રાજકોટમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ અન્યને બચાવવા પ્લાઝનું કરે છે દાન

રાજકોટમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ અન્યને બચાવવા પ્લાઝનું કરે છે દાન

* વેક્સીનથી નહીં,કોરોના થવાથી આવતા એન્ટીબોડીનું થઈ શકે છે દાન
* કોરોનાથી યુવાનો ઝપટે પણ તેમાં પોઝીટીવ બાબત એ  કે એન્ટીબોડીનું પ્રમાણ વધી ગયું!

ગૌરવ દવે/રાજકોટ : કોરોના મહામારીથી લોકો મોતને ભેટી રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાઈ રહી છે. અગાઉ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જ્યારે મહામારી ટોચ પર પહોંચી ત્યારે કોરોનાની ઝપટે ચડેલા અને સાજા થયેલા દર્દીઓ હવે હાલના દર્દીઓ સાજા થાય તે માટે સ્વૈચ્છાએ તેમના શરીરમાં કુદરતી પેદા થયેલ પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગત એક વર્ષમાં 600 દર્દીઓને અને હવે પંદર દિવસમાં જ 140થી વધુ દર્દીઓને પ્લાઝમાનું દાન કર્યું છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના આ વિભાગના હેડ ડો.કૃપાલ પુજારાએ જણાવ્યું કે પ્લાઝમાએ કોરોના સામે શરીરને રક્ષણ આપતું તત્વ એન્ટીબોડી છે. તે લોહીમાં હોય છે. અગાઉ કોરોના થી સાજા થયેલા દર્દીઓ છે તે હવે આગળ આવ્યા છે અને પ્લાઝમાંનું દાન કરી રહ્યા છે. ગત વર્ષે 600 લોકોએ પ્લાઝમાંનું દાન કર્યું હતું. જ્યારે છેલ્લા 15 દિવસમાં 140 થી વધુ લોકોએ પ્લાઝમાંનું દાન કર્યું છે. સિવિલ હોસ્પિટલમાં હવે પ્લાઝમા દાતાનાં એન્ટીબોડી ટેસ્ટ ઉપરાંત કોરોના રિપોર્ટ પણ લેવાય છે. છ મહિનામાં કોરોના થયો હોય તેમના જ પ્લાઝમા લેવાય છે.

કિડની અને લિવરના દર્દીને પ્લાઝમાં જ કારગત
રેમડેસિવિર ઇન્જેક્શનની દર્દીઓને ગંભીર આડઅસરો પણ થાય છે અને મોડરેટ દર્દીમાં કે જેણે થોડુ ઘણુ ઈન્ફેક્શન ફેફસાંમાં ગયું હોય તેમાં જો દર્દી ખાસ કરીને કિડનીની તેમજ લીવરની બિમારીથી પીડાતા હોય તો આ ઈન્જેક્શનથી આડઅસર ગંભીર બનવાનું જોખમ છે. આ કારણે આવા દર્દીને ઈન્જેક્શન આપી શકાતું નથી પણ પ્લાઝમા ચડાવી શકાય છે.  

મનુષ્યમાં બે પ્રકારની એન્ટીબોડી
(૧) વેક્સીન લેવાથી તે સ્પાઈક પ્રોટીન હોય છે અને તેનો આંક ઉંચો હોય છે પરંતુ તેનાથી જે તે વ્યક્તિને કોરોનાથી સુરક્ષા મળે છે પરંતુ તે અન્ય કોરોના દર્દીને આપી શકાતું નથી. 
(૨) કુદરતી રીતે શરીરમાં આવતું એન્ટીબોડી. જે આઈજીજી કે આઈજીએમથી મપાય છે. રાજકોટમાં આઈજીજી મપાય છે અને તે એન્ટીબોડી કોરોનાથી સાજા થયેલા દર્દીમાં આવે છે. જે બીજા દર્દીને બચાવવા માટે ઉપયોગી થાય છે અને તે દાન કરી શકાય છે.

પ્લાઝમા સારવારની પધ્ધતિ
(૧) કોરોનાથી સાજા થયાના ૨૮ દિવસ બાદ કોઇપણ વ્યક્તિનો એન્ટીબોડી ટેસ્ટ થાય 
(૨) પ્લાઝમાનો ટેસ્ટ પોઝીટીવ આવે તો તેનું પ્લાઝમા લેવાય. જેમાં લોહીના રક્તકણ,શ્વેતકણ તેના શરીરમાં જ રહે પણ લોહીની અંદર રહેલ માત્ર પ્લાઝમા જ લેવાય છે. અને તેનાથી ડોનરને કોઈ જ નુક્શાન થતું નથી. 
(૩) આ પ્લાઝમા કોરોના સારવાર લેતા દર્દીના શરીરમાં સીરીંઝથી દાખલ કરાય જેનાથી તેનું શરીર કોરોના સામે લડવા વધુ સક્ષમ બની શકે.

કોરોના સંક્રમણની એક પોઝીટીવ વાત
સિવિલના આ તબીબ ડો.કૃપાલ પુજારાએ જણાવ્યું કે અગાઉ 80થી 85 ટકા લોકોમાં કુદરતી એન્ટીબોડી આવતું હતું અને હવે 95 ટકા સુધીના દર્દીમાં એન્ટીબોડી હોય છે. યુવાનોમાં કોરોનાના કેસો વધ્યા પણ તેમનામાં એન્ટીબોડી એટલે કે કોરોના સામેનું કુદરતનું સુરક્ષાચક્ર પણ સારુ થયું છે. કોરોના મ્હાત આપી સાજા થયેલા યુવાનોએ આગળ આવીને પોતાનાં પ્લાઝમાં અન્ય દર્દીઓ માટે દાન કરવા જોઇએ તેવી તબીબો અપીલ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news