય શીલૂ, પોરબંદરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી અને ટિકિટોને વહેચણીની પ્રક્રિયા પુર જોશમાં ચાલી રહી છે. અલબત્ત હવે ટિકિટોની વહેચણી એના છેલ્લાં ચરણમાં આવી ગઈ છે. ત્યારે આજે પોરબંદરના રાજકારણમાં એક મોટો પલટો આવ્યો છે. છેલ્લી બે ટર્મથી એનસીપીની ટિકિટથી કુતિયાણાની સીટ પર જીતતા આવેલાં કાંધલ જાડેજાને આ વખતે એનસીપીમાંથી ટિકિટ ન અપાતા વિવાદ થયો છે. આખરે પત્તુ કપાતા કાંધલે એનસીપીમાંથી રાજીનામું આપ્યું છે.
ઉલ્લેખનીય છેકે, વર્ષ 2012 અને 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કાંધલ જાડેજા કુતિયાણા સીટ પરથી એનસીપીમાંથી ચૂંટણી લડ્યા હતાં. અને તેઓ આ બન્ને ચૂંટણીઓમાં આ બેઠક પરથી જીતીને એનસીપીના ધારાસભ્ય બન્યાં હતાં. જોકે, આ વખતે કેમ વિજેતા ઉમેદવાર હોવા છતાં એનસીપીએ કાંધલની ટિકિટ કાપી એ એક મોટો સવાલ છે. તો તેનો જવાબ એ છેકે, એનસીપી સામાન્ય રીતે કોંગ્રેસની એલાયન્સ પાર્ટી તરીકે કામ કરતી હોય છે. જ્યારે રાજ્ય સભાની ચૂંટણીઓમાં દર વખતે કાંધલ જાડેજા ક્રોસ વોટિંગ કરીને ભાજપને મત આપતા આવ્યાં છે. તેમ છતાં અત્યાર સુધી સીટ બચાવવા માટે એનસીપીએ તેમની સામે કોઈ પગલાં લીધાં નહોતા. જોકે, આ વખતે ટિકિટ કપાતા કાંધલે જાતે જ રાજીનામું ધરી દેવું પડ્યું.
ભાજપે પણ હવે કુતિયાણાથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધાં છે. એવામાં કાંધલ જાડેજા અપક્ષ ચૂંટણી લડીને આ વખતનો ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનાવી શકે છે. જેને કારણે આ વખતે કુતિયાણામાં એવી પણ શક્યતા છે કે એક સાથે ત્રિપાંખિયો નહીં પણ પાંચ-પાંચ ઉમેદવારો વચ્ચે જંગી જંગ જામે. કારણકે, ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત આ બેઠક પરથી એનસીપી અને અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે. હવે જોવાનું એ રહેશે કે, શું કાંધલ જાડેજા અપક્ષ ચૂંટણી લડીને પોતાની શાખ બચાવીને આ બેઠક જીતી શકે છેકે, પછી ભાજપ, કોંગ્રેસ, આપ કે એનસીપીનો ઉમેદવાર અહીં ફાવી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે