નબળી કામગીરીવાળા કર્મચારીઓ ચેતી જજો, 50-55 વયના કોર્પોરેશનના કર્મીઓની વહેલી સેવાનિવૃત્તિની તૈયારી!

રાજકોટની ગોઝારી દુર્ઘટનાનો કેસ જે હાઈકોર્ટમાં ચાલે છે તે મામલે સુનાવણી દરમિયાન અર્બન ડેવલપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્ર્ટેરી અશ્વિનીકુમારે કોર્પોરેશન તરફથી કાર્યવાહી સંદર્ભે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં તેમણે જે સૂચનો આપ્યા છે તે પણ જાણવા જેવા છે.

નબળી કામગીરીવાળા કર્મચારીઓ ચેતી જજો, 50-55 વયના કોર્પોરેશનના કર્મીઓની વહેલી સેવાનિવૃત્તિની તૈયારી!

ગુજરાતમાં એક પછી એક જે ઘટનાઓ જોવા મળી છે તે ખુબ જ દુખદ છે જેણે માત્ર ગુજરાતને જ નહીં પરંતુ દેશને પણ હચમચાવી નાખ્યો હતો. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનનો હાલનો અગ્નિકાંડ કહો કે પછી મોરબી બ્રિજ દુર્ઘટના કે હરણી બોટ કાંડ જેમાં માસૂમ ભૂલકાઓની જીવનના દીવડા ઓલવાઈ ગયા. આ ઘટનાઓ બાદ હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને આ મામલે ખંખેરવામાં કોઈ કચાશ ન રાખી. ત્યારે એમ થાય કે હવે કાન આમળીને પણ એક મજબૂત સિસ્ટમ ઊભી થાય તે તાકીદે જરૂર છે. કર્મચારીઓની કાર્યક્ષમતાની ચકાસણી પણ ખુબ જરૂરી છે. ગુજરાત સરકારે પણ આ મામલે હવે બાંયો ચડાવી છે. 

કોર્ટે આમળ્યા સરકારના કાન?
એક પછી એક આવી ઘટનાઓ ઘટે કેમ? ત્યારે સરકારે પણ હવે તો સ્વીકાર્યું કે ક્યાંકને ક્યાંક વહીવટી પ્રક્રિયામાં જ ખોટ છે જેમાં પારદર્શકતા અને મજબૂતાઈ નથી. વાત જાણે એમ છે કે રાજકોટની જે ઘટના ઘટી અને 27 જેટલા લોકો જીવતા આમાં ભૂંજાયા તેમાં ગુજરાત હાઈકોર્ટે પોતે સુઓમોટો કરીને સરકાર પાસે આ ઘટના અંગે જવાબ માંગ્યો હતો. એટલું જ નહીં કોર્ટે તો હરણી બોર્ટ દુર્ઘટના પણ સુઓમોટો કરી હતી. આ તમામ બાબતોમાં કોર્ટે ધ્યાનમાં લીધુ હતું કે કે ટેન્ડરો આપવામાં લાલિયાવાડી ચાલે છે જે રોકવી જરૂરી છે. 

...તો વહેલા નિવૃત્ત થશે કર્મચારીઓ?
રાજકોટની ગોઝારી દુર્ઘટનાનો કેસ જે હાઈકોર્ટમાં ચાલે છે તે મામલે સુનાવણી દરમિયાન અર્બન ડેવલપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્ર્ટેરી અશ્વિનીકુમારે કોર્પોરેશન તરફથી કાર્યવાહી સંદર્ભે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં તેમણે જે સૂચનો આપ્યા છે તે પણ જાણવા જેવા છે. જે મુજબ જે કર્મીઓની ઉંમર 50થી 55 વર્ષ હોય તેમની કાર્યક્ષમતાની સમીક્ષા થવી જોઈએ. એટલું જ નહીં જો જરૂર જણાય તો તેમને વહેલા સેવાનિવૃત્ત પણ કરવા જોઈએ. એક અન્ય મહત્વનું સૂચન જે કરાયું છે તે મુજબ કોઈ પણ અધિકારીને કોર્પોરેશનમાં એક જ પોસ્ટ પર ત્રણ વર્ષથી વધુ ન રાખવા જોઈએ. 

અત્રે જણાવવાનું સૌથી ચિંતા જેવી વાત એ પણ છે કે સરકાર પોતે સ્વીકારે છે કે કોર્પોરેશન દ્વારા ટેન્ડર આપવામાં કોઈ સ્ટાન્ડર્ડ જળવાતા નથી તથા કોર્પોરેશન જે પ્રક્રિયા ફોલો કરે છે તે રાજ્ય સરકાર કરતા જૂદી છે. એમ પણ સ્વીકાર કર્યો કે ફીલ્ડ ઈન્સ્પેક્શન માટે નવી સિસ્ટમ બનાવવાની પણ જરૂર છે. જો કે સરકારે કોર્પોરેશનના કર્મચારીઓને વહેલા સેવાનિવૃત્ત કરવાની સાથે સાથે એમ પણ કહ્યું કે અનેક જગ્યાઓ ખાલી છે જે ભરવાની જરૂર છે. ઘટનાઓની હારમાળા બાદ હવે સરકાર સફાળી જાગી છે અને નક્કી કરી લીધુ છે કે પીપીપી ધોરણે જે કોન્ટ્રાક્ટ અપાય છે તે માટે કોર્પોરેશને ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડે બનાવેલી માર્ગદર્શિકા અનુસરવાની રહેશે. તથા નિયમિત કોન્ટ્રાક્ટ માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને તૈયાર  કરેલા મોડલને અનુસરવાનું રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news