હાર્દિક ઉપવાસ 13મો દિવસઃ CMO દ્વારા રાત્રે દાખલ થવાની સલાહ અપાઈ, હાર્દિકે સ્પષ્ટ ના પાડી

હાર્દિકના યુરિન રિપોર્ટ બાદ મોડી રાત્રે ડોક્ટર દ્વારા હાર્દિકને વહેલામાં વહેલી તકે હોસ્પિટલમાં દાખલ થઈ જવાની સલાહ આપવામાં આવી હતી

હાર્દિક ઉપવાસ 13મો દિવસઃ CMO દ્વારા રાત્રે દાખલ થવાની સલાહ અપાઈ, હાર્દિકે સ્પષ્ટ ના પાડી

અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસનો આજે 13મો દિવસ છે. સાંજે હાર્દિકના રૂટિન ચેકઅપ બાદ તેનું યુરિન લેવાયું હતું. તેના આ યુરિનનો રિપોર્ટ મોડી રાત્રે આવ્યો હતો, જેમાં હાર્દિકની તબિયત વધારે ખરાબ સ્થિતિમાં પહોંચી હોવાનું જણાવાયું હતું. આ કારણે સોલા સિવિલ હોસ્પિટલના સીએમઓ હાર્દિકને મળ્યા હતા અને રિપોર્ટના આધારે તેને હોસ્પિટલમાં દાખલ થઈ જવાની સલાહ આપી હતી. જોકે, હાર્દિકે હોસ્પિટલમાં દાખલ થવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. 

ઉલ્લેખનીય છે કે, હાર્દિક છેલ્લા 13 દિવસથી પાટિદારોને બંધારણિય અનામત, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથિરિયા સહિત જેલમાં રહેલા પાટિદાર યુવાનોની જેલમુક્તીની માગણીને લઈને આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. તેણે સાધુ-સંતોની માગણીને શિરે ચડાવીને પાણી ગ્રહણ કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ આજે એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 કલાકથી તેણે ફરીથી પાણી પણ ન લેવાની જાહેરાત કરી હતી. 

હાર્દિક પટેલના રિપોર્ટ અંગે સીએમઓ ડો. આર.ડી. ગોસાંઈએ જણાવ્યું કે, હાર્દિકની તબિયત અત્યારે એટલી વધારે ખરાબ નથી. જોકે, તેણે સાંજથી પાણી પણ પીવાનું બંધ કરી દીધું હોવાને કારણે આજના રિપોર્ટની સ્થિતિ જોતાં તેની તબિયત લથડી શકે છે. જો આજ સ્થિતિ આગળ ચાલુ રહેશે તો તે બેભાન પણ થઈ શકે છે. 

હાર્દિકના મેડિકલ રિપોર્ટ બાદ પાસ સમિતિના સભ્ય એવા મનોજ પનારાએ જણાવ્યું કે, હાર્દિકનો મેડિકલ યુરિનનો રિપોર્ટ પ્લ્સ-3 આવ્યો છે. હાર્દિકનો રિપોર્ટ ઘણો જ ખરાબ આવ્યો છે. હાર્દિકની સ્થિતિ અત્યારે વધુ નાજુક છે. તેણે પાણી છોડી દીધું હોવાથી તે સવાર સુધીમાં બેભાન થઈ શકે છે. 

ડોક્ટરે દાખલ થવા સલાહ આપી હતી, પરંતુ હાર્દિકે સ્પષ્ટપણે ના પાડી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હાર્દિકને સમજાવા કરતાં સરકારે સમજવાની જરૂર છે. 

મોડી રાત્રે હાર્દિક પટેલની ઉપવાસની છાવણીમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી રહ્યાં છે. હાર્દિકની ઉપવાસ છાવણીમાં મહિલાઓ અને યુવાનો દ્વારા ભજન-કિર્તન શરૂ કરવામાં આવ્યા છે. લોકો દૂરથી ઊભા રહીને હાર્દિકને સમર્થન આપવાની સાથે જ તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news