થોડી તો લાજ રાખવી હતી! મોટી બહેનને લગ્ન વિના ગર્ભવતી બનાવી અને નાની પર બળાત્કાર, સુપ્રીમ સુધી લડી દીકરી

ભરૂચ જિલ્લામાં બનેલી એક ઘટનાના પડઘા ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પડ્યા છે, જેમાં એક પરિણીત પુરુષે બે બહેનો સાથે વિશ્વાસઘાત અને બળાત્કાર કર્યો હતો. 

થોડી તો લાજ રાખવી હતી! મોટી બહેનને લગ્ન વિના ગર્ભવતી બનાવી અને નાની પર બળાત્કાર, સુપ્રીમ સુધી લડી દીકરી

ઝી બ્યુરો/ભરૂચ: ભરૂચ જિલ્લામાં બનેલી એક ઘટનાના પડઘા ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પડ્યા છે, જેમાં એક પરિણીત પુરુષે બે બહેનો સાથે વિશ્વાસઘાત અને બળાત્કાર કર્યો હતો. આ ઘટનામાં ગર્ભવતી બનેલી યુવતીએ ગુજરાત હાઈકોર્ટથી છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત લડી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને પણ આ કેસમાં પીડિતાની સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાની ટકોર કરી હતી.

સુપ્રીમ કોર્ટે ગુજરાતની બળાત્કાર પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. સર્વોચ્ચ અદાલતનું માનવું છે કે ભારતીય સમાજમાં લગ્ન પછી ગર્ભાવસ્થા એ યુગલ અને સમાજ માટે ખુશીનું કારણ છે. જો કે, જ્યારે કોઈ સ્ત્રી તેની ઇચ્છા વિરુદ્ધ ગર્ભવતી બને છે, ત્યારે તે તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. પીડિતાના મેડિકલ રિપોર્ટની નોંધ લેતા જસ્ટિસ બી.વી. નાગરત્ન અને ઉજ્જલ ભુઈયાની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે યુવતીની ગર્ભાવસ્થાને મંજૂરી નહીં આપીને યોગ્ય નિર્ણય લીધો નથી.

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે ઉઠાવ્યો વાંધો
અગાઉ 19 ઓગસ્ટે આ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી અને મેડિકલ બોર્ડ પાસેથી નવો રિપોર્ટ માંગ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે આ મામલાની સુનાવણીમાં ઘણો સમય વિતાવ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે ગર્ભપાત પર મૂક્યો હતો પ્રતિબંધ
મળતી માહિતી મુજબ પીડિતાની ઉંમર 25 વર્ષની છે અને તેણે સુપ્રીમ કોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે સરકારી નીતિ અને તબીબી જોખમના આધારે પીડિતાની અરજી ફગાવી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટના આ આદેશને પીડિતા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેની સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ પર ઉઠાવ્યા સવાલો 
નોંધનીય છે કે શનિવારે (19 ઓગસ્ટ) ગુજરાત હાઈકોર્ટે બળાત્કાર પીડિતાને ગર્ભપાત ન કરાવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. સુપ્રિમ કોર્ટે આકરા શબ્દોમાં સવાલ ઉઠાવ્યા હતા કે ગુજરાત હાઈકોર્ટ શું કરી રહી છે. જ્યારે સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી માટે આજની તારીખ નક્કી કરી હતી, તો પછી હાઈકોર્ટે ચુકાદો કેમ આપ્યો? તે બંધારણની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નગરરત્ન અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે કહ્યું, ગુજરાત હાઈકોર્ટમાં શું થઈ રહ્યું છે? ભારતની કોઈપણ અદાલત હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ આદેશ આપી શકતી નથી. તે બંધારણની વિરુદ્ધ છે."

તુષાર મહેતાએ જણાવ્યું કે શા માટે હાઇકોર્ટે શનિવારે ચુકાદો આપ્યો?
ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે શનિવારનો હાઇકોર્ટનો આદેશ કારકુની ભૂલ સુધારવા માટે પસાર કરવામાં આવ્યો હતો. અગાઉના આદેશમાં કારકુની ભૂલ હતી અને તેને શનિવારે સુધારી દેવામાં આવી હતી. તે એક ગેરસમજ હતી, તેમણે કહ્યું, રાજ્ય સરકાર તરીકે અમે ન્યાયાધીશને આદેશ પાછો ખેંચવા વિનંતી કરીશું.

શું હતી સમગ્ર ઘટના?
ભરૂચ જિલ્લા નજીકના એક ગામમાં રહેતા પરિવારમાં માતાપિતા ઉપરાંત પીડિતા યુવતીની ધોરણ 10માં અભ્યાસ કરતી નાની બહેન અને પાંચમા ધોરણમાં ભણતો નાનો ભાઈ છે. ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતાં માતાપિતાને મદદરૂપ બનવા માટે પીડિતા ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી કરવા લાગી હતી. આ સમયગાળા દરમિયાન પીડિતા યુવતી સ્ટેટ ટ્રાન્સપૉર્ટની બસ અને ખાનગી ટૅક્સીમાં જતી હતી. આ સમયગાળા દરમિયાન પીડિતા યુવતીનો પરિચય ખાનગી ટૅક્સી ચલાવતા આરોપી સાથે થયો હતો અને બન્ને પ્રેમમાં પડ્યા હતા, ત્યારબાદ બન્ને જણાએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. 

પીડિતાએ જણાવ્યું કે, સૌ પ્રથમ તો અમે નક્કી કર્યું કે આપણે માતાપિતાની મજૂંરી લઈને લગ્ન કરીશું, જેથી મેં મારા ઘરે વાત કરી તો મારા માતાપિતા માની ગયા અને હા પણ પાડી હતી. જોકે, આરોપીએ પીડિતાને પોતે પરિણીત હોવાનું જણાવ્યું નહોતું. ત્યારબાદ તેણે મને કહ્યું કે મારા ઘરના લોકો લગ્ન માટે તૈયાર નથી. તેણે મને કહ્યું કે, જ્યારે મારા માતાપિતા લગ્ન માટે તૈયાર થશે ત્યારે લગ્ન કરીશું. પછી એ અમારા ઘરે જ રહેવા લાગ્યો. એ પરિવારના એક સભ્યની જેમ જ અમારી સાથે રહેતો હતો. મને પણ ભરોસો બેસી ગયો હતો કે એ મારી સાથે લગ્ન કરશે, એટલે અમે પતિપત્નીની જેમ રહેવા લાગ્યાં. થોડા સમયમાં હું ગર્ભવતી થઈ ત્યારે એણે કહ્યું કે હવે એનાં માતાપિતા લગ્ન માટે માની જશે. 

જોકે, પીડિતાની ગર્ભાવસ્થા છ મહિનાની થઈ છતાં આરોપીએ લગ્ન કરવાની કોઈ જ તૈયારી બતાવી નહોતી. પીડિતાએ કહ્યું, “એ મને તેની બહેનનાં ગામ લઈ ગયો અને એક અઠવાડિયા સુધી અમે તેની બહેનના ઘેર રહ્યાં. ત્યાં અમે તેની બહેનને લગ્ન કરાવી દેવાની વાત કરી અને પાછા મારા ઘરે આવી ગયાં હતાં. પીડિતાની બહેન 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. 

પીડિતાએ તેની બહેન પર આરોપીએ કરેલા કથિત બળાત્કાર વિશે જણાવતા ખળભળાટ મચી ગયો હતો. તેણે કહ્યું કે, એક દિવસ આરોપીએ મારી બહેન સ્કૂલ જતી હોવાથી તેણે સ્કૂલ મૂકી આવવાની જીદ કરી હતી. ત્યારબાદ મારી બહેનને સ્કૂલે મૂકવાના બદલે કોઈ સૂમસામ જગ્યાએ લઈ ગયો હતો અને ડરાવીને તેના પર બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં, બળાત્કાર કરીને ધમકી પણ આપી હતી કે કોઈને આ વાતની જાણ કરશે તો તે તેના ભાઈને મારી નાંખશે. મને બાળક આવવાનું હોવા છતાં આરોપી મને છોડીને જતો રહેશે. એટલે મારી બહેન ડરીને ચૂપ થઈ ગઈ હતી. પીડિતાના જણાવ્યા અનુસાર તેની બહેને ડરને કારણે એક અઠવાડિયા સુધી કોઈને પણ બળાત્કારની વાત કરી નહોતી. પરંતુ તેને પેટમાં સખત દુખાવો થતા તેની માતા તેને ભરૂચની સરકારી હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં.

પીડિતાએ વધુમાં કહ્યું કે, આરોપી અને મારી માતા મારી બહેનને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં મારી માતા અને બહેનને હોસ્પિટલની બહાર ઉતારીને બહાનું કાઢીને તે ભાગી ગયો હતો. ડૉક્ટરે મારી બહેનની તપાસ કરી ત્યારે અમને ખબર પડી કે એની સાથે બળાત્કાર થયો છે. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. અમે જ્યારે તેણે મોબાઈલ પર ફોન કર્યો ત્યારે તેણે ફોન બંધ કરી દીધો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news