આજથી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી છે શું આગાહી? જાણો આગામી દિવસોમાં રાજ્યના કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

  • ગુજરાતના આ વિસ્તારમાં ચાર દિવસ ધોધમાર વરસાદની આગાહી

  • વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

    અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના

    જુનાગઢ જિલ્લાના ગીર વિસ્તારમાં ભારે વરસાદ

Trending Photos

આજથી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ઝી બ્યૂરો, અમદાવાદઃ લાંબા સમયથી મેઘરાજાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. રથયાત્રા આવતા પહેલાં જ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પધરામણી કરીને મેઘરાજા કાળઝાળ ગરમીથી છૂટકારો આપીને ટાઢક આપશે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, આજથી 4 દિવસ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખબકી શકે છે. ખાસ કરીને એજ કારણોસર દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ સુચના આપી દેવામાં આવી છે.

છેલ્લાં 24 કલાકથી રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાં મેઘો મહેર કરી રહ્યો છે. ખાસ કરીને જુનાગઢના ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં તાલાલા, ખીરધાર, બાકુલા ધણેજ, ધ્રાબાવડ, લાડુડી, દેવ ગામ, જેપુર સહિત અનેક ગ્રામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે. તાલુકાભરમાં વાવણી લાયક વરસાદ પડવાથી ખેડુતોમાં ખુશીની લાગણી છવાઈ છે. જુનાગઢના વિસાવદર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.
 
હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. બીજા બાજુ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. તો અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.

બીજી તરફ વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભારે વરસાદ પડ્યો છે. નાનાકોટડા, વાજડી, રૂપાવટી, ઉમરાળા,જૂની ચાવંડ, શીરવાણીયા સહિત આસપાસના ગ્રામ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક રોડ રસ્તાઓ પાણી પાણી થયા છે. જૂનાગઢ પંથકમાં ઠેર ઠેર વરસાદની સાથે ગિરનાર પર્વત પર પણ વરસાદી માહોલ જામ્યો છે.

વરસાદને કારણે ગીરનાર પર્વતના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ નયનરમ્ય નજારો જોવા લોકો ગીરનાર તળેટીએ પહોંચ્યા છે. જિલ્લાના વિસાવદરમાં દોઢ કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ પડતા સોકોને ગરમીથી રાહત મળી. તો શહેરના રસ્તાઓ પર વહેતી નદી જેવા વરસાદી પાણી વહેતા થયા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news