વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદો

રાજ્યમાં જમીન સંપાદન અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, કપાયેલાં દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. બેફામ વૃક્ષો કાપવા પર હવે લાગશે મોટી બ્રેક...

વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં સતત વૃક્ષોનું નિંકદન થઈ રહ્યું છે. અને ચારેય તરફ સીમેન્ટ કોંક્રિટના જંગલો ઉભા થઈ રહ્યાં છે. ચારેય બાજુ રિયલ એસ્ટેટની બુમ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં આપણને પ્રાણવાયુ આપતા વૃક્ષો સતત કપાઈ રહ્યાં છે. ત્યારે આ મામલાને હવે ગુજરાત હાઈ કોર્ટે પણ ગંભીરતાથી લીધો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

ગુજરાતમાં હાલ ચારેય બાજુ રિયલ એસ્ટટના કામો ચાલી રહ્યાં છે. આ ઉપરાંત ઔદ્યોગિક એકમો માટે પણ ઉદ્યોગકારો જમીનોના સંપાદન કરી રહ્યાં છે. ત્યારે આ વિકાસની આ દોડમાં વૃક્ષોનો વિનાશ થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે ગંભીર નોંધ લીધી છે. સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરીમાં કપાયેલા કે કાપવામાં આવનાર દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. 

વલસાડમાં એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન કામગીરીને લગતા કેસમાં મંગળવારે ગુજરાત હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. વલસાડમાં એક્સપ્રેસ વે માટેના જમીન સંપાદનથી અસરગ્રસ્ત 1300 ખેડૂતોમાંથી 820 ખેડૂતોએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે એવી રજુઆત કરી હતી કે સરકારના જમીન સંપાદન અધિકારીએ 2021માં જમીન સંપાદનનું વળતર ચુકવ્યુ હતું પરતું વૃક્ષોના સંપાદન માટેના નાણા ચૂકવવામાં આવ્યા નહોતા. એટલું જ નહીં જમીન સંપાદન માટેનું વળતર ચૂકવ્યાના બે વર્ષ બાદ અચાનક જમીન સંપાદન અધિકારીએ વૃક્ષોનાં સંપાદનના નાણા ચુકવવાને બદલે અડધા પંચનામા પ્રમાણે વળતરની રીકવરી કાઢી હતી. 

આ અંગે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે એવો ચુકાદો જાહેર કર્યો હતો કે રાજ્યભરમાં જમીન સંપાદનની પ્રક્રિયામાં વળતર અપાયા બાદ જમીન સંપાદન અધિકારી રીકવરી કાઢી શકશે નહી. એટલું જ નહી સંપાદન માટે જે પંચનામાં થયા હોય તે મુજબ વૃક્ષોનું અલગથી ગણતરી કરીને વળતર ચુકવવું પડશે. યાજ્ઞિકે એવી રજુઆત કરી હતી કે, ડેપ્યુટી કલેકટર અને જમીન સંપાદન અધિકારીઓએ વન વિભાગના વેલ્યુએશનના રિપોર્ટના આધારે બે પંચનામા તૈયાર કર્યા હતા. તેમા વૃક્ષોની સંખ્યા અને ઉમંરના આધારે વળતર ચુકવવાનું હોય છે. પરતું વન અધિકારીએ વૃક્ષોની ગણતરી ખોટી કરી હતી. ખેડૂતોને માત્ર જમીન સંપાદનના પંચનામા પ્રમાણે વળતર ચુકવાયુ હતુ.જયારે ખેડૂતોએ વૃક્ષોના સંપાદન માટે રજુઆત કરી ત્યારે સંપાદન અધિકારીએ વધુ વળતર ચુકવાયુ હોવાનું કહીને ખેડૂતો પાસેથી રીકવરી કાઢી હતી. 

ખંડપીઠે એવી ટકોર કરી હતી કે તમારા વનવિભાગના અધિકારીએ વૃક્ષની ગણતરી કરી હતી તે ખોટી હતી તેવું બહાનું કાઢીને તમે વૃક્ષોનું વળતર ચુકવતા નથી. વૃક્ષોની સંખ્યા અને ઉંમર કેટલી છે તેનું વેલ્યુએશન તમારા અધિકારીઓ ખોટી રીતે કરીને તમે ખેડૂતોને નાણા ચુકવવાને બદલે તેમની પાસેથી રીકવરી કાઢો છો? વૃક્ષોનું સંપાદન અલગથી કરવું પડે.

હાઇકોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે એકસપ્રેસ વે માટે ખેડૂતોની જમીન સંપાદિત કર્યા બાદ અને પંચનામા અને વળતરની જાહેરાત થઇ ગયા પછી તેમાં પોતાની રીતે સુધારો કરી શકે નહીં. ખેડૂતોને રિકવરીની નોટિસોને હાઇકોર્ટે રદ કરી દીધી હતી અને વૃક્ષોના પંચનામાં મુજબ ગણતરી કરીને તેનું વળતર ચૂકવવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news