આવતીકાલથી ગુજરાતમાં વેક્સીનેશનની શરૂઆત, સૌથી વધુ સંક્રમિત 10 જિલ્લાને મળશે પહેલો લાભ

Updated By: Apr 30, 2021, 03:31 PM IST
આવતીકાલથી ગુજરાતમાં વેક્સીનેશનની શરૂઆત, સૌથી વધુ સંક્રમિત 10 જિલ્લાને મળશે પહેલો લાભ
  • રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર તેમજ 45 થી વધુની વયના નાગરિકો મળીને 1 કરોડ 20 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે આવતીકાલે 1 મેથી ગુજરાતમાં વેક્સીનેશન (vaccination)નો પ્રારંભ થશે. રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સીનેશનનો આરંભ થઈ રહ્યો છે. 

આ પણ વાંચો : કોરોનાને ડામવા ગુજરાતના આ જિલ્લાએ જે કરી બતાવ્યું, એવુ આખા દેશમાં કોઈએ ન કર્યું

આ 10 જિલ્લામાં આવતીકાલથી વેક્સીનેશન
ગુજરાતના સ્થાપના દિવસે સવારે 9 વાગ્યાથી 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સrન આપશે. જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા 10 જિલ્લાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આવતીકાલથી વિનામૂલ્યે વેક્સીન મળશે. 

cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે યુવાનોને જ વેક્સિન અપાશે. જોકે, આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, સ્થળ પર રજીસ્ટ્રેશનની જોગવાઇ નથી. જેણે અગાઉથી રજિસ્ટ્રેશન કર્યું હસે તેને જ વેક્સીન મળશે. 

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મે મહિના દરમિયાન ગુજરાતને વેક્સિનના 11 લાખ ડોઝ મળશે. હજુ વધુ જથ્થો પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જેમ-જેમ વેક્સિન ઉપલબ્ધ થશે તેમ-તેમ વધુને વધુ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો તબક્કાવાર આરંભ કરાશે. 

સમગ્ર દેશમાં આવતીકાલથી ૧૮થી ૪૪ વયજૂથમાં વેક્સિનેશનનો ચોથા તબક્કાનો આરંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ 10 જિલ્લાના યુવાનોને જ SMS મળશે, અને SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે. વેક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની કોઈ જોગવાઇ નથી એટલે જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેમને SMS મળ્યો હોય તે યુવાનો જ વેક્સિન લેવા માટે જાય. ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી ખૂબ જ સુચારુ રૂપે થઈ રહી છે. એટલે આ કામગીરીમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ સૌએ જોવાનું રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 18 થી વધુની વયના યુવાઓ સહિત સૌ કોઈને આગામી 1 લી મે પછી તબક્કાવાર શરૂ થનારા કોરોના રસીકરણ અભિયાન (gujarat vaccination) માં  અવશ્ય રસીકરણ કરાવી લેવા પ્રજાજોગ અપીલ કરી છે. તેમણે કહ્યું કે જે રીતે ગુજરાત રસીકરણના અગાઉના તબક્કાઓમાં દેશમાં અગ્રેસર રહ્યું છે. તે જ રીતે આ રસીકરણ અભિયાનમાં પણ ઉત્સાહપૂર્વક જોડાઈને દેશના ટોપ રાજ્યોમાં સ્થાન મેળવવાનો આપણો સંકલ્પ છે. 

આ પણ વાંચો : અમદાવાદ પોલીસની પ્રશંસનીય કામગીરી : હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડવા બનાવ્યો ગ્રીન કોરિડોર 

રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર તેમજ 45 થી વધુની વયના નાગરિકો મળીને 1 કરોડ 20 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. આમાં 95.64 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ પણ અપાઈ ગયો છે. દેશભરમાં હવે 18 થી વધુની વય ના લોકો માટે 1 મેથી કોરોના રસીકરણનો જે તબક્કો શરૂ થવાનો છે. તેમાં જે લોકો સરકારી રસીકરણ કેન્દ્ર પર રસી લેવા આવે તેમને વિના મૂલ્યે રસી અપાશે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં બનનારી 1200 બેડની કોવિડ હોસ્પિટલનું સ્થળ બદલાયું