સાંસદ નારણ કાછડીયાના આરોપો પર નીતિન પટેલે આપ્યો જવાબ, કહી આ વાત
સાંસદ નારણ કાછડીયાના આરોપો પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મૌન તોડ્યુ છે. નીતિન પટેલે તબક્કાવાર તમામ આરોપોના જવાબ આપ્યા છે.
Trending Photos
ગાંધીનગરઃ રાજ્યમાં નવી સરકારની રચના થયા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સતત ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા સાંસદ નારણ કાછડીયાએ નીતિન પટેલ પર આરોપો લગાવ્યા હતા. નારણ કાછડીયાએ કહ્યુ હતુ કે નીતિન પટેલ અમારી સામે પણ નહોતા જોતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે નીતિન પટેલને કારણે સૌની યોજના પાછી ઠેલાઈ હતી. હવે નીતિન પટેલે નારણ કાછડીયાને વળતો જવાબ આપ્યો છે.
શું બોલ્યા નીતિન પટેલ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે છેલ્લા બે દિવસથી માધ્યમોમાં મે સમાચાર જોયા છે. નારણ કાછડીયા અમારા સીનિયર સાંસદ છે. પોતાના વિસ્તારના કામ માટે અમારે ત્યાં મુલાકાત લેતા હતા. તમામ ધારાસભ્યો અને નેતાઓ અમારે ત્યાં આવતા હોય છે. નીતિન પટેલે કહ્યુ કે નાણામંત્રી, માર્ગ મકાન અને આરોગ્ય મંત્રી તરીકે મેં કામ કર્યુ છે. હું અને ભૂપેન્દ્રસિંહ વરિષ્ઠ મંત્રી હતા. બધા જાણે છે કે મારે ત્યાં 500-700 લોકો મુલાકાત લેતા હતા. જેમાં ધારાસભ્યો અને સાંસદો પણ આવતા હતા. મને ખ્યાલ નથી કે નારણ કાછડીયા મીડિયામાં કેમ આ રીતે બોલ્યા છે.
નીતિન પટેલે કહ્યુ કે, મેં મહેસાણામાં કિધેલી વાતનો ઉલ્લેખ કેમ કર્યો તે સમજાતું નથી. પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, અમારી પાસે 25 ટકાથી વધુ રજૂઆતો બદલીની હોય છે. નારણ ભાઈે ક્યા ડોક્ટર માટે શું વાત કરી, કોના વિશે ફરિયાદ કરી તે મારા ધ્યાનમાં નથી. કોરોનાના મુશ્કેલ સમયમાં આરોગ્ય વિભાગના ડોક્ટરોએ નાના ગામડાઓમાં જે કામગીરી કરી તે પ્રશંસાપાત્ર છે.
સૌની યોજના પર આપ્યો જવાબ
નીતિન પટેલે કહ્યુ કે, સિંચાઈ વિભાગની જવાબદારી મારી પાસે નહોતી. સૌની યોજનાની જવાબદારી સિંચાઈ વિભાગ પાસે આવે છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સૌની યોજનાની જાહેરાત કરી હતી. જાહેરાત વખતે હું સિંચાઈ મંત્રી હતો અને ફેઝ-1નું કામ તે વખતે મેં કર્યું હતું. આ યોજનાની શરૂઆત નરેન્દ્ર ભાઈએ રાજકોટથી કરી હતી. ત્યારબાદ બાબુ બોખિરિયા અને નાનુ વાનાણી સિંચાઈ મંત્રી હતી. છેલ્લા 5 વર્ષથી વિજયભાઈ પાસે સિંચાઈ વિભાગ હતો. ત્રણેય સિંચાઈ મંત્રીઓ સૌરાષ્ટ્રના હતા અને તેમની દેખરેખ હેઠળ કામગીરી થતી હતી.
નીતિન પટેલે કહ્યુ કે, જે સમયે ફેઝ-1ની જવાબદારી મારા પર હતી તે સમયે તમામ કામ સમયાનુસાર થયા હતા. 1 લાખથી વધુ ચેકડેમ ગુજરાતમાં બનાવવામાં આવ્યા હતા. જેમાં 60 હજારથી વધુ ડેમો સૌરાષ્ટ્રમાં બનાવ્યા છે. સૌરાષ્ટ્રના ખેડૂતોમાટે મેં ખુબ કામ કર્યુ છે. ખેડૂતોને સિંચાઈ, પીવાનું પાણી મળે તે માટે અનેક કામ કર્યા છે. સાવરકુંડલાના બાયપાસ વિશે નીતિન ભાઈએ કહ્યુ કે, તે મેં મંજૂર કર્યો હતો. તેનું મોટાભાગનું કામ થઈ ગયું છે. પરંતુ રેલવેને કારણે કામ અટકેલું છે. મેં પણ પત્ર લખીને રજૂઆત કરી હતી. નારણભાઈથી શરતચુક થઈ હોય તેમ લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે