Organic farming: જુનાગઢના ખેડૂતોનો નવતર પ્રયોગ, મગફળીની ખેતી માટે કરે છે અનોખા દ્વાવણનો ઉપયોગ, વર્ષે થાય છે મોટી કમાણી
આજકાલ ઓગ્રેનિક ખેતીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે જુનાગઢના એક ખેડૂતે પણ ઓર્ગેનિક મગફળીની ખેતીની શરૂઆત કરી છે. તેમણે મગફળીમાં છાંટવા માટે એક અનોખુ દ્વાવણ બનાવ્યું છે.
Trending Photos
સાગર ઠાકર, જુનાગઢઃ જુનાગઢના ખેડૂતે મગફળીની ઓર્ગેનિક ખેતીમાં અનોખો પ્રયોગ કર્યો છે. આ ખેડૂત મગફળીમાં દૂધ, ગોળ અને હિંગના દ્વાવણનો છંટકાવ કરે છે, જેથી છોડની રોગપ્રતિકારક શક્તિ વધે છે, ખેતી ખર્ચ ઘટે છે, ઉત્પાદન વધે છે. ઓર્ગેનિક ખેતીમાં પણ ગુણવત્તા સાથે ઉત્પાદનમાં વધારો થાય છે. સરકાર ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહિત કરે છે, ત્યારે આ ખેડૂતો નવા પ્રયોગ કરવાની અપીલ કરી છે.
જૂનાગઢ તાલુકાના ગલીયાવાડ ગામે રસિકભાઈ દોંગા નામના ખેડૂત છેલ્લા 9 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે. રસિકભાઈના ખેતરમાં હાલ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ઓર્ગેનિક ખેતી તરફ વળેલા રસિકભાઈ મગફળીમાં રોગ જીવાત ન આવે તેના માટે કોઈ કેમિકલ યુક્ત જંતુનાશક દવાનો ઉપયોગ કરતા નથી. પરંતુ ગાયનું દૂધ, ગોળ અને હિંગનો પ્રયોગ કરે છે. 250 મીલી. દૂધ, 100 મીલી ગોળનું પાણી અને 50 મીલી હિંગના પાણીને ભેળવીને તેનું દ્વાવણ એક પંપ માટેનું માપ છે. જેનો અંદાજીત ખર્ચ માત્ર 25 રૂપીયા જેટલો થાય છે. એક વિઘે ચાર પંપ જેટલા દ્વાવણનો છંટકાવ કરવાનો થાય છે. આમ એક વિઘે અંદાજે 100 રૂપીયા જેટલો જ ખર્ચ આવે છે.
તેની સામે જો જંતુનાશક દવાનો ખર્ચ ગણવામાં આવે તો તે 300 થી 400 રૂપીયા જેટલો આવે છે. આમ આ દ્વાવણના ઉપયોગથી ખેતી ખર્ચમાં પણ ઘટાડો થાય છે સાથે આ દ્વાવણમાં ઉપયોગ થતાં દૂધ, ગોળ અને હિંગ કુદરતી પદાર્થ હોવાથી તેનાથી પાકને કોઈ નુકશાન થતું નથી. આ દ્વાવણના છંટકાવથી છોડનો વિકાસ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ઉત્પાદનમાં પણ 20 થી 25 ટકા જેટલો વધારો મળે છે.
સરકાર પણ હાલ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે 9 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરતાં રસિકભાઈ દોંગાએ પણ અન્ય ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવા અને મગફળીના પાકમાં આ પ્રકારના દ્વાવણનો છંટકાવ કરવા અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે