આજે 31stની પાર્ટી કરનારા ચેતીને રહેજો, નહિ તો નવુ વર્ષ પડશે ભારે

31 ડિસેમ્બરને લઈ રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં પણ પોલીસ સતર્ક થઈ ગઈ છે. નશાખોરો અને દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસે વિવિધ સ્થળે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે.

આજે 31stની પાર્ટી કરનારા ચેતીને રહેજો, નહિ તો નવુ વર્ષ પડશે ભારે

ગુજરાત : આજે વર્ષ 2018નો છેલ્લો દિવસ છે. નવા વર્ષને વધાવવા આજે રાત્રે અનેક મહેફિલો મંડાશે. પાર્ટીઓની જમાવટ થશે. પરંતુ 31 ડિસેમ્બરને લઈ રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં પણ પોલીસ સતર્ક થઈ ગઈ છે. નશાખોરો અને દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસે વિવિધ સ્થળે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે. નવા વર્ષ 2019ને વધાવવા લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. યુવાધન દારૂના નશાના રવાડે ન ચડે તે માટે પોલીસે એકશન પ્લાન બનાવ્યો છે. પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં પાર્ટી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટી આયોજકોએ લાઉડસ્પીકર ઓછા વગાડવા પડશે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં રાત્રિના 10 પછી માઇકનો ઉપયોગ કરવા પર મનાઇ ફરમાવી છે. ત્યારે આવામાં જો તમે ચેતશો નહિ, તો નવુ વર્ષ તમને ભારે પડી શકે છે. 

આજે ૩૧ ડિસેમ્બરની ઉજવણી ને લઇ સમગ્ર રાજ્યમાં દારૂની રેલમ છેલ રોકવા સમગ્ર રાજ્યની પોલીસને સતર્ક કરી દેવાઈ છે, ત્યારે અરવલ્લી પોલીસ દ્વારા પણ જિલ્લામાં દારૂની બદીને રોકવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી એસઓજી પેરોલ સ્વોર્ડ સહિતની ટીમોને કામે લગાડાઇ છે અને જિલ્લામાં અન્ય રાજ્યોમાંથી દારૂ પી આવતા દારૂડિયાઓને ઝડપી લેવા પોલીસની ૩૫ ટીમો બનાવાઈ છે. આ ટીમ 48 જેટલા બ્રેથ એનેલાઇઝરની સાથે સમગ્ર જિલ્લાના રાજસ્થાન સરહદને જોડતી રતનપુર, બોબીમાતા, જગાબોર, મેઘરજના કાલીયાકુવા તેમજ ઉન્ડવા બોર્ડર સહિત જુદા જુદા સ્થળોએ સ્ટેંડબાય રાખવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લાના ટોલટેક્સ સહિત મુખ્ય માર્ગો ઉપર પણ વોચ ગોઠવાઈ છે. જિલ્લાની સરહદી ચેકપોસ્ટ રતનપુર ઉપર પણ જિલ્લા પોલીસ દ્વાર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ ચેકપોસ્ટ ઉપરથી છેલ્લા એક વર્ષ દરમિયાન બુટલેગરો દ્વારા ઓઇલ ટેન્કરમાં ભરી, ઘઉંના ભૂંસાની આડમાં સંતાડી, રીક્ષામાં ચોર ખાનું બનાવવા જેવી જુદી જુદી મોડેસ ઓપરેન્ડી દ્વારા ગુજરાતમાં લવાતા 2 કરોડથી વધુનો દારૂ તેમજ 3 કરોડ જેટલું ચરસ પણ ઝડપાઇ ચૂક્યું છે. ત્યારે પોલીસ દ્વારા ૩૧ની ઉજવણી માટે બનાવાયેલો એક્શન પ્લાન કેટલો સાર્થક નિવડશે તે જોવું રહ્યું.

વડોદરામાં સઘન ચેકિંગ
વડોદરામાં 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. છેલ્લા ઘણા દિવસથી પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી છે, ત્યારે આજે પણ વહેલી સવારથી જ હરણી એરપોર્ટ સર્કલ પાસે ચેકિંગ કરવામાં આવ્યું. એરપોર્ટ પાસેથી અવારનવાર ઝડપાયેલા દારૂને કારણે પોલીસ કડક ચેકિંગ કરી રહી છે. દારૂ કે કોઇ નશીલા પદાર્થની હેરાફેરી થાય નહીં તે માટેની તકેદારી પોલીસ રાખી રહી છે. બ્રેથ એનેલાઇઝર મશીનથી કોઇએ નશો કર્યો છે કે કેમ તેનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. શહેરમાં 11 ચેકપોસ્ટ સહિત 40 સ્થળ પર 1000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યું. જ્યારે દારૂના ટેસ્ટિંગ માટે 200 બ્રેથ એનેલાઇઝર મશીન પોલીસોને ફળવાયા છે. 

આટલું ધ્યાન રાખજો

  •  મહિલાઓ સાથે કોઇ દુર્વ્યવહાર ન કરે તેની તકેદારી આયોજકોએ રાખવી પડશે. પાર્કિંગની જવાબદારી પાર્ટી આયોજકોની રહેશે. 
  •  રોડ પર વાહન પાર્ક કરાયેલા માલૂમ પડશે તો પાર્ટીની પરવાનગી રદ કરવામાં આવશે. 
  •  નશો કરેલ વ્યક્તિ ફાર્મ હાઉસ કે પાર્ટીપ્લોટમાં આવશે તે બદલ આયોજકો સામે ગુનો દાખલ કરાશે. 
  •  134 ચેકપોસ્ટ પર વાહનો પર બાજનજર રખાશે. 1 હજાર પોલીસની મોટરસાઇકલ પેટ્રોલિંગ કરશે. તમામ શહેરોમાં ચેકપૉઇન્ટ બનાવાયાં છે.
  •  ન્યૂ યર સેલિબ્રેશન પર દારૂડિયા-અસામાજિકોને પકડવા ગુજરાત પોલીસ સીસીટીવીના આધારે પણ ધરપકડ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news