મોંઘાદાટ ખાદ્યતેલ સામે આદિવાસીઓ માટે આર્શિવાદરૂપ છે મહુડાનું તેલ, જાણો ફાયદા
મોડી રાતથી વહેલી સવારે મહુડાના વૃક્ષ પરથી ડોળી બીજ પડતા હોય છે, જેથી આદિવાસીઓ ઉજાગરા કરી ડોળી બીજ વીણે છે, ક્યારેક તો મહુડાની ફરતે લાઈન પણ લાગે છે. ડોળી વિણ્યા બાદ ઘરે લઈ જઈ, બીજને ફોડવામાં આવે છે અને તેને પાણીમાં ધોયા બાદ સૂકવવામાં આવે છે.
Trending Photos
ધવલ પારેખ, નવસારી: પ્રકૃતિના ખોળે રહેતા આદિવાસીઓ પાસે અનેક આરોગ્યવર્ધક ઔષધિઓનો ખજાનો પડ્યો છે. ખાસ કરીને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈ શકાય એવા ઘણા છોડ અને ઝાડના બીજ, પાંદડા છે જેના થકી આદિવાસીઓ ઉર્જાવાન રહે છે. જેમાનું જ એક ઝાડ છે મહુડો. મહુડાનાં ફળ દોડીમાંથી મળતુ ખાદ્ય તેલ અસહ્ય મોંઘવારી સામે ઘણું સસ્તુ હોવાથી આદિવસીઓ માટે આશિર્વાદરૂપ બન્યુ છે.
નવસારીના આદિવાસી પટ્ટના વાંસદા તાલુકામાં પ્રાકૃતિક ઔષધીય ગુણ ધરાવતા વૃક્ષોમાં મોટા પ્રમાણમાં મહુડાના વૃક્ષો થાય છે. મહુડામાંથી માદક પીણું બનતુ હોવાનું જાહેર છે, પરંતુ એજ મહુડાના ડોળી એટલે બીજમાંથી આરોગ્યવર્ધક તેલ પણ મળે છે. જૂનથી ઓગસ્ટ મહિના સુધી આદિવાસીઓ મહુડાના ઝાડ નીચે પડતા બીજ (ડોળી) વીણે છે. મોડી રાતથી વહેલી સવારે મહુડાના વૃક્ષ પરથી ડોળી બીજ પડતા હોય છે, જેથી આદિવાસીઓ ઉજાગરા કરી ડોળી બીજ વીણે છે, ક્યારેક તો મહુડાની ફરતે લાઈન પણ લાગે છે. ડોળી વિણ્યા બાદ ઘરે લઈ જઈ, બીજને ફોડવામાં આવે છે અને તેને પાણીમાં ધોયા બાદ સૂકવવામાં આવે છે. લગભગ અઠવાડિયું સુકવ્યા બાદ બીજને લઈને આદિવાસીઓ કાચી ધાણીવાળાને ત્યાં પહોંચે છે. વહેલી સવારથી ઘાણીવાળાને ત્યાં પણ લાઈન લાગે છે અને મહુડાનાં ડોળી બીજનું પીલાણ કરીને ખાદ્ય તેલ કાઢવામાં આવે છે.
આદિવાસીઓ સીંગતેલ કે કપાસિયા તેલને બદલે મહુડાના ડોળી તેલનો વધુ ઉપયોગ કરે છે. કારણ મહુડાનાં બીજનું તેલ ઉપયોગમાં ઓછું વપરાય છે અને એનો સ્વાદ પણ આદિવાસીઓને પ્રિય છે. ખાસ કરીને મહુડાનું તેલ બેડ કોલેસ્ટ્રોલ થવા દેતું નથી, સાથે જ તેલના સેવન બાદ આદિવાસીઓ પોતાને ઉર્જાવાન અનુભવે છે. જેથી મહુડાનું તેલ હૃદયના શ્રેષ્ઠ મિત્ર તરીકે કામ કરે છે. બીજી તરફ તેલનો ગુણધર્મ ગરમ હોવાને કારણે માલિશ માટે પણ એનો ઉપયોગ થાય છે. લોકો સ્નાયુના દુઃખાવામાં મહુડાના તેલનો ઉપયોગ કરતા હોય છે.
આદિવાસી પટ્ટામાં મળતા મહુડાના ઝાડમાંથી પડતા ડોળીના બીજમાંથી બનતા તેલને નિષ્ણાંતો પણ ખાવા માટે શ્રેષ્ઠ માની રહ્યા છે. જેના માટે નવસારી કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઑફ ફોરેસ્ટ્રીના નિષ્ણાંત છેલ્લા થોડા વર્ષોથી મહુડા ઉપર સંશોધન કરી રહ્યા છે. જેમાં કુદરતી ઘી ગણાતા મહુડાના બીજમાંથી સારી ગુણવત્તાના વૃક્ષ ઉગાડવાના પ્રયાસો કરી રહ્યા છે, જેથી મહુડાની ખેતી કરી શકાય અને એના બીજ ડોળી દ્વારા સંપૂર્ણ કુદરતી શુદ્ધ તેલ બનાવી શકાય.
આદિવાસી વિસ્તારોમાં કુદરતી રીતે થતા મહુડાના ફૂલ અને બીજના લાભોને ધ્યાનમાં લેવામાં આવે, તો એક ઉત્તમ ઔષધિ છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા ઉત્તમ ગુણવત્તાના મહુડાના વૃક્ષોનો ઉછેર પર સંશોધન આદિવાસીઓને એક નવી આર્થિક ક્ષમતા આપવાનો પણ પ્રયાસ કહી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે