ભચાઉમાં જૈન સાધ્વી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતાં ચકચાર
જૈન સાધ્વી જ્યારે વહોરીને પરત ફરી રહ્યા હતા ત્યારે માંડવી ચોકમાં બાઈક સવાર ત્રણ શખ્સોએ હુમલો કરીને ફરાર થઈ ગયા
Trending Photos
ગાંધીધામઃ ભચાઉમાં જૈન સાધ્વી પર હુમલાની ઘટના બની છે. બાઈક સવાર ત્રણ શખ્સોએ જૈન સાધ્વી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે હુમલાખોરોને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો એક્ઠા થઈ ગયા હતા.
જૈન સાધ્વી વહોરીને પરત ફરી રહ્યા હતા ત્યારે માંડવી ચોકમાં બાઈક સવાર ત્રણ શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. બે સાધ્વી ચાલતા જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવીને આ શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. અચાનક આવો હુમલો થતાં સાધ્વી ડઘાઈ ગયા હતા. જોકે, આ હુમલામાં સાધ્વીજીને સામાન્ય ઈજાઓ થઈ હતી.
ઈજાગ્રસ્ત સાધ્વીજીને સ્થાનિક લોકો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ડોક્ટરે તેમની વિસ્તૃત તપાસ કરીને ઈજાના ભાગે ડ્રેસિંગ કરી આપ્યું હતું. સાધ્વીજી પર હુમલાની વાત વાયુવેગે શહેરમાં ફેલાઈ જતાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
સાધ્વી પર થયેલા હુમલાને લઈને જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીઓને પકડવા કવાયત શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીજીઓ પર હુમલાની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. જૈન સમાજ દ્વારા તંત્રને પણ આ અંગે જાણ કરવામાં આવેલી છે. હુમલા કરનારા શખ્સો પકડમાં ન આવતાં જૈન સમાજમાં રોષની લાગણી ફેલાયેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે