રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: PSIની ભરતી મામલે સૌથી મોટા સમાચાર

PSIની ભરતીમાં સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે, અને શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.

Updated By: Oct 22, 2021, 09:48 PM IST
 રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: PSIની ભરતી મામલે સૌથી મોટા સમાચાર

ઝી ન્યૂઝ/ ગાંધીનગર: સરકારી નોકરી માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઑ માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. PSIની ભરતીમાં સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે, અને શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે. હવે રાજ્ય સરકારના આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે. પીએસઆઈ અને લોકરક્ષકની સીધી ભરતીમાં હવે ફિઝિકલમાં જેટલા પણ ઉમેદવારો પાસ થશે તે તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવા મળશે.

જી હા,, ZEE 24 કલાકે આજે દિવસભર આ મુહિમ ચલાવી હતી કે શારીરિક કસોટીમાં પાસ થાય તેટલા ઉમેદવારોમાંથી પણ મેરિટના ધોરણે ઉમેદવારોને શા માટે બોલાવવાની પદ્ધતિ અમલમાં છે. તો આ પદ્ધતિ હવે લાગુ નહીં થાય. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે. શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે. ભૂપેન્દ્ર પટેલની સરકારે ઝી 24 કલાકની મુહિમની નોંધ લીધી છે. આ મુદ્દે ઝી 24 કલાક પર અસંખ્ય ઉમેદવારો રજૂઆત કરતા હતા કે આ નિયમ હટવો જોઈએ. 

હસમુખ પટેલે કર્યું ટ્વિટ
 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસના  સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં વધુમાં વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા  નિયમોમાં જરૂરી સુધારાઓ કરવા અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
 

સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ દ્વારા તા.04.01.2021ના જાહેરનામાઓથી પ્રસિદ્ધ કરવામાં આવેલ પરીક્ષા નિયમોમાં સબ ઈન્સપેક્ટર માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી 15 ગણા મેરીટોરીયસ  ઉમેદવારો  અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે અને તે મુજબ લોક રક્ષક માટે પ્રથમ શારીરિક  કસોટીમાં પાસ  થયેલ ઉમેદવારો પૈકી 8 ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે ઉમેદવારોને તે પછીના તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની જોગવાઈ રદ કરવા માટે રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ઉમેદવારો તરફથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી.

જે અંગે રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોના હિતમાં હકારાત્મક વિચારણા કરીને શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકે અને શારીરિક કસોટીમાં પાસ થયેલ કોઈપણ ઉમેદવાર આ તકથી વંચિત ન રહે તે લક્ષમાં લઈને ઉમેદવારોના હિતમાં પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારાઓ કરીને તે અંગેનો જરૂરી જાહેરનામાઓ રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

રાજ્ય સરકારની નવી જાહેરાતથી પરિણામે આગામી સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં ઉમેદવારોનો ઉત્સાહ જળવાઈ રહેશે અને તેને કારણે ઉમેદવારો ઉત્સાહપૂર્વક પરીક્ષાઓમાં ભાગ લઈ શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube