ધંધે લગાડવાના ધંધા: દેવુ વધી જતાં જેટકોના કર્મચારીએ કર્યું અપહરણનું નાટક!

Kinapping In Morbi : મોરબીમાં એક યુવકે ખોટું કહીને મોરબી પોલીસને દોડતી કરી હતી... શેરબજારમાં રૂપિયા ગુમાવનાર યુવકે પોતાના અપહરણનું નાટક રચ્યું
 

ધંધે લગાડવાના ધંધા:  દેવુ વધી જતાં જેટકોના કર્મચારીએ કર્યું અપહરણનું નાટક!

Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ચરાડવા ગામે જેટકોની ઓફિસમાં ફરજ બજાવતો હેલ્પર ઓફિસેથી નીકળ્યો હતો. ત્યાર બાદ તે પોતાના ઘરે આવ્યો ન હતો. જેથી કરીને બે શખ્સો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે તેવો તેના પરિવારજનોને ફોન કરીને સ્ટોરી ઊભી કરી હતી. આ બાદ પોલીસે તેની તપાસ શરૂ કરી હતી. જો કે, જેટકોનો આ કર્મચારી હાલમાં દિલ્હીથી મળી આવ્યો હતો. પોતાના પર દેણું વધી ગયું છે અને શેરબજારમાં તેને ૨૫ થી ૩૦ હજાર ગુમાવ્યા હોવાથી તે પોતાની જાતે જ જતો રહ્યો હતો તેવું તેને પોલીસને જણાવ્યુ હતું.

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રામધન આશ્રમની સામેના ભાગમાં આવેલ રામેશ્વર હાઈટસમાં રહેતા 27 વર્ષીય મેહુલ મનસુખભાઈ ઈઢાટીયાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના ભાઈ અમિત મનસુખભાઈ ઈઢાટીયા (૩૦) નું અપહરણ થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, તેનો ભાઈ અમિત મનસુખભાઈ ઇટાલીયા ચરાડવા ગામે આવેલ જેટકોની ઓફિસમાં હેલ્પર તરીકે ફરજ બજાવે છે. ગત તા. ૪ એપ્રિલના રોજ સવારે ૭:૩૦ વાગ્યે જેટકોની ઓફિસે નોકરી ઉપર જવા માટે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ રાતના ૧૦:૩૦ વાગ્યા સુધી ઘરે આવ્યો ન હતો. જેથી તેને શોધતા હતા અને અમિત ગુમ થયેલ છે તેવી અરજી હળવદ પોલીસને આપવામાં આવી હતી. 

આ દરમ્યાન અમિતે તા.૭ ના રોજ પિતા મનસુખભાઈને ફોન કરીને બે અજાણ્યા માણસો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે તેવું કહ્યું હતું. જેથી અમીતના ભાઈની ફરિયાદ લઈને પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જો કે, આ બનાવમાં ખોદ્યો પહાડ અને નીકળ્યો ઉંદર તેવો ઘાટ સર્જાયો છે.

હાલમાં હળવદના ઇનચાર્જ પીઆઇ વિપુલ ગોલ પાસેથી મળતી માહિતી મુજબ જેનું અપહરણ કરવામાં આવ્યું છે તેવી ફરિયાદ નોંધાઈ હતી, તે અમિત મનસુખભાઈ ઈઢાટીયા (૩૦) હાલમાં હેમખેમ દિલ્હીથી તેના પરિવારજનોને મળી આવ્યો છે. અમિત ઈઢાટીયાએ જણાવ્યું કે, તેને શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું અને તેમાં તેને ૨૫ થી ૩૦ હજારનું નુકશાન થયું હતું. જેથી કરીને તેને પોતાનું બાઇક તેના મિત્ર પાસે ગીરવે મૂક્યું હતું અને તેને પોતાના મકાનનું ૭૦૦૦ રૂપિયા ભાડું પણ આપવાનું હતું. જેથી કરીને આર્થિક મૂંઝવણના લીધે તે ઘરેથી ઓફિસે ગયા પછી પોતાની જાતે જ અમદાવાદ ત્યાંથી ગોરખપુર અને દિલ્હી સુધી ચાલ્યો ગયો હતો અને તેના પરિવારના સભ્યને ફોન કરીને પોતે દિલ્હીમાં હોવાની જાણ કરી હતી જેથી તેના પરિવારજનો તેને દિલ્હીથી લઈને આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news