છોટાઉદેપુરમાં ટીમલી લોહીયાળ બની, એક સ્ટેપ જેવી સામાન્ય બાબતે બે યુવાનોની હત્યા
Trending Photos
છોટાઉદેપુર : સાત માસ પહેલા થયેલા ડબલ મર્ડરનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. બંને યુવાનોની હત્યા કર્યા બાદ તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ ઉંડાણપૂર્વકની પોલીસ તપાસમાં આ હત્યા કર્યાનું સામે આવતા પોલીસે હત્યારાઓને દબોચી લીધા છે. 17મી જાન્યુઆરી 2021માં છોટાઉદેપુર-અલીરાજપુર રોડ પરના ધમોડી ગામના વળાંક પાસે થયેલી હત્યાનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. ખાડામાં ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા બંનેના મૃતદેહને જોઈ આ પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત લાગ્યો. પણ બાદમાં ઉઁડાણપૂર્વકની તપાસમાં આ હત્યા હોવાનું સામે આવ્યું. અંતે પોલીસે બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હથિયાર વડે માર મારી હત્યા કરનારા શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. અને ચાર હત્યારાને દબોચી લીધા છે.
ઘટના અંગેની જાણ થતાં બંનેના મૃતદેહ એકબીજાની એકદમ નજીકમાં હતા જ્યારે બાઈક દૂર પડેલા મળ્યા. અને બાઈકનું સ્ટેન્ડ પણ ઉંચુ કરેલું હતું. બંને યુવક રંગપુર સઢલી ગામના મોટા ફળિયામાં રહેતા પિતરાઈ હોવાનું સામે આવ્યું અને બસ ટેકનીકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી સાત મહિનામાં આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. બંને યુવાનોના હત્યારાઓને ઝડપી પાડી તેમની પૂછપરછ કરતાં સામે આવ્યું કે સરખેડા ગામે મસલાભાઈ રાઠવાના ઘરે લગ્ન હતાં. રંગપુરના બંને યુવાનો પિતરાઈ ભાઈઓ હતા અને લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા.
ટીમલીના તાલે તમામ નાચી રહ્યા હતા ત્યારે શૈલેષ રાઠવાએ નરેશની પત્નીના અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો. અને આ નરેશના પિતા માધુ રાઠવાએ જોઈ લીધુ તેણે પુત્રને આ અંગે વાત કરતાં ડાન્સ બંધ કરાવ્યો અને નરેશ અને તેના પિતાએ શૈલેષ સાથે ઝઘડો કર્યો હતો. ત્યાં હાજર લોકોએ આ ઝઘડો શાંત પણ કરાવ્યો બાદમાં શૈલેષ અને તેનો પિતરાઈ દીપકને લઈ રંગપુર જવા નીકળ્યો હતો. પણ અહી નરેશ રાઠવાએ શૈલષનું ઢીમ ઢાળી દેવાનો પ્લાન ઘડ્યો અને અગાઉથી પોતાના મિત્ર અને સુરખેડાના રહેવાસી નરેશ માંગુ રાઠવા અને નારસિંગ તેરસિંગ રાઠવાને બાઇક લઈ આગળ મોકલી દીધા અને જેવો શૈલેષ લગ્ન પ્રસંગની જગ્યાએથી પોતાના પિતરાઇ દીપક સાથે બાઇક ઉપર પોતાના ઘરે રંગપુર જવા રવાના થયો હતો.
ત્યારે નરેશ માધુ અને તેના પિતા માધુ દલા રાઠવાએ તેમનો પીછો કર્યો. આ તરફ ધમોડી ગામના વળાંક ઉપર અગાઉથી ત્યાં પહોંચી ગયેલા સુરખેડાના નરેશ માંગુ રાઠવાએ બાઇક ઉપર જઈ રહેલા શૈલેષને માથામાં છૂટ્ટો પથ્થર મારી દીધો. બાદમાં ચારેય આરોપીઓ તીક્ષ્ણ હથિયાર અને પથ્થર વડે તૂટી પડ્યા, આ તરફ દીપક આ હત્યાનો સાક્ષી હોવાથી તેને પણ મોતને ઘાટ ઉતારી દીધો. અને બાઈકની તોડફોડ કરી તેને દૂર ફેંકી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ પોલીસે આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી ચારેય આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે