રાજકોટમાં તડકો લાગવાથી 72 લોકો ઢળી પડ્યા, આરોગ્ય વિભાગે આપી ચેતવણી

Heatwave Alert : હજુ બે દિવસ ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી, ગઈકાલે અમરેલીમાં સીઝનનું સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે રાજકોટમાં પારો ઉપર જતા લોકોની તબિયત લથડી

રાજકોટમાં તડકો લાગવાથી 72 લોકો ઢળી પડ્યા, આરોગ્ય વિભાગે આપી ચેતવણી

Rajkot News : ગુજરાત છેલ્લા ત્રણ દિવસથી અગનભઠ્ઠી બન્યું છે. ઉત્તર-પૂર્વના ગરમ પવનો સીધા જમીન તરફ આવતાં ગુજરાતના મોટા ભાગનાં શહેરોમાં ગરમી વધી છે. 17 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સીઝનનું સૌથી વધુ 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ સાથે અમરેલી જિલ્લો બુધવારે દેશમાં સૌથી વધુ ગરમ જિલ્લો બન્યો હતો. ત્યારે રાજકોટવાસીઓની હાલત બગડી છે. રાજકોટમાં આજે રેકોર્ડ બ્રેક 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં રાજકોટ શહેરમાં જ તડકો લાગવાથી 72 લોકો ગઈકાલે બેભાન થયા હતા. 

રાજકોટ શહેરમાં ગઈકાલે રેકોર્ડ બ્રેક 44 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી હીટવેવની સ્થિતિ છે. કાળઝાળ ગરમીનો પારો 43.8 ડિગ્રીને ઉપર જ રહેતો હોય છે. આવામાં રાજકોટ શહેરમાં જ તડકો લાગવાથી 72 લોકો ગઈકાલે બેભાન થયા હતા. 

રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ જણાવ્યું કે, છેલ્લા 48 કલાકમાં ગરમીના કારણે બેભાન થવું, ડાયારિયા, ઉલ્ટી, ફીવર,ઉબકા,માથું દુખવું,ચક્કર આવવાં જેવા કેસો સામે આવ્યા છે. તો 108 ના કોલમાં પણ સતત વધારો થયો છે. અમારી સલાહ છે કે, બાળકો,અને સિનિયર સિટીઝન ગરમીમાં ખાસ ધ્યાન રાખે. આગામી પાંચ દિવસ સુધી તાપમાના સતત વધારો થશે. લુ-લાગવાથી હિટ સ્ટ્રોકના બનાવો વધી શકે છે.

રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા-ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણ
 
ગુજરાતના લોકોને હવે આકરી ગરમીથી રાહત મળવા જઈ રહી છે. હવામાન વિભાગની નવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યુ કે, રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળવાની છે. પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થશે. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. 

આજના હવામાન વિભાગના અપડેટ અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાયું છે. ગરમી અને ભેજના કારણે દરિયાઈ વિસ્તારોમાં અસર અનુભવાય છે. ગઈકાલે અમરેલીમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

લૂ થી બચવા આટલું કરો:

  • રેડિયો સાંભળો, ટી.વી. જૂઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાંથી માહિતી મેળવો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું. 
  • વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
  • શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો. વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા. જો તમે ઘર ની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન-ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો.
  • લૂ લાગવાની સૌથી વધુ સંભાવના છે તેવા બાળક, સગર્ભા, વૃદ્ધ, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિની વિશેષ કાળજી લેવી.

 કામદાર અને નોકરીદાતાઓએ આટલું ધ્યાન રાખવું:
કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુધ્ધ પાણી, છાશ, ORS, પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી. કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળવી તેમજ વધુ મહેનત લાગે તેવું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવું.
બહારની પ્રવૃત્તિઓ માટે વિશ્રાંતી સમય અને તેની સંખ્યા વધારવી. જે કામદાર વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલ નથી તેમને હળવું તેમજ ઓછી અવધી માટે કામ આપવું. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપવું. કામદારો ને હીટ વેવ એલેર્ટ વિશે માહિતગાર કરી, શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહી, ઘરગથ્થુ ઉપાય કરવા. જેવા કે કાચી કેરી સાથે ડુંગળીનું ધાણાજીરુ નાખેલું કચુંબર લૂ લાગવાની શક્યતા ઘટાડી શકે છે. પંખાનો ઉપયોગ કરવો અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા.
કાર્યાલય કે રહેઠાણના સ્થળે આવતાં ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવવું. કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરો, જેથી ગ્લોબલ વોર્મીંગ અને ગરમીનું પ્રમાણ ઘદડી શકાય. સૂકા પાંદડા, ખેતીનો કે અન્ય કચરો બાળવો નહીં. પાણીનાં સ્ત્રોતનું રક્ષણ કરવું અને વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા કરવી. ઊર્જા કાર્યદક્ષ સાધનો, શુદ્ધ બળતણ અને ઊર્જાના વૈકલ્પીક સ્ત્રોતનો ઉપયોગ કરવો. જો ચક્કર આવતા હોય કે બીમાર હોવ તો તરત જ તબીબી સલાહ લો અથવા ઘરના કોઇપણ સદસ્યને જાણ કરો.

લૂ લાગે તો આ સારવાર કરો:
ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા લૂ લાગી હોય તે વ્યક્તિના માથા પર પાણી રેડવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ અથવા લીંબુ સરબત જેવું ઠંડુ પ્રવાહી આપવું. વ્યક્તીને તાત્કાલીક નજીકના સ્વાસ્થય કેન્દ્ર ઉપર લઇ જવા. જો શરીરનું તાપમાન એકધારુ વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઊલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલસ બોલાવવી.

આટલું ન કરો:
બપોરના સમયે તડકામાં જવાનું ટાળવું. ના છૂટકે બપોરના સમયે બહાર જવાનું થાય તો શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી. ખુલ્લા પગે બહાર ન જવું. આવા સમયે રસોઇ ન કરો, બને તો રસોઈ વહેલા કરી લેવી. રસોડામાં હવાની અવર-જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખવા. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે શરાબ, ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ લેવાનું ટાળો. પ્રોટીનની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહારને ત્યજો. આ ઉપરાંત પાર્ક કરેલા વાહનમાં પાળતુ પ્રાણી કે બાળકોને એકલા ન રાખો. વધારે પડતી રોશની વાળા વિજળીના બલ્બનો ઉપયોગ ટાળો અને જરૂર ના હોય તો કોમ્પ્યુટર કે બીજા ઊપકરણને બંધ રાખો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news