હવે વાલીઓ ઘરેબેઠાં સ્કૂલબસ પર રાખી શકશે નજર, લોંચ કરી બસ એપ્લીકેશન
સ્કૂલ બસ કેટલી સ્પીડમાં ચાલી રહી છે અને કઈ જગ્યાએ ઉભી રહી છે તેની તમામ માહિતી બાળકના માતાપિતા પણ પોતાના મોબાઈલ પર જોઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
Trending Photos
સંજય ટાંક/ અમદાવાદ: અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને ઘણી સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા દોડી રહી છે ત્યારે શહેરની એક શાળાએ વિદ્યાર્થીઓની સેફ્ટી માટેની પહેલ કરી છે. આ સ્કૂલ બસના એપ્લીકેશન લોન્ચ સમયે ઉપસ્થિત રહેલા જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ પ્રકારની વ્યવસ્થા અન્ય સ્કૂલમાં થાય તેવી શાળાઓને ભલામણ કરી છે.
આમ તો શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા સ્કૂલ વાહન ચાલકો માટે સેફ્ટી માટેના અનેક નિયમો બનાવ્યા છે. પરંતુ તેનું પાલન કોઈ સ્કૂલ વાહન ચાલકો કરતા નથી. ત્યારે અમદાવાદની યુરો સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓની સેફ્ટી માટે જીપીએસ સીસ્ટમ લગાવી છે. આ સિસ્ટમને મોબાઈલ એપ સાથે જોડી દેવાઈ છે. જેથી સ્કૂલ બસ કેટલી સ્પીડમાં ચાલી રહી છે અને કઈ જગ્યાએ ઉભી રહી છે તેની તમામ માહિતી બાળકના માતાપિતા પણ પોતાના મોબાઈલ પર જોઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
યુરો સ્કૂલના પ્રિંસિપાલ ગુરીંદર કૌરે જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા ટ્રાફિકના નિયમોને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓની સલામતી માટે આ પહેલ કરી છે.. અને આ સુવિધાના લોન્ચિંગ પ્રસંગે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ મહેતા, અને અમદાવાદ આરટીઓ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યાં હતા. અને વિદ્યાર્થીઓની સલામતી માટેની આ પ્રકારની વ્યવસ્થા અન્ય શાળાઓ પણ કરે તેવા પ્રયાસ કરાશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.
હાલ તો પ્રાયોગિક ધોરણે એક શાળાએ પોતાના વિદ્યાર્થીઓની સલામતી માટે આ પહેલ કરી છે. પરંતુ જે શાળાઓની પોતાની સ્કૂલ બસ નથી અને અન્ય સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ પર વાલીઓને નિર્ભર રહેવું પડે છે તે વાહનોમાં બેસતા વિદ્યાર્થીઓની સલામતી માટે તંત્ર શું વ્યવસ્થા કરી શકે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે