ગુજરાતમાં સાંસદ દિપસિંહ રાઠોડના ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું, આટલી મોંઘીદાટ વસ્તુઓની ચોરી કરી 'રફૂચક્કર'
મુખ્ય દરવાજાનું તાળુ તોડી ચાંદીના સિકકા અને વાસણો સહિત સોનાના દાગીના અને એક લાખ રૂપિયા રોકડા સહિત રૂ. 8.70 લાખની મતાની ચોરી કરી તસ્કરો પલાયન થતા સાંસદના પુત્ર દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોધાવી હતી.
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: પ્રાંતિજના વાઘપુર ખાતે રહેતા અને સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડના નિવાસ સ્થાને તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં મુખ્ય દરવાજાનું તાળુ તોડી ચાંદીના સિકકા અને વાસણો સહિત સોનાના દાગીના અને એક લાખ રૂપિયા રોકડા સહિત રૂ. 8.70 લાખની મતાની ચોરી કરી તસ્કરો પલાયન થતા સાંસદના પુત્ર દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોધાવી હતી. પોલીસે પણ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
સાબરકાંઠા પ્રાંતિજના વાઘપુર ખાતે નિવાસી આશ્રમ શાળાના કમ્પાઉન્ડમાં આવેલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ દિપસિંહ રાઠોડના નિવાસ સ્થાને તસ્કરો ત્રાટક્યા. જેમા અજાણ્યા તસ્કરોએ બુધવારની રાત્રિએ આશ્રમ શાળામા પ્રવેશ કરી આશ્રમ શાળામા આવેલ સાંસદના મકાનનો મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમા અલગ અલગ રૂમમાં મુકેલ ત્રણ તિજોરીઓ તોડી સરસામાન વેર વિખેર કર્યો હતો.
નીચેના મકાનમાં રહેલ ત્રણ તિજોરીઓના લોક તોડી નાખ્યા હતા. જેમા તિજોરીમા રહેલ 100 ચાંદીના સિક્કાઓ, બિસ્કીટ બે, અને ચાંદીની બે થાળીઓ સહિતના વાસણો, સાત તોલાના સોનાના દાગીના સહિત તિજોરીમા રહેલ રોકડા રૂ. એક લાખ સહિત રૂ. 8.70 લાખની મત્તાની ચોરી કરી લઇ ગયા હતા. એટલું જ નહીં, ઉપરના રૂમનું તાળું તોડી રૂમમાં મુકેલ બેગો તપાસી હતી.
બીજી તરફ 12 એપ્રિલના રોજ સાંસદ અમેરિકા ખાતે પ્રવાસમાં ગયા છે, ત્યારે તેમના પુત્ર અને આશ્રમ શાળાના ટ્રસ્ટીએ ચોરી અંગેની જાણ થતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા જાણ કરી હતી અને પ્રાંતિજ પોલીસ સાંસદના પુત્રની ફરિયાદ લઈને અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોધી પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ડોગ સ્કોર્ડ અને એફ.એસ.એલ.ની મદદથી ચોરી ભેદ ઉકેલવા માટે કાર્યવાહી હાથ ધરી છે. તો એલસીબી ધ્વારા પણ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
સાંસદના નિવાસ સ્થાને તસ્કરોએ ત્રાટકી સોનાના દાગીના અને 100 ચાંદીના સિક્કા, 10 બિસ્કીટ, ચાર ગ્લાસ, બે થાળી, ચાર વાટકી, તથા બે ચમચી તેમ મળી આશરે 6 કિલો ચાંદી વાસણો રૂ. 4.20000 તથા 1.5 તોલાનો એક સોનાનો દોરો, 2.5 તોલાની ચાર વીટી, એક-એક તોલાની બે સિકકા તથા એક તોલાની પેંડલ મળી આશરે 7 તોલાની સોનાની વસ્તુઓ જેની 3.50000 તથા રોકડા રૂ. 1,00,000 મળી રૂ 8.70,000 ની ચોરી થયા બાદ એફએસએલ અને ડોગ સ્કોર્ડ પોતાની કામગીરી કરીને તપાસ હાથ ધરી હતી. એલસીબીની ટીમ પણ આ ચોરીનો ગુનો ઉકેલવા માટે તપાસમાં લાગી ગઈ હતી. પ્રાંતિજ પોલીસ દ્રારા તપાસનો ધમધમાટ શરુ થઇ ગયો છે.
પોલીસે પણ ચોરીનો ગુનો ઉકેલવા માટે વિવિધ એજન્સીઓની મદદ થકી ટીમો બનાવીને તપાસ આરંભી દીધી છે અને આશ્રમ શાળા અને બાજુની વાડીમાં રહેતા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે ત્યારે ચોરીનો ગુનો ઉકેલવાના કામમાં લાગેલી પોલીસના હાથે તસ્કરો ક્યારે પકડાશે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે