આજથી ગુજરાતભરના સ્કૂલ વાહનચાલક અચોક્કસ મુદતની હડતાળ પર, વાલીઓ સવારથી થયા હેરાન

School Van Drivers On Strike : રાજ્યભરમાં સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતરતા વધી વાલીઓની મુશ્કેલી... વહેલી સવારે બાળકોને શાળાએ મુકવા દેખાયો વાલીઓનો જમાવડો... તો વડોદરામાં હડતાળની અસર નહીં

આજથી ગુજરાતભરના સ્કૂલ વાહનચાલક અચોક્કસ મુદતની હડતાળ પર, વાલીઓ સવારથી થયા હેરાન

Ahmedabad News : આજથી સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર છે. ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીનો વિરોધ તથા પડતર પ્રશ્નો અને ધીમી પાસિંગ પ્રક્રિયાથી નારાજગ થતા સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. આ અચોક્કસ મુદતની હડતાલ છે. હળતાળના નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે. વહેલી સવારથી વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલમાં છોડવા જતા નજરે પડ્યા હતા. મહત્વનું છે કે, રાજકોટ ગેમઝોન આગકાંડ બાદ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા માટે સેફ્ટી સર્ટિફિકેટ અનિવાર્ય રાખવામાં આવ્યું છે. RTO કચેરી તેની તપાસ પણ કરી રહી છે. ત્યારે એસોસિયેશને નિયમોના પાલન માટે સરકાર પાસે બે થી ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો. આ સમય ન મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં 15 હજાર વાનના પૈડા થંભી ગયા 
અમદાવાદમાં આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાળ છે. વાહન વ્યવહાર કચેરીએ બહાર પાડેલા નિયમોના પાલન માટે સમય ન મળતા વિરોધ દર્શાવાયો છે. અગાઉ એસોસિએશને નિયમોના પાલન માટે સરકાર પાસે બેથી ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો. રાજકોટની ઘટના બાદ સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષામાં સેફ્ટી સર્ટિફિકેટ અનિવાર્ય કરવામાં આવ્યું હતું. આરટીઓ કચેરી દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં સેફ્ટી સર્ટિફિકેટ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આમ, અમદાવાદ શહેરમાં કુલ 15000 કરતા વધુ સ્કૂલ વાનના પૈડા આજે થંભી ગયા છે. 

હડતાળને કારણે વાલીઓને હાલાકી 
સ્કૂલ વર્ધી એસોસિયેશન ની હડતાલના કારણે વાલીઓને હાલાકી પડી રહી છે. zee 24 કલાકની સાથે વાલીઓએ વાતચીત કરતા જણાવ્યું કે, એક તરફ ઓફિસનો સમય છે, અને બીજી તરફ હડતાલના કારણે વાલીઓનું શિડ્યુલ ખોરવાયું છે. બાળકના સેફટી માટેના તમામ નિયમો લાગુ કરાવવા જરૂરી છે. નિયમોનું પાલન કરાવવા માટે સરકારે વહેલી જાગવાની જરૂર છે. વેકેશનના બે મહિનાના સમયમાં કેમ નિયમોનું પાલન કરાવવામાં ન આવ્યું. 

વડોદરામાં મિશ્ર પ્રતિસાદ
વડોદરામાં સ્કૂલ વર્ધી એસોસિયેશનની હળતાળનો ફિયાસ્કો જોવા મળ્યો. વડોદરામાં રાબેતામુજબ સ્કૂલ વાન ચાલુ જોવા મળી. સ્કૂલ વાનમાં બાળકોને સ્કૂલે છોડવામાં આવ્યા. જે બતાવે છે કે, વડોદરાના સ્કૂલ વાન ચાલકો હડતાળમાં નહીં જોડાયા. RTOના નિયમો નેવે મૂકી સ્કૂલ વાન ચાલકો વિધાર્થીઓને વાનમાં બેસાડીને લાવ્યા હતા. એક વાનમાં 12 થી 15 વિધાર્થીઓ બેઠેલા જોવા મળ્યાં છે. વડોદરાના સ્કૂલ વાન ચાલકોએ એક નિવેદનમાં જણાવ્યું કે, અમે હડતાળમાં નથી જોડાયા. અમને કોઇ પ્રશ્ન નથી, ફરિયાદ નથી. RTO પરમિટ આપતી નથી એટલે ટેક્સી પાર્સિંગ નથી કરાવતાં. 

સુરતમાં સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોની હડતાળના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો. વરસાદ વચ્ચે સવારે વાલીઓને બાળકોને શાળાએ મુકવા આવવું પડ્યું. તો સાથે જ નોકરી કરતા વાલીઓનું શિડ્યુલ હડતાળના કારણે ખોરવાયું છે. તેઓએ વાનના ભાડામાં વધારો થતા મનમાનીનો આરોપ લગાવ્યો છે. સુરતમાં પણ 15 હજાર સ્કૂલ વાન ચાલકો હડતાળમાં જોડાયા છે. RTO અને ટ્રાફિક પોલીસની હેરાનગતિને કારણે સ્કૂલ વાન ચાલકો હડતાળ પર ઉતર્યા છે. 

સુરતમાં વાનચાલકોને દંડ કરવામાં આવશે. ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા માટે સમય આપવામાં આવે તેવું તેઓએ જણાવ્યું. આજે વહેલી સવારથી વિધાર્થીઓને લઈ જતા હોય ત્યાં RTO અને ટ્રાફિક પોલીસે આવીને ગાડી ડિટેઈન કરી રહ્યાં છે. સ્કૂલ શરૂ થતાં પહેલાં ટ્રાફિક ડીસીપી અને આરટીઓ સાથે મીટીંગ કરી હતી. વાન ચાલકોને સમય આપવા માટે સ્વીકાર થયો હતો. બાદમાં પહેલા દિવસથી જ આડેધડ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ટેક્સી અને મેક્સિ પાસિંગના 70 હજાર રૂપિયા છે. વાનચાલકોએ કહ્યું કે, વાનની લોન ચાલે છે તો પાસિંગના પૈસા ક્યાંથી લાવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news