Gujarat Riots : ગોધરા કાંડના 21 વર્ષ બાદ 95 સાક્ષીઓની સુરક્ષા હટી, સરકારે એકાએક લીધો નિર્ણય
Gujarat Riots : ગોધરા હત્યાકાંડ સાથે જોડાયેલા સાક્ષી, વકીલો અને ફરિયાદ કરનારાઓને આપેલી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ
Trending Photos
Godhra Kand : ગુજરાત સરકારે 2002 ના ગોધરા હત્યાકાંડ સાથે જોડાયેલા સાક્ષી, વકીલો અને ફરિયાદ કરનારાઓને આપેલી સુરક્ષા પાછી ખેંચી લીધી છે. અંદાજે 15 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે ગુજરાતના રમખાણોની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. એસઆઈટીની ટીમની ભલામણ પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ તમામ 95 લોકોને સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે.
ગુજરાત સરકારે 2002ના ગોધરા ટ્રેન હત્યાકાંડ અને ત્યાર પછીના રમખાણોના કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના વિટનેસ પ્રોટેક્શન સેલની ભલામણોને આધારે 95 સાક્ષીઓનું રક્ષણ પાછું ખેંચી લીધું છે. SIT એ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા નિવૃત્ત જજ અને રમખાણ પીડિતો માટે લડતા વકીલને આપવામાં આવેલી સુરક્ષા પણ પાછી ખેંચી લીધી છે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી.
નરોડા પાટિયા કેસના સાક્ષીની સુરક્ષા હટાવી લેવાઈ
મદદનીશ પોલીસ કમિશનર (HQ) એફએ શેખે જણાવ્યું હતું કે, 'સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત SITના વિટનેસ પ્રોટેક્શન સેલની ભલામણના આધારે, અમદાવાદ પોલીસે નરોડા ગામ, નરોડા પાટિયા અને રમખાણોના વિવિધ કેસોમાં 95 સાક્ષીઓને પોલીસ સુરક્ષા આપી હતી. ગુલબર્ગ સોસાયટીની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે. ફરીદા શેખ (54 વર્ષ) પણ તે લોકોમાં સામેલ છે જેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. તેઓએ નરોડા પાટિયા રમખાણ કેસમાં કોર્ટ સમક્ષ જુબાની આપી હતી.
અમે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છીએ - ફરીદા શેખ
ફરીદા શેખે કહ્યું કે, અમારા જેવા લોકોને સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. એક સશસ્ત્ર પોલીસ સવારથી સાંજ સુધી મારા ઘરની બહાર રક્ષક તરીકે ઊભો હતો. 26 ડિસેમ્બરના રોજ, મને શહેર પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે મારું સુરક્ષા કવચ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. મને કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું. તેણે કહ્યું કે, અન્ય ઘણા સાક્ષીઓ સાથે પણ આવું બન્યું છે. અમે ભયના પડછાયા હેઠળ જીવી રહ્યા છીએ, કારણ કે ઘણા આરોપીઓ હજુ પણ બહાર છે અને તેઓ હજુ પણ અમને નુકસાન પહોંચાડી શકે છે.
રિટાયર્ડ જજની સુરક્ષા પણ પાછી લેવાઈ
સૂત્રોએ જણાવ્યું હતું કે નરોડા પાટિયા રમખાણ કેસમાં 32 લોકોને દોષી ઠેરવનારા અને 2014માં નિવૃત્ત થતાં પહેલાં નરોડા ગામ કેસની અધ્યક્ષતા કરનાર શહેરના ભૂતપૂર્વ મુખ્ય સેશન્સ જજ જ્યોત્સના યાજ્ઞિકનું સુરક્ષા કવચ પણ સમાપ્ત કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે તેમની સેવા દરમિયાન લગભગ 15 ધમકીઓ મળ્યા બાદ તેમને CISF સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત મહિને દિવાળી બાદથી તેમના આવાસની બહાર તૈનાત સીઆઈએફએસ ગાર્ડે આવવાનું બંધ કરી દીધું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે