માં બેટી સાથે રમે સાથે ભણે: ગુજરાતમાં અહીં દીકરીઓએ 47 માતાઓને આપ્યું સાક્ષરતાનું જ્ઞાન

સાંજે જ્યારે બાળકો ગૃહકાર્ય કરવા બેસે ત્યારે આવી નિરક્ષર માતાઓને સાથે લઈને બેસે અને પોતાનું ગૃહકાર્ય કરતા જાય અને સાથે સાથે તેમના મમ્મીને ભણાવતા પણ જાય. શરૂઆતમાં આવી 47 માતાઓ પ્રયોગ કરવામાં આવ્યો જેમાં ખુબ સુંદર સફળતા મળી.

માં બેટી સાથે રમે સાથે ભણે: ગુજરાતમાં અહીં દીકરીઓએ 47 માતાઓને આપ્યું સાક્ષરતાનું જ્ઞાન

ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર: મહીસાગર જિલ્લાની બાબલિયા પ્રા. શાળાની વિધાર્થીનીઓએ તેમની 47 માતાઓને સાક્ષરતાનું જ્ઞાન આપ્યું છે. 

જિલ્લાના ખાનપુર તાલુકાના બાબલિયા પ્રા. શાળામાં કોરોના સમય પહેલા બાળકોની એકમ કસોટી તપાસીને તેમના વાલીની સહી કરાવવા માટે કહેતા ઘણા બધા બાળકોએ મારી મમ્મી ભણેલી નથી મારા પપ્પા બહારગામ મજૂરી અર્થે ગયેલ છે તો સાહેબ મને પેડ આપો તો અંગૂઠો પડાવી લાવું. ત્યારે આટલા બધા બાળકો માટે પેડની વ્યવસ્થા થઈ શકે તેમ ન હતી. જેથી શાળાના શિક્ષક શૈલેષ પટેલને વિચાર આવ્યો કે ચાલો આવા બાળકોના મમ્મીને જે નિરક્ષર છે તેમને તેમના બાળકો જ સહી કરતા શીખવાડે સાથે સાથે અક્ષર જ્ઞાન પણ આપે. 

સાંજે જ્યારે બાળકો ગૃહકાર્ય કરવા બેસે ત્યારે આવી નિરક્ષર માતાઓને સાથે લઈને બેસે અને પોતાનું ગૃહકાર્ય કરતા જાય અને સાથે સાથે તેમના મમ્મીને ભણાવતા પણ જાય. શરૂઆતમાં આવી 47 માતાઓ પ્રયોગ કરવામાં આવ્યો જેમાં ખુબ સુંદર સફળતા મળી. માતા જે બિલકુલ નિરક્ષર હતી અને અગાઉ સરકારની યોજના માં સાક્ષર થયેલી હતી, પરંતુ ઘણો લાંબો સમય થયો હોવાથી અક્ષરજ્ઞાન ભૂલી ગયા હતા તેમનું જ્ઞાન પાકું થયું. 

માતાઓને અક્ષરજ્ઞાન મૂળાક્ષર જ્ઞાનની સાથે સાથે દૂધની સ્લીપ વાંચતા થાય, એસટી બસનું બોર્ડ વાંચી શકે, નાણાની ગણતરી કરી શકે, બેન્ક સ્લીપ ભરતા આવડે, બસની ટિકિટમાં ભાડું જોઈ શકે આવી નાની નાની બાબતો પણ જે તેમના જીવનમાં ઉપયોગી છે તેવી બાબતો પણ બાળકો હોંશે હોંશે તેમની માતાઓને આ ભણાવે છે. સર્વે કરી હાલ 86 માતાઓ માટે આ કાર્યક્રમ ખુલ્લો મુકેલ છે. બાળાઓ તેમની માતાઓને પણ ભણાવી રહી છે. તમામ પુસ્તિકામાં રંગપૂરણી માટેની પ્રવૃત્તિ શૈક્ષણિક સાધન સામગ્રી શાળા દ્વારા પૂરી પાડવામાં આવે છે. 

8 મી માર્ચ વિશ્વ મહિલા દિન ઉજવણીના ભાગરૂપે માં બેટીનું એક સંમેલન રાખી અને નાનકડો મહિલા રમતોત્સવ યોજવાનું આયોજન પણ શાળા દ્વારા કરવામાં આવેલ છે. જેમાં સાક્ષર થયેલી માતાઓ અને તેમને સાક્ષર કરવા માટે પ્રયત્ન કરેલી બાળાઓ સાથે નાની-નાની રમતો જેવી કે લોટ કુકણી, સંગીત ખુરશી, સો મીટર દોડ, લીંબુ ચમચી, જેવી નાની-નાની રમતો પોતાની બાળાઓ સાથે રમશે અને માતાઓ પોતાનું બચપણ યાદ કરશે. 

તેમજ માતાઓ સાક્ષર થઈ છે તેમને પ્રોત્સાહન રૂપે શાળા પરિવાર તરફથી ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે અને ખરેખર જેમણે અથાક પ્રયત્ન કરી પોતાની માતા સાક્ષર બનાવવાનો પ્રયત્ન કર્યો છે તે બાલિકાઓને પણ ઇનામ આપી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે. જયારે આ બાબતની શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને ખબર પડતાં તેવી માતાઓનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું અને દિકરીઓને પણ પ્રોત્સાહન આપવામા આવ્યું હતું. 
 

Trending news