સરકાર એક્શનમાં...ગુજરાતમાં અહીં હિંદુઓની જમીન 500થી વધારે વિધર્મીઓએ પચાવી પાડી!

એક ચોક્કસ સમુદાયના અધિકારીએ જમીન જેહાદ માટે આચરેલી ગેરરીતિઓ સામે આવતાં સરકાર એક્શનમાં

સરકાર એક્શનમાં...ગુજરાતમાં અહીં હિંદુઓની જમીન 500થી વધારે વિધર્મીઓએ પચાવી પાડી!

નચિકેત મહેતા/ખેડા: ગુજરાત સરકારના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ આજે ખેડાના માત્ર મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. મુલાકાતનો હેતુ સ્પષ્ટ હતો કે ખેડા જિલ્લામાં બોગસ ખેડૂતો બની બેઠા હોવાની ફરિયાદ અગાઉ મળી હતી. જેની તપાસ પણ તેમણે કરાવી હતી. જેનો રિપોર્ટ લેવા માટે આજે રાજેન્દ્ર ત્રિવેદી માતર મામલતદાર કચેરી પહોંચ્યા હતા. તમામ બાબતોનો માહિતી મેળવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી અને આ વાતચીત દરમિયાન રાજેન્દ્ર ત્રિવેદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ચોક્કસ સમુદાય દ્વારા અમદાવાદનું ગળું દબાવવા માટે માતરની અંદર મોટા પ્રમાણમાં જમીન જેહાદનું ષડયંત્ર આચરવામાં આવ્યું છે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બોગસ ખેડૂત ખાતેદારોને ચીમકી આપી છે. માતરની મુલાકાત દરમિયાન બોગસ ખેડૂત ખાતેદારો પર મહેસૂલ મંત્રી વરસ્યા અને કહ્યું કે આ લેન્ડ જેહાદ છે જેને નહીં ચલાવી લેવામાં આવે. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ મહેસૂલ મંત્રીએ વાત કરી છે. મહત્વનું છે કે, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ખેડાના માતર પહોંચ્યા કારણ કે માતરમાં બોગસ ખેડૂત ખાતેદાર હોવાની ફરિયાદ થઈ હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મુલાકાત લઇ તપાસ હાથ ધરી..માતર મામલતદાર કચેરીમાં 500 થી વધુ બોગસ ખેડૂત ખાતેદારો હોવાની શંકા છે.. 500થી વધુ બોગસ ખેડૂતોને ખાતેદારોને મામલતદારે નોટિસ આપી હતી.

માતરમાં બોગસ ખેડૂતો બન્યા હોવાની જે ફરિયાદ મળી હતી, તેમાં 1760 કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. જે પૈકી 628 પ્રાથમિક શકમંદ મળી આવ્યા હતા. જેને પ્રાથમિક નોટિસ આપવામાં આવી હતી અને આ નોટીસમાં કહેવામાં આવ્યું હતું કે, તમે ખેડૂત છો ખાતેદાર છો તો તેના પુરાવા રજૂ કરવા. જોકે 628 પૈકી 260 લોકો આવા સંતોષકારક પુરાવા રજૂ કરી શક્યા નથી. પરિણામે માતર મામલતદાર દ્વારા ગણોત ધારાની કલમ 84 /C હેઠળ આ તમામ લોકોને કાયદેસર નોટિસ ફટકારવામાં આવી છે અને સાથે જ રાજ્ય સરકારના આઈ આર સી એમ એસ પોર્ટલ ઉપર આ તમામ કેસ ચડાવવામાં આવ્યા છે. બાકી રહેલા 240 લોકોને તબક્કાવાર સ્કૃતિની કરી અને નોટિસ ફટકારવામાં આવશે.

ક્યાં કયા ગામના લોકોએ બોગસ ખેડૂત બની જમીનો ખરીદી?
દસ્ક્રોઈ. નારોલ. પેટલાદ, રાણપુર, મહેમદાવાદ. પ્રાંતિજ. નડિયાદ ગ્રામ્ય, વાગરા, ધંધુકા, જોડિયા, સાણંદ. ધોળકા, વેજલપુર, ઊંઝા, તારાપુર, સોજીત્રા, બોરસદ, શહેરા, ખેડા, કલોલ, ડભોઇ, મહુધા, સાંતલપુર, અંકલેશ્વર, શિનોર, થરાદ,ખંભાળિયા, વલ્લભીપુર, ભાણવડ

રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ચોક્કસ સમુદાયના લોકોએ રૂપિયા 400 કરોડની કિંમતની અંદાજિત 1900 થી 2000 વીઘા જમીન ખરીદી છે. આ તમામ લોકો એવા છે કે જે ખેડૂત કે ખાતેદાર નથી. આમ છતાં બનાવટી દસ્તાવેજ ઉભા કરી અને તમામ લોકોએ માતર અને માતરની આસપાસ જમીન ખરીદી છે. અમુક ઉદાહરણ આપતા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોઈ ભરવાડની જમીન છે તો તેના વારસદાર તરીકે મુસ્લિમ સમાજની વ્યક્તિનું નામ છે. કેટલાક વારસાઈ દસ્તાવેજો એવા જોવા મળ્યા છે કે જેમાં માતાની ઉંમર 49 વર્ષ દર્શાવી હોય અને પુત્રની ઉંમર 51 કે 52 વર્ષ દર્શાવી હોય. 

માતરની બાજુમાં આવેલા વણસર ગામમાં પ્રાણનાથ મહાદેવનું મંદિર છે એ ટ્રસ્ટની જમીન પણ કોઈ મુસ્લિમ વ્યક્તિએ ખરીદી છે, જે દસ્તાવેજો સામે આવ્યા છે તે માની ન શકાય તેવા દસ્તાવેજો છે. કારણ કે આ લોકોની આર્થિક પરિસ્થિતિ એવી નથી કે તેઓ આટલી મોટી રકમ ચૂકવી અને જમીન ખરીદી શકે. શંકા એ છે કે આ તમામ લોકો એક જ ચોક્કસ સમુદાયના છે અને તેમની પાસેથી આટલી મોટી રકમ આવી ક્યાંથી આ બાબતની પણ તપાસ કરવામાં આવશે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમારા પણ બાતમીદાર હોય છે તેમની પાસેથી માહિતી મેળવી છે. અહીં 1730 કેસ તપસ્યા છે, જેમાંથી 628 કેસ શંકાસ્પદ જણાયા છે. 500 લોકોને દસ્તાવેજ દર્શાવવા નોટિસ આપી છે. રૂ 400 કરોડની જમીન બનાવટી ખેડૂતોએ ખરીદી છે. આ તમામ જમીન શ્રી સરકાર થઈ જશે. એક ઉદાહરણ આપતા ત્રિવેદીએ જણાવ્યું કે, એક કેસમાં કમાલ ભાઈએ પોતાની અટક કમલવાલા કરીને બોગસ ખેડૂત બની જમીન ખરીદી છે. બહેરામપુરા અને જમાલપુર માંથી દસ્તાવેજ ઊભા કર્યા છે. ભગવાનના મંદિરને પણ છોડતા નથી. પ્રાણનાથ મહાદેવની જમીન પણ ખરીદી લીધી છે.

તેમણે અન્ય એક કેસની વાત કરતા જણાવ્યું કે, માતરના બારોટ અટકવાલા ભાઈએ ગઢવીને જમીન આપી છે. અમીનાબીબીનું નામ બદલી અમીનબીબી કરી બંને એક જ છે, તેવું દર્શાવી પૌત્રના નામ જમીન ખરીદી છે. માતર ગામમાં બે ખાતાની જમીન 3 વ્યક્તિના નામે હતી. 2006માં વારસાઈ થતાં 44 વ્યક્તિ વારસદાર બની ગયા. ભાણી અને ભાણિયાના નામો દાખલ કરાવ્યા છે.

રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગૃહ વિભાગની મદદ લઈ અને આ તપાસ માટે એક એસઆઇટીની રચના કરવામાં આવશે અને કેન્દ્રીય એજન્સીને પણ તપાસ કરવા માટે કહેવામાં આવશે. જોકે જે કસૂરવાર નીકળશે તેમની સામે વ્યક્તિગત ફરિયાદ દાખલ થશે. તેમને ઓછામાં ઓછી 10 વર્ષની જેલ અને જન્મટીપ સુધીની સજા થાય તેવા આકરા પગલાં સરકાર લેશે.

રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે માતર મામલતદાર કચેરીમાં એક ચોક્કસ જ્ઞાતિના મામલતદાર હતા. જેમના સમયગાળામાં 200 જેટલા બોગસ ખેડૂતોના દસ્તાવેજ થયા છે જે મહેસુલ વિભાગના કર્મચારી કે અધિકારી સંકળાયેલા હશે તેમને પણ આ જ પ્રકારની સજા કરવામાં આવશે. કોઈ અધિકારી રિટાયર્ડ થઈ ગયા હશે તો તેની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે. તપાસના અંતે જે બોગસ ખેડૂતો હશે તેમની જેટલી પણ જમીન હશે એ તમામ જમીન સરકાર પોતાના હસ્તક લઈ લેશે. દેશ વિરોધી પ્રવૃત્તિ હોવાની શંકા છે અને આવી કોઈ પ્રવૃત્તિ સરકાર ચલાવી લેવા માગતી નથી.

ત્રિવેદીએ વધુમાં આશંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન આજ રૂટ ઉપરથી પસાર થવાની છે. અમદાવાદ મુંબઈ કોરિડોર પણ બની રહ્યો છે, ત્યારે ગુજરાત અને અમદાવાદ આટલું વિકસી રહ્યું છે તે દેશદ્રોહીઓ પચાવી નથી શકતા અને એટલા માટે જ અમદાવાદનું ગળું દબાવવા માટે આ ષડયંત્ર માતરમાં રચાયું હોય તેવું લાગે છે જેને જમીન જે હાથ કહેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news