101 વર્ષના મોતીબેન સામે કોરોના પણ હાર્યો, ઘરમાં રહીને જ સ્વસ્થ થયા
Trending Photos
મુસ્તાક દલ/જામનગર :ધ્રોલ તાલુકાનાં હજામચોરા ગામનાં 101 વર્ષનાં માજીએ મક્કમ મનોબળ, પરિવારની હુંફ અને યોગ્ય સાવચેતી સાથે 15 દિવસ ઘરમાં જ ક્વોરેન્ટાઇન રહી કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે. શતાયુ વૃદ્ધાએ ઘેર રહી તબીબી માર્ગદર્શન હેઠળ સારવાર મેળવી કોરોનાને હરાવી ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.
થોડા દિવસ પહેલાં થયો હતો કોરોના
હજામચોરા ગામે રહેતા મોતીબેન અવચરભાઇ બારૈયા (ઉંમર 101 વર્ષ) તેમના પુત્ર મનજીભાઇ અને પુત્રવધુ સાથે રહે છે. તેમનો પૌત્ર મનીષભાઇ વ્યવસાયે એડવોકેટ અને ટેક્સ કન્સલ્ટન્ટ છે, જે પૌત્રવધુ સાથે રાજકોટ રહે છે. થોડા દિવસો પહેલા મોતીબેન પૌત્રનાં ઘરે રાજકોટ રોકાવા ગયા હતા. જે દરમ્યાન પ્રથમ પૌત્ર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. ત્યારબાદ પૌત્રવધુને કોરોના થયો હતો. પૌત્ર અને પૌત્રવધુ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. એ બંનેને રિકવરી આવી સાજા થઇ ગામડે આવ્યા હતા. ત્યાં દાદીમા મોતીબેનની તબિયત લથડી હતી.
ઓક્સિજન લેવલ નીચું જતા હોસ્પિટલ ખસેડ્યા હતા
મોતીબેનમાં શરદી, તાવ, કફ અને નબળાઇનાં લક્ષણો જોવા મળ્યા હતા. તેમણે જમવાનું પણ છોડી દીધું હતું. તેમનું ઓક્સિજન લેવલ પણ ૮૭ થી ૮૮ જેટલું થઈ ગયુ હતું. તેથી પૌત્ર મનિષભાઇ તેમને ધ્રોલ સારવાર અર્થે લઇ આવ્યા હતા. ઓછુ ઓક્સિજન લેવલ અને સીઆરપી કાઉન્ટ વધુ આવતા કોરોનાનું ઇન્ફેક્શન હોવાનું નક્કી થયું હતું. ધ્રોલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા લાઇન હોઈ અને માજીને નબળાઇ વધુ હતી. ખાનગી ડોક્ટરે પણ આ ઉંમરે ટ્રીટમેન્ટ કરી રીસ્ક લેવાની ના પાડી હતી. પરંતુ સમજાવટથી તેઓ ટ્રીટમેન્ટ કરવા તૈયાર થયા હતા. આથી પરિવારે સ્થાનિક ડોક્ટરની ટ્રીટમેન્ટ અને સલાહ મુજબ હોમ ક્વોરેન્ટાઇન કરવાનું નક્કી કર્યું.
આ પણ વાંચો : સિંહોમાં કોરોના નીકળતા ગુજરાતમાં ફફડાટ, વનવિભાગ તમામ કર્મચારીઓનો RT-PCR કરાવશે
શતાયુ વૃદ્ધા જાતે કરે છે બધુ કામ
હાલમાં વૃદ્ધા મોતીબેન 101 વર્ષની ઉંમરે પણ પોતાનું તમામ કામ જાતે કરે છે. હવે ખોરાક પણ વ્યવસ્થિત રોજીંદી રીતે લે છે. તે ભોજનમાં સવારે ભરપુર નાસ્તો, બપોરે બે રોટલી શાક તેમજ સાંજે માત્ર ખીચડી લે છે. તેમજ હાલમાં સંપૂર્ણ સ્વસ્થ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે