કુદરતને પડકાર ફેંકીને કચ્છના ખેડૂતે અશક્યને શક્ય બનાવ્યું
Trending Photos
- હવે એ દિવસો દૂર નહિ હોય જ્યાં ગુજરાતના ખેડૂતો દુનિયાભરના ખેડૂતોને ખેતીના વિકાસમાં નવી રાહ ચીંધશે
- કચ્છમાં શિયાળાની આકરી ઠંડીમાં સ્ટ્રોબેરી થકી ખેડૂતો સારી આવક રળી શકે છે તે કચ્છી ખેડૂતે સાબિત કરી બતાવ્યું
રાજેન્દ્ર ઠાકર/કચ્છ :શું કોઈ વિચારી શકે કે ઠંડા પ્રદેશમાં થતા પાકો કચ્છમાં લઇ શકાય ખરાં. આ અશક્ય વાતને શક્ય કરી બતાવ્યું છે કચ્છના પ્રગતિશીલ ખેડૂતે, જેમણે કચ્છ (kutch)જેવા રણ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરી છે. કચ્છમાં શિયાળા દરમિયાન ઠંડી વધુ પ્રમાણમાં હોય છે, જેનો ફાયદો ઉઠાવીને કચ્છના ખેડૂતે સ્ટ્રોબેરી (strawberry) ની ખેતી કરવાની હિંમત કરી છે. અને આખરે આ ખેડૂતની મહેનત રંગ લાવી છે. આ ખેડૂતના સાહસથી પહેલીવાર કચ્છમાં શિયાળામાં સ્ટ્રોબેરીનું સફળ વાવેતર અને ઉત્પાદન થયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ (man ki baat) કાર્યક્રમમાંમાં પણ કચ્છના રેલડી ગામના પ્રગતિશીલ ખેડૂતનો ઉલ્લેખ કર્યો. કચ્છના ખંતીલા ખેડૂતે સુકાભઠ્ઠ અને પાણીની અછતવાળા રણમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી બતાવી છે. ભૂજના રેલડી ગામના હરેશ ઠક્કરે આધુનિક ટેકનોલોજી સાથે એક એકરમાં 18 હજાર સ્ટ્રોબેરીના રોપા ઉછેર્યા છે. જેમાંથી 5 ટન સ્ટ્રોબેરીનું ઉત્પાદન પણ મેળવ્યું છે. કચ્છમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી આકરી ઠંડી પડે છે. સ્ટ્રોબેરીમાં અન્ય પાકની સરખામણીમાં માત્ર 20 ટકા જ પાણીની જરૂરિયાત રહે છે, જેથી કચ્છમાં શિયાળાની આકરી ઠંડીમાં સ્ટ્રોબેરી થકી ખેડૂતો સારી આવક રળી શકે છે તે ઉદાહરણ તેમણે સ્થાપિત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છના અનેક પ્રગતિશીલ ખેડૂતો ખારેક, દાડમ, કેરી, ડ્રેગનફ્રૂટ અને સફરજનની ખેતીના સફળ પ્રયોગ થકી કમાણી કરી ચૂક્યા છે. કચ્છી ખેડૂતોએ હંમેશા પોતાના કોઠાસૂઝથી ખેતીમાં અનેક પ્રગતિ કરી છે. સ્ટ્રોબેરીની સફળ ખેતી કરનાર કચ્છના ખેડૂત હરેશ ઠક્કર જણાવે છે કે, પ્રધાનમંત્રી (narendra modi) ના 2022 માં ખેડૂતની ડબલ આવકના સપનાને અમારા જેવા ખેડૂતો સાકાર કરશે.
હરેશ ઠક્કરે કચ્છમાં નવેમ્બર મહિનામાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું હતું. તાજેતરમાં 3 દિવસના કચ્છના પ્રવાસે આવેલા રાજ્યપાલે જ્યારે આ પાકની પહેલી સ્ટ્રોબેરીને પોતાના હાથે તોડી અને આરોગી ત્યારે તેઓ ખુશખુશાલ થયા હતા. તેમને હરેશ ઠકકરને વધુ પ્રગતિ કરવા શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
હવે એ દિવસો દૂર નહિ હોય જ્યાં ગુજરાતના ખેડૂતો દુનિયાભરના ખેડૂતોને ખેતીના વિકાસમાં નવી રાહ ચીંધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે