મહેસાણા: દૂધસાગર ડેરીના રાજકારણનો રંગ રાતો થયો! હવે ચૌધરી સમાજમાં બે ફાડિયાં

સત્ય સમર્થન મહાસંમેલનમાં ચૌધરી સમાજના અગ્રણીઓએ આંજણા સમાજનો દુરુપયોગ અને અર્બુદા માતાના નામે રાજકારણ કરવાનું બંધ કરો એવા નિવેદનો કર્યા હતા.

 મહેસાણા: દૂધસાગર ડેરીના રાજકારણનો રંગ રાતો થયો! હવે ચૌધરી સમાજમાં બે ફાડિયાં

તેજસ દવે/મહેસાણા: મહેસાણા જિલ્લામાં દૂધસાગર ડેરીના રાજકારણનો રંગ રાતો થતો જઈ રહ્યો છે, કારણ કે એક તરફ વિપુલ ચૌધરી જૂથના સંમેલન સામે જડબાતોડ જવાબ આપવા દૂધસાગર ડેરી ચેરમેન અશોક ચૌધરી જૂથે આજે સંમેલન યોજયું છે. અશોક ચૌધરી જૂથ દ્વારા દૂધ ઉત્પાદક હીત રક્ષક સમિતિના નેજા હેઠળ સત્ય સમર્થન મહાસંમેલન યોજવામાં આવ્યું હતું.

સત્ય સમર્થન મહાસંમેલનમાં ચૌધરી સમાજના અગ્રણીઓએ આંજણા સમાજનો દુરુપયોગ અને અર્બુદા માતાના નામે રાજકારણ કરવાનું બંધ કરો એવા નિવેદનો કર્યા હતા. તેમજ ભ્રષ્ટાચાર કર્યો હોય તો સજા થવી જોઈએ અને ભ્રષ્ટાચાર કરેલા રૂપિયા પરત આવવા જોઈએ એવી માંગણીઓ સંમેલનમાં કરવામાં આવી હતી અને મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આ સભામાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઊમટ્યા હતા, જેમાં અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે ચૌધરી સમાજ સત્યને સમર્થન આપવા માટે ભેગો થયો છે. જે લોકો વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કરતા હતા તેમને જવાબ આપવા અને સમાજ ગેરમાર્ગે ન દોરાય એને લઇને આજે સમાજ ભેગો થયો છે. 

અશોક ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરીની ધરપકડ થઈ છે, તે કોર્ટના આદેશ પ્રમાણે તપાસ બાદ ભ્રષ્ટાચાર થયું હોવાનું બહાર આવતાં આ પગલાં લેવાયાં છે. સાચી વાત લોકો સુધી પહોંચે તેને લઇને આ સભાનું આયોજન કરાયું છે, જેમાં ચૌધરી સમાજના લોકોએ સંકલ્પ કર્યો છે કે આ કેસમાં વધુ ને વધુ તપાસ થાય, અમે સત્યના સમર્થનમાં, એટલે કે સરકારના સમર્થનમાં છીએ, વિપુલ ચૌધરીના નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news