ગુજરાતમાં ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારની ખોલી રહ્યાં છે પોલ, જેઠા ભરવાડ બાદ આ સાંસદે ઉઠાવ્યો અવાજ

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી છે. વર્ષ 2023ના માનરેગાના ડેડીયાપાડા,તિલકવાળા અને નાંદોદનું ઓનલાઇન ટેન્ડર મંગાવ્યું હતું.

ગુજરાતમાં ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારની ખોલી રહ્યાં છે પોલ, જેઠા ભરવાડ બાદ આ સાંસદે ઉઠાવ્યો અવાજ

ઝી બ્યુરો/નર્મદા: ભરૂચના સાંસદ હંમેશાં પોતાના નિવેદનનો કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે મનસુખ વસાવાએ ફરી એકવાર ભ્રષ્ટાચારને લઈને પોતાની જ સરકાર સામે બાયો ચડાવીને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી છે. વર્ષ 2023ના માનરેગાના ડેડીયાપાડા,તિલકવાળા અને નાંદોદનું ઓનલાઇન ટેન્ડર મંગાવ્યું હતું. જ્યારે ટેન્ડર ખુલ્યું ત્યારે તાલુકા, જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓના માળતીયાઓની એજન્સીના ટેન્ડર ન લાગતા ટેન્ડર રદ કરવામાં આવ્યા છે અને તત્કાલિક નવા ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. જેમાં અધિકારીઓના મળતીયાઓને અનુકુળ ગાઈડલાઈનાં ફેરબદલ પણ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. 

મનસુખ વસાવાએ આક્ષેપ લગાવ્યો હતો કે, ક્ષમતા વગરની એન્જિસીઓ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈ રહી છે. નીચા ભાવો ભરાશે જેનાથી કામની ગુણવત્તા પર પણ અસર થશે. સરકારને વિનંતી કે ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ આચનારા અને મદદ કરનારા અધિકારીઓ મળતીયા સામે પગલાં લે. કેટલીક એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોએ એડવાન્સમાં અધિકારીઓને નાણાંકીય વ્યવહાર કરી દીધો છે. મનસુખ વસાવાએ ટેન્ડર પ્રક્રિયામાં થયેલ ગેરરીતિ વિશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ઉચ્ચ અધિકારીઓ, ડી આરડીએના નિયામક અને તેમના સ્ટાફ સામે પગલાં ભરવા રજુઆત કરવાનું પણ જણાવ્યું છે. 

સોશિયલ મીડિયામાં લખેલી પોસ્ટ...!!!
મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં લખેલી પોસ્ટમાં લખ્યું છે કે, નર્મદા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી થકી ચાલુ વર્ષ 2023 ના મનરેગાના કામોનું ડેડીયાપાડા, તિલકવાડા, નાંદોદ નું ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવેલ અને જાહેરાત મુજબ જે તે એજન્સીઓ એ મટીરીયલ સપ્લાય માટે ટેન્ડર ભર્યા હતા. પરંતુ ટેન્ડર ખુલતા તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ તથા કેટલાક પદાધિકારીઓ ના મળતીયાઓની એજન્સીઓ ના ટેન્ડર ન લાગતા ખોટી રીતે તાત્કાલિક ટેન્ડર રદ કરવામાં આવ્યા અને તરત ખુબજ ઝડપથી નવા ટેન્ડરની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. 

પ્રથમ વખત ટેન્ડરની જે ગાઈડલાઈન હતી તેમાં સુધારો વધારો કરી ગાઈડલાઈન હળવી કરી અધિકારીઓ, પદાધિકારીઓના મળતીયાઓ ને અનુકૂળ, ગાઈડલાઈન માં સુધારો કર્યો. હવે ચિંતા એ બાબતની છે કે જેમની ક્ષમતા નથી તેવી એજન્સીઓ પણ ઓનલાઈન ટેન્ડર ભરશે અને ખુબજ નીચા ભાવ ભરાશે તો કામોમાં ગુણવત્તા જળવાશે નહીં અને મારી પાસે એ પણ માહિતી છે કે કેટલીક એજન્સીઓ, કોન્ટ્રાક્ટરો એ એડવાન્સમાં નાણાકીય વ્યવહાર કર્યા છે.

આ બાબતે હું રાજ્ય સરકાર અને ભારત સરકાર ના ઉચ્ચ અધિકારીઓ ને આ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતી કરનારાઓ, જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ, DRD નિયામક તથા તેમનો સ્ટાફ અને તાલુકામાં જેઓએ ટેન્ડર પ્રક્રિયામાં સહયોગ આપ્યો છે તેવા કર્મચારીઓ ની સામે પણ પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે મુજબની રજુઆત કરીશ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news