વરસાદમાં તૂટેલાં રસ્તાઓનું સમારકામ શરૂ, મુખ્યમંત્રીએ રસ્તાઓની મરામત માટે કરી 74.70 કરોડ રૂપિયાની ફાળવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયમાં ભારે વરસાદને કારણે આ વર્ષે રાજ્યના નગરોમાં માર્ગ રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસના કામો માટે 74.70 કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કર્યા છે.
Trending Photos
ઝી બ્યૂરો, ગાંધીનગરઃ દર વર્ષે ચોમાસા દરમ્યાન ગુજરાતમાં રોડ-રસ્તાઓની હાલત ખસ્તા થઈ જાય છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જવાને કારણે નવા બનાવેલાં રસ્તાઓનું પણ ધોવાણ થઈ જતું હોય છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લેતાની સાથે જ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતુંકે, જ્યાં-જ્યાં વરસાદને કારણે રોડ-રસ્તાની હાલત ખરાબ છે તે તમામ રસ્તાઓનું ખુબ જ ઝડપથી સમારકામ કરવામાં આવશે. નાગરિકો-રાહદારીઓને કોઈપણ પ્રકારે અગવડતા ન પડે સરકાર તેની પુરતી કાળજી લેશે. જેના ભાગરૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ-રસ્તાઓના સમારકામને મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયમાં ભારે વરસાદને કારણે આ વર્ષે રાજ્યના નગરોમાં માર્ગ રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસના કામો માટે 74.70 કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કર્યા છે. ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં આ ચોમાસા દરમ્યાન ભારે વરસાદ અને હજુ પણ વરસાદની સ્થિતિ જોતાં શહેરી વિસ્તારોમાં રસ્તા માર્ગોને જે નુકસાન થયું છે તેનું રીપેરીંગ, રિસરફેસ તેમજ નાગરિક સુવિધા વૃદ્ધિના માર્ગ મરામત કામોમાં થર્મો પ્લાસટિક રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ,સ્ટ્રીટ લાઈટ બોર્ડ અને રોડ સેફ્ટી ના કામો વગેરે માટે આ રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
આ કામો ઝડપથી હાથ ધરાય અને નાગરિકોને આવાગમનની સરળતા રહે તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તે હેતુસર તત્કાલ દરેક નગર પાલિકાઓને આ રકમ ફાળવવાનો જનહિત અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યની અ-વર્ગ ની 22 નગર પાલિકાઓને પ્રત્યેકને 75 લાખ, બ-વર્ગ ની 30 નગર પાલિકાઓને પ્રત્યેક ને 60 લાખ, ક-વર્ગ ની 60 નગર પાલિકાઓ ને પ્રત્યેક ને 45 લાખ તેમજ ડ-વર્ગની 44 નગર પાલિકાઓ ને પ્રત્યેક ને 30 લાખ એમ રાજ્યની તમામ 156 નગર પાલિકાઓ ને સમગ્રતયા 74.70 કરોડ રૂપિયા રોડ રસ્તા રીપેરીંગ રિસરફેસીંગ ના કામો માટે ફાળવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે