આણંદમાં તથ્ય કાંડને ભુલાવે તેવો અકસ્માત! જેનિશે લીધો 4નો જીવ, સામે આવી અકસ્માતની ભયાનકતા
આણંદ નાવલી રોડ પર ગુરુવારે એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત જેનીશ પટેલ નામનો નબીરાએ સર્જ્યો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોએ પણ બાદમાં દમ તોડ્યો હતો.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: નાવલી ગામ નજીક અમદાવાદનાં તથ્ય કાંડને ભુલાવે તેવો અકસ્માત સર્જી ચાર લોકોનાં મોત નિપજાવનાર કાર ચાલક આરોપીની આણંદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી તેની વિરૂદ્ધમાં સાપરાધ માનવવધ અને દારૂબંધીની કલમોનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.
નાપાડ ગામનાં જેનીસ પટેલ લંડન પરત જતા પહેલા પોતાનાં મિત્રો સાથે પાર્ટી કર્યા બાદ દારૂનાં નશામાં ધુત થઈ પોતાની કાર પુરપાટ ઝડપે હંકારીને નાવલી ગામ નજીક ગત ગુરૂવારની રાત્રીનાં સુમારે ત્રણ ત્રણ બાઈકોને ટક્કર મારી અકસ્માત સર્જીને ચાર લોકોનાં મોત નિપજાવ્યા હતા, જયારે ત્રણ ધાયલ થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ બાઈકોનો ફુરચે ફુરચા ઉડી ગયા હતા. તેમજ કારનો પણ લોચો વળી ગયો હતો.
આ ધટનાને લઈને લોકોનાં ટોળે ટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ધટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પીટલમાં ખસેડયા હતા. ગોઝારો અકસ્માત સર્જનાર કાર ચાલક જેનિસ પટેલને લંડન પરત જવાનું હોઈ તેને બચાવવા માટે તેના પરિવારે પ્રયાસ હાથ ધર્યા હતા અને કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હોવાની વાતો ફેલાવી હતી.
જો કે પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ કરતા કારમાં એરબેગ પર લોહીનાં ડાઘા પડેલા હોઈ કાર ચાલક પણ ઘાયલ થયો હોવો જોઈએ તેમ માનીને તાત્કાલીક આણંદની જુદી જુદી હોસ્પીટલોમાં તપાસ હાથ ધરતા આણંદની આયરીસ હોસ્પીટલમાંથી અકસ્માત સર્જનાર કાર ચાલક જેનિસ પટેલ મળી આવતા પોલીસે હોસ્પિટલમાં પોલીસ જાપ્તો ગોઠવી દીધો હતો.
ત્રણ દિવસ બાદ કાર ચાલક જેનીસ પટેલને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવતા પોલીસે આરોપી જેનિસ પટેલની અકસ્માતનાં ગુનામાં ધરપકડ કરી તેનું મેડીકલ ચેકઅપ કરાવતા અકસ્માત સમયે જેનીસ પટેલ દારૂનાં નશામાં હોવાનો અહેવાલ મળતા પોલીસે અકસ્માતનાં ગુનામાં સાપરાધ માનવવધ અને દારૂબંધી ધારાની કલમોનો ઉમેરો કર્યો હતો અને તેની પુછપરછ હાથ ધરી છે. આ ગોઝારા અકસ્માતમાં આણંદની હોમિયોપેથીક મેડીકલ કોલેજનાં સુરતનાં વિદ્યાર્થી અને મહુવાની વિદ્યાર્થીનીનું પણ મોત નિપજયું હોઈ વિદ્યાર્થીઓ દ્વારા કાર ચાલકને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી.
આરોપી કાર ચાલક જેનિસ પટેલનાં પિતા નાપાડ ગામનાં સહકારી આગેવાન છે. તેઓ દુધ મંડળીમાં ડિરેકટર પદે કાર્યરત છે. તેમજ બે વર્ષ પૂર્વ જેનીસ પટેલ સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો અને થોડા દિવસો પૂર્વે પરત આવ્યો હતો અને તેને લંડન પરત જવાનું હોઈ તે પોતાનાં મિત્રો સાથે દારૂની મહેફિલ માણવા ગયો હતો. દારૂનાં નશામાં ધુત થઈને તે પોતાની કાર લઈને પરત નાપાડ ગામે જઈ રહ્યો હતો ત્યારે નાવલી ગામ નજીક ત્રણ ત્રણ બાઈકોને અડફેટમાં લઈ અકસ્માત સર્જી ચાર લોકોનાં મોત નિપજાવ્યા હતા.
સમગ્ર ધટનાને નજરે જોનાર ફરીયાદ અરવિંદભાઈનાં જણાવ્યા અનુસાર જેનીસ પટેસએ પોતાની કાર ઓવરસ્પીડમાં હંકારી હતી અને અકસ્માત સમયે કારને બ્રેક મારવાનો પણ પ્રયાસ કર્યો ન હતો પોલીસે હાલમાં તો આરોપીની વધુ પુછપરછ હાથ ઘરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે