વડોદરામાં પેટ્રોલપંપની નોઝલ ચાલુ કરી જાહેરમાં ફુવારા ઉડાવ્યા, મેનેજરની કેબિનમાં તોડફોડ બાદ પૈસા ઉછાળ્યા

ગત મોડી રાત્રે આશરે ત્રણેક વાગ્યે એક નગ્ન યુવક પેટ્રોલ પંપ પર અચાનક ધસી આવ્યો હતો. બેકાબૂ બનેલા આ યુવક દ્વારા પેટ્રોલ પંપની નોઝલ ખોલી ચારે તરફ પેટ્રોલના ફુવારા ઉડાડવામાં આવ્યા હતા. 

વડોદરામાં પેટ્રોલપંપની નોઝલ ચાલુ કરી જાહેરમાં ફુવારા ઉડાવ્યા, મેનેજરની કેબિનમાં તોડફોડ બાદ પૈસા ઉછાળ્યા

હાર્દિક દિક્ષીત/વડોદરા: શહેરના છેવાડે આવેલા એક પેટ્રોલ પંપ પર મોડી રાત્રે એક યુવકે પેટ્રોલ પંપ માથે લીધો હતો. એટલેથી ન અટકતા આ યુવકે પેટ્રોલ પંપની નોઝલ ખોલી ચારે તરફ પેટ્રોલના ફુવારા ઉડાવતા ભારે નાસભાગ મચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના છેવાડે આવેલા ભીમપુરા ગામના મુખ્ય માર્ગ પર એક પેટ્રોલ પંપ આવેલો છે. ગત મોડી રાત્રે આશરે ત્રણેક વાગ્યે એક નગ્ન યુવક પેટ્રોલ પંપ પર અચાનક ધસી આવ્યો હતો. બેકાબૂ બનેલા આ યુવક દ્વારા પેટ્રોલ પંપની નોઝલ ખોલી ચારે તરફ પેટ્રોલના ફુવારા ઉડાડવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે રાત્રિ ના સમયે ગ્રાહકો ન હોવાના કારણે પેટ્રોલ પંપ પર હાજર કર્મચારીઓ પેટ્રોલ પંપની અન્ય કેબિનમાં હાજર હતા, દરમિયાન આ યુવકે પેટ્રોલ પંપ બહાર ભારે ધમાલ મચાવી હતી. ભીમપુરા સ્થિત પેટ્રોલ પંપ બહાર હાથમાં પંપની નોઝલ પકડી પેટ્રોલના ફુવારા ઉડાવનાર આ યુવક આટલેથી ન અટકતા જોતજોતામાં પેટ્રોલ પંપમાં આવેલી મેનેજરની કેબિન સુધી પહોંચી ગયો હતો, તેમજ કેબિનમાં ભારે હંગામો મચાવ્યો હતો. પેટ્રોલ પંપના કર્મચારીઓને આ યુવકની કરતૂત વિશે જાણ થતાં કર્મચારીઓ યુવકને અટકાવવા કેબિનમાં પોહોચ્યા હતા, જ્યાં કર્મચારીઓને જોઈને યુવક રોષે ભરાયો હતો.

રોષે ભરાયેલા આ યુવક દ્વારા પેટ્રોલ પંપના મેનેજરની કેબિનમાં તોડફોડ કરવામાં આવી હતી. યુવકે કેબિનની અંદર રહેલા કોમ્પ્યુટર સહિતની સામગ્રીઓને ભારે નુકશાન પહોચાડ્યું હતું. પેટ્રોલ પંપ પર નગ્ન અવસ્થામાં ધસી આવેલા આ યુવક દ્વારા દ્રોવર માંથી પૈસાનું બંડલ કાઢી પૈસા ઉછાળવામાં આવ્યા હતા.

પેટ્રોલ પંપ પર હાજર કર્મચારીઓ દ્વારા બેકાબૂ બનેલા યુવકને રોકવા જતા આ યુવકે કર્મચારીઓ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં  પોતાની જાતને નુકશાન પોહોચાડ્યું હતું. યુવકે મેનેજરની કેબિનમાં મૂકેલા ટેબલ પર જોરજોર માથું પછાડતા યુવક બેભાન થઈ ગયો હતો. આખી આ ઘટના પેટ્રોલ પંપ પર લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ છે. યુવકે ટેબલ પર માંથા પછાડ્યા બાદ પેટ્રોલ પંપ પર હાજર કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો હતો. પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા સમગ્ર ઘટનાની જાણ તાલુકા પોલીસને કરાતા મધ રાત્રિએ જ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

તાલુકા પોલીસ દ્વારા આ યુવકની પૂછપરછ કરાતાં આ યુવક મૂળ ભોપાલનો વતની હોવાનું સામે આવ્યું છે. હાલ વડોદરામાં તે તેની માતા સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. આ યુવક પહેલા બેંકમાં નોકરી કરતો હતો. તેની તબિયત સારી ન રહેવાના કારણે તેમજ માનસિક સંતુલન ગુમાવવાના કારણે તેને નોકરી પરથી છૂટો કરી દેવામાં આવ્યો હતો.

હાલ આ યુવકની મનોચિકિત્સક પાસે સારવાર પણ ચાલી રહી છે. ત્યારે પેટ્રોલ પંપના માલિક ગિરીશ ભાઈ ભોજક એ યુવકની મનોસ્થિતિ સમજી માનવતાની દ્રષ્ટિ એ આ અસ્થિર મગજના યુવક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે આ યુવક દ્વારા પેટ્રોલ પંપ પર પેટ્રોલ તેમજ કોમ્પ્યુટર સહિતની સામગ્રીને નુકસાન પોહચાડાતા પંપના માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news