ના ભાજપ, ના કોંગ્રેસ...ગુજરાતની આ બેઠક પર ચાલે છે 'તલવાર'નું રાજ! બાપુઓ બનશે કિંગમેકર

Loksabha Election 2024: કેન્દ્રીય મંત્રી રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ભાજપ સામે રોષે ભરાયો છે. ત્યારે ગુજરાતની એક લોકસભા બેઠક એવી છે જ્યાં વર્ષોથી ક્ષત્રિયો નક્કી કરતા આવ્યાં છે હાર અને જીતનું પરિણામ. શું ક્ષત્રિયો આ વખતે પાડશે ભાજપના ગઢમાં ગાબડું? જાણો આ વખતે કોના પક્ષમાં રહેશે તલવાર...

ના ભાજપ, ના કોંગ્રેસ...ગુજરાતની આ બેઠક પર ચાલે છે 'તલવાર'નું રાજ! બાપુઓ બનશે કિંગમેકર

Loksabha Election 2024: કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલાં વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ઉશ્કેરાયેલાં ક્ષત્રિય સમાજે રસ્તા પર ઉતરીવે ઉગ્ર આંદોલન છેડીને ભાજપ પાસે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે. પરસોત્તમ રૂપાલાને ભાજપે વર્તમાન સાંસદ મોહન કુંડારિયાનું પત્તુ કાપીને આ વખતે રાજકોટ લોકસભામાંથી ટિકિટ આપી છે. જોકે, રાજકોટમાં રૂપાલાનું નામ નક્કી થતાની સાથે જ સૌથી પહેલાં ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો હતો.

રાજપૂત સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે

એવામાં રૂપાલાના નિવેદને બળતામાં ઘી હોમ્યાં જેવી સ્થિતિ સર્જાઈ. આવી સ્થિતિમાં હવે ક્ષત્રિયોએ એવી ચિમકી ઉચ્ચારી છેકે, જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ચૂંટણીમાં રાજપૂત સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. જો વાસ્તવમાં આવું થાય તો તેની સૌથી વધારે અસર ગુજરાતની ખેડા લોકસભા બેઠક પર પડી શકે છે. કારણકે, હાલ આ બેઠક પર ક્ષત્રિય સમાજ ભારે પ્રભુત્વ ધરાવે છે. આ બેઠક પર લગભગ 50 ટકા મતદારો ક્ષત્રિય સમાજના છે. એવામાં ક્ષત્રિયો સાથે ની નારાજગી ખેડામાં ભાજપને નડશે? આ એક મોટો સવાલ અત્યારે ચર્ચામાં છે. આ બેઠક પર 2 ક્ષત્રિયો જ ચૂંટણી લડી રહ્યાં છે. 

ખેડા લોકસભા બેઠકનું રાજકીય સમીકરણઃ
મધ્ય ગુજરાતનો એન્ટ્રી પોઈન્ટ એટલે ખેડા. જે બેઠક પર અડધોઅડધ મતદારો છે ક્ષત્રિય. અહીં દર વખતે ક્ષત્રિયો જ નક્કી કરે છે ઉમેદવારનું ભાવિ. ખેડા લોકસભા સીટ પર આ વખતે બે ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે. ભાજપે બે ટર્મથી જીતતા આવતા દેવુસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે. દેવુસિહ ચૌહાણ વર્ષ 2009માં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલ સામે માત્ર 721 મતથી હારી ગયા હતા. જોકે બાદમાં 2014માં દેવુસિંહ ચૌહાણે 2.32 લાખ મતની લીડથી દિનશા પટેલને હરાવી બદલો લીધો હતો. ત્યાર બાદ વર્ષ 2019ની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના બિમલ શાહને 3.67 લાખની લીડથી માત આપી હતી. ભાજપે ચોથી વખત તેમને ટિકિટ આપી છે. બીજી તરફ કોંગ્રેસે કાળુસિંહ ડાભીને મેદાનમાં ઉતાર્યા છે. કાળુસિંહ ડાભી વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કપડવંજ બેઠક પર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા, જોકે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ 31,000 મતની લીડથી હારી ગયા હતા.

શું ભાજપના ઉમેદવાર લગાવશે જીતની હેટ્રીક?
મધ્ય ગુજરાતનો મહત્ત્વનો ભાગ ગણાતી ખેડા બેઠક પર ભાજપે દેવુંસિંહ ચૌહાણને 2024માં એટલેકે આવખતે સતત ચોથીવાર પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. અગાઉ ભાજપ દેવુંસિંહ ચૌહાણને સતત 2009, 2014, 2019માં લોકસભા લડાવતું રહ્યું છે અને 2024માં પણ પાર્ટીએ તેમને રિપીટ કર્યાં છે. દેવુંસિંહ ચૌહાણ પોતે ક્ષત્રિય સમાજના આગેવાન છે. ખેડાના એક લોકપ્રિય ચહેરા તરીકે પણ દેવુંસિંહ ચૌહાણ વર્ષોથી પ્રસ્થાપિત છે. આ સિવાય દેવુંસિંહ ચૌહાણ ભાજપ હાઈકમાન્ડના ખુબ વિશ્વાસુ પણ માનવામાં આવે છે.

બીજી તરફ કોંગ્રસે ક્ષત્રિય સમાજમાંથી કાળુસિંહ ડાભીને મેદાને ઉતાર્યા છે. આમ, અહીં ક્ષત્રિયની સામે ક્ષત્રિયનો જંગ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છેકે, ભાજપથી ક્ષત્રિયોની નારાજગી શું કોંગ્રેસને લાભ કરાવશે? શું કાળુસિંહ ડાભી આ વખતે સતત ત્રીજી વાર એટલે કે, ભાજપના દેવુંસિંહને જીતની હેટ્રિક લગાવતા રોકી શકશે? શું કોંગ્રેસ આ વખતે ભાજપનો ગઢ ગણાતી ખેડા બેઠકમાં ગાબડું પાડી શકશે?

ક્ષત્રિય ઉમેદવારોની હાર જીત નક્કી કરશે ક્ષત્રિય મતદારોના મતની તલવાર!
ચરોતરની લોકસભા બેઠક એટેલેકે, ખેડાને પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. પરંતુ છેલ્લી બે ટર્મથી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના આ ગઢમાં ભાજપે ગાબડું પાડીને અહીં હવે પોતાનો ગઢ તૈયાર કરી દીધો છે. વર્ષોથી કોંગ્રેસના ઉમેદવારને પસંદ કરતી ખેડા લોકસભા બેઠકમાં મોદી વેવને પરિણામે છેલ્લી બે ટર્મથી લોકસભામાં ભાજપ બાજી મારતું આવ્યું છે. ત્યારે આ વખતે ક્ષત્રિય આંદોલનની અસર વચ્ચે લોકસભાની ચૂંટણીમાં ચરોતરના ગઢ પર વિજય કોનો થશે તેના તેના પર સૌ કોઈની નજર છે. ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બન્નેમાંથી આ વખતે ક્ષત્રિય ઉમેદવારો જ મેદાન-એ-જંગમાં છે. એટલે કે, અહીં ક્ષત્રિયો સામે ક્ષત્રિયોનો જ જંગ છે. જ્યાં 'તલવારની સામે તલવાર' લડવાની છે ત્યાં ક્ષત્રિય ઉમેદવારોના મતની તલવાર નક્કી કરશે કે કોણ જીતશે.

કોણ છે ભાજપના ક્ષત્રિય ઉમેદવાર?
વર્ષ 2014માં ખેડા લોકસભા બેઠક પર પ્રથમ વખત કોંગ્રેસના દિગ્ગજ દિનશા પટેલને હરાવી દેવુસિંહ ચૌહાણે વિજય મેળવ્યો હતો. ત્યારબાદની 2019 ચૂંટણીમાં પણ ભાજપે દેવુસિંહ પર વિશ્વાસ મૂકી તેમને રીપીટ કરતા વધારે સરસાઈથી જીત મેળવી હતી.ફરી એક વખત ભાજપ દ્વારા દેવુસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ વર્ષ 2007 અને 2012 એમ બે ટર્મથી વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2019 માં તેમને કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન બનાવાયા છે. દેવુસિંહ ચૌહાણ સતત 2 ટર્મથી ખેડા લોકસભા બેઠક પર જીતી રહ્યા છે. તેઓ ક્ષત્રિય ઉમેદવાર છે તેમજ જનતા વચ્ચે તેમની બહોળી લોકપ્રિયતા પણ જોવા મળી રહી છે. જનતાની વચ્ચે રહી કામ કરવા માટે દેવુસિંહ જાણીતા છે.

કોણ છે કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર?
ખેડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાળુસિંહ ડાભી ચૂંટણી લડશે. તેઓ વર્ષ 2017 માં કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 2022માં રાજેશ ઝાલા સામે તેમનો પરાજય થયો હતો. કાળુસિંહ ડાભીએ સરપંચ પદથી શરૂઆત કર્યા બાદ ધારાસભ્ય સુધી સફર ખેડી છે. હવે ખેડા લોકસભામાં સાંસદ સભ્ય માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ કાળુસિંહ ડાભીએ જવાબદારી નિભાવી છે. વર્ષ 1985થી ગ્રામ પંચાયતના સભ્ય બન્યા બાદ સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ત્યારબાદ બે વખત કપડવંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે. જેમાં એક વખત જીત મળી તો એક વખત હાર મળી હતી.

ખેડામાં મતદારોની સંખ્યાઃ
અહીં ચરોતરમાં 10,54,494 પુરૂષ મતદારો 9,86,411 સ્ત્રીમતદારો તથા 82 અન્ય મતદારો મળીને કુલ 20,40,987 મતદારો છે.

ક્ષત્રિય મતદારો નિર્ણાયકઃ
ખેડા લોકસભા બેઠક પર ક્ષત્રિય મતદારો મુખ્ય નિર્ણાયક પરિબળ છે. જયાંક્ષત્રિય મતદારોનો ઝોક શરૂઆતથી કોંગ્રેસ તરફી હોવાનું જોવા મળે છે. પરંતુ ગત લોકસભા ચૂંટણીના પરિણામોથી ક્ષત્રિય મતદારો વિકાસના મુદ્દા તરફ વળ્યાં હોવાનું દેખાઈ આવે છે.ગત લોકસભા ચૂંટણીમાં ખેડા બેઠક પર ભાજપના દેવુસિંહ ચૌહાણનો 2,32,901 મતોની લીડથી વિજય થયો હતો. ગત પાંચ ટર્મથી સીટ પર સતત જીતતા આવતા કોંગ્રેસનાદિનશા પટેલને 3,35,334 મત મળ્યા હતા. જયારે ભાજપના દેવુસિંહ ચૌહાણને 5,68,235 મતમળ્યા હતા.

ખેડા લોકસભા 2014માં ચિત્ર બદલાયુંઃ
ક્ષત્રિયોનું પ્રભુત્વ ધરાવતી બેઠક પર જાણો શુ છે સ્થિતિ
ખેડા લોકસભા બેઠકમાં અમદાવાદ જિલ્લાના બે વિસ્તારનો પણ સમાવેશ
આઝાદી બાદથી કોંગ્રેસનો ગઢ મનાતા ખેડા લોકસભા બેઠકનું 2014 માં ચિત્ર બદલાયું
ખેડા જિલ્લો તમાકુની ખેતી માટે જાણીતો છે. જ્યારે ખેડા લોકસભા બેઠકમાં અમદાવાદ જિલ્લાના બે વિસ્તારનો પણ સમાવેશ થાય છે. ખેડા લોકસભા બેઠક જેમાં ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. આ બેઠક આમ તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. પણ 2014માં મોદી લહેરમાં અહીં ભગવો લહેરાયો. અને સતત બે ટર્મથી દેવુસિંહ ચૌહાણ ચૂંટણી જીતતા આવ્યા છે. અને ફરી એકવાર ભાજપે દેવુસિંહ ચૌહાણ પર વિશ્વાસ મુકીને 2024માં ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે કપડવંજના ધારાસભ્ય રહી ચૂકેલા કાળુસિંહ ડાભીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.

ખેડા લોકસભા મતવિસ્તારમાં કઈ-કઈ વિધાનસભાનો થાય છે સમાવેશ?
57-દસક્રોઈ
58-ધોળકા
115-માતર
116-નડિયાદ
117-મહેમદાવાદ
118-મહુધા
120-કપડવંજ

ખેડા લોકસભા બેઠક જાતિગત સમીકરણ શું ?
ખેડા લોકસભા બેઠકમાં માતર, નડીયાદ, મહેમદાવાદ અને કપડવંજ તેમજ ધોળકા અને દસક્રોઈ મળીને 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જ્ઞાતિના સમીકરણ પર નજર કરીએ તો આ બેઠકમાં ક્ષત્રિયોનું પ્રભુત્વ છે. અહીં ક્ષત્રિય મતદારોની સંખ્યા 20 લાખ કરતા વધારે છે. આ જ કારણ છે કે અહીં 8 વખત ક્ષત્રિય ઉમેદવાર ચૂંટણી જીતીને આવ્યા છે. ક્ષત્રિયોના મતદારો 50 ટકા, પટેલ સમાજના 16 ટકા મતદારો છે. તો મુસ્લિમ મતદારો 11.50 ટકા છે. દલિત મતદાર 7.60 ટકા, અન્ય મતદારો 14.20 ટકા, સવર્ણો 9.70 ટકા અને આદિવાસી મતદાર 0.25 ટકા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news