ગેનીબેન પોતાના મતવિસ્તારમાં હાર્યા છતાં બનાસકાંઠા કેવી રીતે જીતી ગયા, આ છે આંતરિક અહેવાલ

Loksabha Election Result: ગુજરાત જ નહીં દેશભરમાં ફક્ત એક જ ચર્ચા છે. ગુજરાતમાં હેટ્રીક ફટકારવાના સપનાં જોતી ભાજપને બનાસકાંઠામાં ગેનીબેને રોકી કેવી રીતે, આ બાબતે સતત ચર્ચાઓ થઈ રહી છે. શંકર ચૌધરીએ આ સીટને જીતાડવાની જવાબદારી લીધી હોવા છતાં આ બેઠક હારતાં ભાજપે 25 સીટો જીતવા છતાં દરેકના ચહેરા પર આ ગમ જોવા મળ્યો હતો. 

ગેનીબેન પોતાના મતવિસ્તારમાં હાર્યા છતાં બનાસકાંઠા કેવી રીતે જીતી ગયા, આ છે આંતરિક અહેવાલ

Election Result: ભલે ભાજપે રાજકોટ અગ્નિકાંડને લઈને ઉજવણી ના કરી પણ બનાસકાંઠા હારવાનો ભાજપ સહન કરી શક્યું નથી. બનાસકાંઠામાં કુલ 7 વિધાનસભા બેઠકો છે જેમાંથી 4 બેઠકો ભાજપે બહુમત સાથે જીતી હતી પરતું લોકસભામાં આ 4માંથી 3 બેઠકો પર ભાજપની લીડ ઘટી છે. જે બેઠક ગત વખતે આશરે રૂ. 4 લાખના અંતરથી જીતી હતી એ બેઠક પર હાર ભાજપ પચાવી શકતું નથી. 

બનાસકાંઠામાં હાલમાં બનાસ ડેરી પર વર્ચસ્વ પણ એક મોટો મામલો છે. શંકર ચૌધરીનો બનાસને કારણે દબદબો સામે રોષ પણ એટલો જ છે. દાંતા અને ધાનેરા વિધાનસભાના આદિવાસી મતદારોનો ઝુકાવ ભાજપ તરફ છે, જેના કારણે 2022ની ચૂંટણીમાં પણ ભાજપ માત્ર 6327 મતોથી હાર્યું હતું આદિવાસીઓએ મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારને મત આપ્યા હતા. આદિવાસી વિસ્તારોનો મિજાજ જોઈને એવો ભાજપને અંદાજ હતો કે, આદિવાસી બહુલ દાંતામાં ભાજપને લીડ મળશે પરંતુ અહીં ભાજપ 11013 મતોથી પાછળ રહી ગયું છે.

ધાનેરા બેઠક એ રબારી સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક હોવાની સાથે માવજીભાઈએ અપક્ષ જીતીને ભાજપની સાથે હોવા છતાં પણ આ બેઠક પર મતો ભાજપમાં ટ્રાન્સફર કરાવી શક્યા નથી. માવજીભાઈ ધાનેરા વિધાનસભામાં 35696 મતોના આધારે જીત્યા હતા અને આ ચૂંટણીમાં ભાજપને માત્ર 1650 મતોની લીડ મળી છે. રેખાબેન ચૌધરીને જીતાડવાની જેમને જવાબદારી લીધી હતી એ શંકરભાઈ ચૌધરીનું આ વખતે સંપૂર્ણ ધ્યાન થરાદ સિવાય વાવ, ધાનેરા અને દાંતા પર હતું. આનું સૌથી મોટું કારણ એ હતું કે 2022માં ભાજપે આ ત્રણેય બેઠકો ગુમાવી હતી. થરાદમાં શંકરભાઈ ચૌધરી 26506 મતોથી જીત્યા હતા અને આ વખતે ભાજપને 14586 મતોની લીડ મળી છે.

સૌથી મોટી વાત એ છે કે, વાવની જ વિધાનસભા બેઠક જે 2022માં ગેનીબેન ઠાકોર 15601 મતોથી જીતી હતી, તે બેઠક પર ગેનીબેનને 1661 મતો ઓછા મળ્યા છે. એનો મતલબ કે ગેનીબેનને પોતાના મતવિસ્તારમાં ઓછા મતો મળ્યા છતાં તેઓ લોકસભા બેઠક જીતી ગયા છે. આ એક ચર્ચાનો વિષય છે. 

બનાસકાંઠામાં પાલનપુર બેઠક એ શહેરી બેઠક છે. 2022માં ભાજપે 26980 મતોથી આ બેઠક જીતી હતી પરાજિત ઉમેદવાર મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા.એટલે ભાજપને અહીં મોટી આશા હતી. 29150 મતોથી પાછળ રહી ગયેલા ગેનીબેન ઠાકોરે આ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી ઓછો પ્રચાર કર્યો હતો. ડીસા વિધાનસભા પણ બીજી શહેરી બેઠક છે અને આ બેઠક પણ 2022માં ભાજપે 42647 મતોથી જીતી હતી અને કોંગ્રેસના હારેલા ઉમેદવાર ગોવાભાઈ રબારી પણ ભાજપમાં જોડાયા હતા. 

ડીસાના ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળી અને ગોવાભાઈ રબારી બંને ભાજપમાં જોડાયા હતા. દોઢ વર્ષ પહેલા 42647 મતોની સરસાઈથી જીતેલી બેઠક પર ભાજપ 11535 મતોથી પાછળ રહી ગયું? સૌથી મોટો ઝટકો ભાજપને ડીસામાંથી મળ્યો છે. જ્યાં ભાજપના ચાલુ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર બંને ભાજપમાં હોવા છતાં આ સીટ પર તેઓ ચમત્કાર કરી શક્યા નથી. 

દિયોદરની બેઠક પર પણ સૌથી મોટો ખેલ થયો છે. આ બેઠક પર ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે. 2022માં આ બેઠક પર ભાજપના ઠાકોર નેતા 38414 મતોથી જીત્યા હતા, પરંતુ આ વખતે ભાજપ આ બેઠક પર 20576 મતોથી પાછળ રહી ગઈ છે, જેનો સ્પષ્ટ અર્થ છે કે ભાજપના ઠાકોર ધારાસભ્ય હોવા છતાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને ઠાકોરના મત મળ્યા છે. આમ બનાસની બેનના સૂત્ર સાથે ચૂંટણી લડેલા ભાજપને પોતાનો આંતરિક વિખવાદ જ નડી ગયો છે. 

ભાજપે પાલનપુરમાંથી કોંગ્રેસના મહેશ પટેલ, ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ, ધાનેરામાંથી માવજીભાઈ દેસાઈ અને આ સિવાયના કોંગ્રેસના મોટા નેતાઓના પક્ષપલટાને કારણે ભાજપના નેતાઓને અહંકાર આવી ગયો હતો કે ભાજપ કોઈ પણ સંજોગોમાં હારશે નહીં પણ ગેનીબેને આ તમામ નેતાઓનો પાવર ઉતારી દીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news