બજરંગ દળનું એ ત્રિશૂળ...ગુજરાતની આ જગ્યાએ પહેલીવાર અપાયા હતા 536 ત્રિશૂળ

બજરંગ દળના ત્રિશૂળનું ગુજરાતના એક શહેર સાથે છે ખાસ કનેક્શન. શું તમે જાણો છોકે, બજરંગ દળમાં ત્રિશૂળ કેમ આપવામાં આવે છે? ત્રિશૂળ આપવાની પ્રથાની શરૂઆત ક્યારથી કરવામાં આવી? જાણો બજરંગ દળના ત્રિશૂળની કહાની...

બજરંગ દળનું એ ત્રિશૂળ...ગુજરાતની આ જગ્યાએ પહેલીવાર અપાયા હતા 536 ત્રિશૂળ

ઝી બ્યૂરો, અમદાવાદઃ 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. જો કે,  શ્રી રામ મંદિર માટે અનેક લડાઇઓ લડવામાં આવી જેમાં અનેક બલિદાનો પણ થયા છે. ત્યારે એ સમય સાથે જોડાયેલી એક અજાણી વાત તમારી સમક્ષ લઇને આવ્યા છીએ. આ વાત નજીકના ભૂતકાળની છે. વર્ષ 1984માં બજરંગ દળની સ્થાપના પછી બજરંગદળના યુવાનો આંદોલનમાં મચી પડ્યા હતા. બજરંગદળ અને રામ જન્મભૂમિ આંદોલન એક મેક સાથે જોડાઇ ગયા. હિન્દુ હિત અને રાષ્ટ્રહિતના કાર્યોમાં યુવાનો જોડાય તેવો હેતું બજરંગદળની સ્થાપનાનો હતો.

એમાં પણ 'સોગંધ રામ કી ખાતે હૈ હમ મંદિર વહી બનાયેંગે'... 'રામલલ્લા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે'... 'અયોધ્યાના ધામમાં , ઈંટ અમારા ગામની'...  'હિન્દુ રક્તના ટીપે ટીપે, મંદિર બનશે ઇંટે ઇંટે '...આવા અનેક સૂત્રો જન માનસ પર ખૂબ જ ઉત્સાહ ભર્યા સાબિત થતા હતા... 1984માં જેની સ્થાપના થઈ તે બજરંગ દળમાં ભરતી થવા માટે યુવાનોએ હોડ લગાવી... ત્યારે સુરેન્દ્રનગરના શીર્ષસ્થ કાર્યકર્તાઓને વિચાર આવ્યો કે, આ યુવાનો બજરંગ દળમાં ભરતી થઈ રહ્યા છે અને રાષ્ટ્રકાર્યમા જોડાઈ રહ્યા છે તો શૌર્ય અને વિજયના પ્રતિક સમાન કંઈક પ્રતિક ચિન્હ એવુ ત્રિશુલ આપવું જોઈએ... એમાં પણ વળી આ ત્રિશુલ સરકારના કાયદા કાનૂન મુજબ હોવું જોઈએ. આ પ્રતીકને ધારણ કરવાથી યુવાનો કોઈ કાયદાનો ભંગ ન કરી બેસે તે પણ જરૂરી હતું.

ત્રિશુલ માટેની તમામ વિચારણ બાદ શીર્ષસ્થ કાર્યકર્તાઓએ એક વિચાર કર્યો કે એક ત્રિશૂળ આકારનું અને 6 ઇંચથી નાનું એક પ્રતીક બનાવવામાં આવે... સાથે જ બજરંગ દળમાં જોડાનાર યુવાનોનો દીક્ષાંત સમારોહ યોજીને ત્રિશૂળ અર્પણ વિધિ કરવામાં આવે... આ વિચાર સુરેન્દ્રનગરના કાર્યકર્તાઓએ અધિકારીઓ સમક્ષ મૂક્યો હતો અને તે સમયે પ્રાંત અધિકારીઓએ આ નવા વિચારને વધાવી લીધો... બાદમાં ધીમે ધીમે સમગ્ર દેશમાં એટલે કે, જ્યાં જ્યાં બજરંગદળના કાર્યકર્તાઓ હતા ત્યાં સુધી ત્રિશૂળ પહોંચવા માંડ્યા. એટલે કહી શકાય કે, ત્રિશૂળ આપવાની શરૂઆત આપણા ગુજરાતના સુરેન્દ્રનગરથી થઇ હતી.

ત્રિશુલ અર્પણ વિધિની મંજૂરી મળી ગયા બાદ બજરંગ દળનો પ્રથમ દિક્ષાંત સમારોહ કાર્યક્રમ એટલે કે ત્રિશુલ અર્પણ વિધિ 10-6-1990ના રોજ સુરેન્દ્રનગર ખાતે યોજાઇ હતી. આ સમયે પહેલી જ વારમાં કુલ 536 ત્રિશુલ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રિશુલ અર્પણ વિધિથી વાતાવરણ શ્રી રામમય બની ગયું હતું. કાર્યક્રમ બાદ સુરેન્દ્રનગર શહેરમાં ત્રિશુલ સાથે નીકળેલી શોભાયાત્રા ધ્યાનાકર્ષિત હતી.

વર્ષ 1988થી 1994 સુધીની વાત કરીએ તો ભાવનગર વિભાગ એટલે કે ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલીમાં તે સમયે વિશ્વ હિંદુ પરિષદ સંગઠન મંત્રી તરીકે સુરેન્દ્રનગરના ચન્દ્રશેખરભાઈ દવે હતા. આજની તારીખે પણ તેઓ રાજનીતિમાં સક્રિય નેતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news