Gujarat BJP: ભાજપમાં યાદવાસ્થળી! પાટીલ જૂથ સોફટ ટાર્ગેટ, બદનામીમાં મોટાનેતાઓના હાથ

Gujarat BJP: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં રાજકીય સ્થિતિ બદલાઈ રહી છે. ઉકળતા ચરુ જેવી સ્થિતિ ઉભી થઈ છે. જાણો ભાજપમાં કેમ ઉભી થઈ છે યાદવાસ્થળીની સ્થિતી....

Gujarat BJP: ભાજપમાં યાદવાસ્થળી! પાટીલ જૂથ સોફટ ટાર્ગેટ, બદનામીમાં મોટાનેતાઓના હાથ

Gujarat BJP: ગુજરાત ભાજપમાં રેકોર્ડબ્રેક 156 સીટો પર વિજેતા બન્યા બાદ પાટીલના વધતા કદ સામે રાજકીય દુશ્મનો પણ વધી રહ્યાં છે. ગુજરાતમાંથી પાટીલ હટી રહ્યાં હોવાના સમાચાર અનેકવાર વહેતા થયા છે. રાજ્યમાં સત્તાના પાવર 3 જૂથોમાં વહેંચાયાલા છે. એમાં પાટીલ જૂથનો દબદબો સરકાર અને સંગઠનમાં હોવાથી આ જૂથના નેતાઓ સોફ્ટ ટાર્ગેટ બની રહ્યાં છે. ભાજપનું હાઈકમાન્ડ હાલમાં લોકસભાની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે સંગઠનના માળખામાં મચેલી હલચલથી દિલ્હીમાં પણ નારાજગી છે.

દિલ્હી દરબાર સુધી પહોંચી ફરિયાદોઃ
ભાજપમાં વિરોધી જૂથના નેતાઓની અશિસ્તની ફરિયાદો હવે દિલ્હી દરબાર સુધી પહોંચી છે. આગામી સમયમાં લોકસભાની 26માંથી 26 સીટો જીતવાના લક્ષ્યાંક સાથે પાટીલ જૂથ કામગીરી કરી રહ્યું છે પણ એમના વિરોધીએ લોકસભા પહેલાં સત્તાનો સ્વાદ ચાખવા માટે મરણિયા બન્યા છે. 

ભાજપમાં નેતાઓ અને કાર્યકરો વચ્ચે ટાંટિયા ખેંચ વધી:
તાજેતરની ઘટનાઓ સાબિત કરે છે કે ભાજપમાં નેતાઓ અને કાર્યકરો વચ્ચે ટાંટિયા ખેંચ વધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ  સીઆર પાટીલ તેમજ તેમના નજીકના નેતાઓને ટાર્ગેટ કરાઈ રહ્યાં છે. પાટીલને સીધા નિશાન બનાવતી એક પત્રિકા વાયરલ થયા બાદ આ મામલે 2 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જેમાં ભાજપના જ નેતાઓ સંડોવાયેલા છે. દક્ષિણ ગુજરાતમાં સત્તાની ચાવી માત્ર પાટીલના હાથમાં હોવાથી અત્યારસુધી ભાજપમાં દબદબો ધરાવનાર રઘવાયા બન્યા છે. જેઓએ પેનડ્રાઈવ અને પત્રિકા યુદ્ધ શરૂ કરી પાટીલને ભ્રષ્ટાચારી સાબિત કરી મોટા ગજાના નેતાઓ સુધી આ પત્રિકા પહોંચાડવાનો પ્રયાસ કરતાં ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી જગજાહેર થઈ ચૂકી છે. 

કેબિનેટના સભ્યો અને ધારાસભ્યો વચ્ચેની ખટપટ બહાર આવી:
ભાજપ એ શિસ્તબદ્ધ પાર્ટી હોવાથી કેબિનેટના સભ્યો અને ધારાસભ્યો વચ્ચેની ખટપટ બહાર આવી રહી નથી. પ્રદેશ અધ્યક્ષ પાટીલ બાદ વડોદરાના મેયરને બદનામ કરવા માટે પણ પત્રિકા યુદ્ધ શરૂ થયું હતું. જેમાં પણ ભાજપના નેતાની સંડોવણી બહાર આવી હતી. પાટીલ જૂથના પ્રદીપસિંહ વાઘેલા સામે પત્રિકાયુદ્ધ અમદાવાદમાં શરૂ થયું હોવાની ચર્ચા છે. આ મામલે પ્રદીપસિંહે એસઓજીમાં આ બાબતે અરજી પણ કરી છે. જેમાં એક યુનિના. કુલપતિની પોલીસે 5 કલાક પૂછપરછ કરી હતી. આમ પાટીલ જૂથના નેતાઓ સામે ગુજરાતમાં રીતસરનો મોરચો મંડાયો છે. ગુજરાતમાંથી પ્રદેશ અધ્યક્ષ રાજસ્થાનના પ્રભારી અને કેબીનેટ મંત્રી બની રહ્યાં હોવાની પણ ચર્ચાઓ રીતસરની ચલાવાઈ છે. એક વીડિયોમાં તો પાટીલ સામે કરોડોના ભ્રષ્ટાચારના આરોપો લગાવાયા હતા. જે વીડિયો બનાવનારની સુરત પોલીસે ધરપકડ કરી છે. પાટીલ જૂથને બદનામ કરવા માટે ગુજરાતમાં એક જૂથ સક્રિય થયું છે જે કોઈ પણ સંજોગોમાં ગુજરાતમાં પાટીલ જૂથને સાઈડલાઈન કરવા માગે છે. આ માટે મોટાનેતાઓ સક્રિય હોવાની પણ ચર્ચા છે. 

આ મામલે દિલ્હીને પણ રિપોર્ટ કરાયો હોવાથી દિલ્હી હાઈકમાન્ડ પણ આ બાબતે સક્રિય થયું છે. હાલમાં લોકસભાની ચૂંટણી હોવાથી ભાજપ આ તમામ વિરોધી જૂથો સામે હથિયાર હેઠાં મૂકીને બેઠું છે. ચૂંટણી પૂરી થતાં જ વિરોધીઓને પૂરા કરી દેવાય તો નવાઈ પણ નહીં....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news