કેમિકલ કાંડ વચ્ચે આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત

PM Modi In Gujarat : પીએમ મોદી આવતીકાલે હિંમતનગરમાં સાબર ડેરીના કાર્યક્રમમાં આપશે હાજરી, 3.85 લાખ દૂધ ઉત્પાદકોની અથાગ મહેનત અને અડગ નિશ્વયથી સાબર ડેરીએ ઉત્તર ગુજરાતમાં સર્જયો ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ
 

કેમિકલ કાંડ વચ્ચે આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત

સાબરકાંઠા :ગુજરાતના કેમિકલ કાંડની કરુણાંતિકા વચ્ચે આવતીકાલે પીએમ મોદી ગુજરાત આવશે. તેઓ સાબરકાંઠા સ્થિત સાબર ડેરીના પ્લાન્ટની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ કરશે. જેના બાદ તેઓ જંગી જનસભાને સંબોધન કરશે. કેમિકલ કાંડ વચ્ચે તેમની આ મુલાકાત ખાસ બની રહેશે. 

કાર્યક્રમની રૂપરેખા
આવતીકાલે સવારે 10 કલાકે પીએમ મોદી ગુજરાત પહોંચશે. તેના બાદ તેઓ સાબરકાંઠાની સાબર ડેરીમાં જશે. અહીં તેઓ 305 કરોડના ખર્ચે બનેલા પાવડર પ્લાન્ટ, 125 કરોડના ખર્ચે બનેલા પેકેજીંગ યુનિટનું લોકાર્પણ કરશે. તથા 600 કરોડના ખર્ચે બનનારા ચીઝ પ્લાન્ટનું ખાત મુહૂર્ત કરશે. આ ઉપરાંત સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં આવશે. પ્રધાનમંત્રી જિલ્લાના પ્રગતિશીલ મહિલા ખેડૂતો તેમજ આદિવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે. તેના બાદ તેઓ જંગી જનસભાને સંબોધન કરશે. કાર્યક્રમ બાદ પીએમ મોદી ગુજરાતથી સીધા ચેન્નાઈ જવા રવાના થશે. 

સાંબરકાંઠામાં ત્રણ દિવસનો પ્રતિબંધ
આવતીકાલે પીએમ સાંબરકાંઠામાં હોઈ સાબરડેરી, ગઢોડા અને આસપાસની ૩ કિમીની ત્રિજ્યામાં સમગ્ર વિસ્તારમાં જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. જમીનથી આકાશ તરફ તુક્કલ, ફુગ્ગા, પતંગ, વાવટા ડ્રોન, સિન્થેટીક પ્લાસ્ટિક તેમજ કપડા હાથમાં ફરકાવવા અને ઉડાડવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. જિલ્લા કલેક્ટરે સલામતી અને સુરક્ષા માટે ત્રણ દિવસ માટે આ જાહેરનામુ બહાર પાડ્યું છે. જાહેરનામુ 26 જુલાઈથી 28૮ જુલાઈ સુધી ત્રણ દિવસ અમલમાં રહેશે. 

સાબર ડેરીની શ્વેતક્રાંતિ
કોઠાસૂઝ અને અડગ નિશ્વય હોય તો કોઈ કઠિનમાં કઠિન કામ પણ પાર પડી શકે તેની પ્રતીતિ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોએ કરાવી છે. ઠંડી, ગરમી અને વર્ષા એમત્રણેય ઋતુની પરાકાષ્ઠાનો સતત સામનો કરતા આ બંને જિલ્લા આજે દૂધ ઉત્પાદનથકી ‘શ્વેત વિકાસ’ ની પરાકાષ્ઠા તરફ ડગ માંડવા સજ્જ બન્યો છે. છેલ્લા અઠઠાવન વર્ષમાં સાબર ડેરીએ વિકાસની હરણફાળ ભરીને નવા આયામો સર કર્યા છે. ‘સ્વ’ના બદલે બીજાના હિતનો વિચાર કરીને ભુરાભાઇ પટેલની આગેવાનીમાં સાબર ડેરીનીસ્થાપના થઈ હતી જે આજે વટવૃક્ષ બની છે. હાલના સમયમાં સાબર ડેરીસાબરકાંઠા ખેડૂતોની જીવાદોરી છે. આજે સાબર ડેરી આખા દેશમાં જાણીતું નામ બની ગયું છે. આ ડેરીએ છેલ્લાં ૫૮ વર્ષમાં ઉડીને આંખે વળગે એવી અદભુત કામગીરી કરી છે, જેના કારણે તે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડેરી પણ બની ગઈ છે. 

સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ કહે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સાબર ડેરીને દીર્ઘદ્રષ્ટીપૂર્ણ માર્ગદર્શન સમયાંતરે મળતું રહ્યું છે. તેમણે આપેલા વિચારબીજ ક્રમશ: વટવૃક્ષ બનતા જાય છે. તેના ફળ આજે સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને આસપાસના લોકો મેળવી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર ૧૯ દૂધ મંડળીથી શરૂ થયેલી ડેરી આજે ૧૭૯૮ કાર્યરત દૂધ મંડળી ધરાવે છે. એ જ રીતે માત્ર ૨૯ સભાસદો સાથે શરૂ થયેલી ડેરી આજે ૩,૮૪,૯૮૬ સભાસદોનું સુદ્રઢ પીઠબળ ધરાવે છે. સ્થાપના સમયે એટલે કે વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર ૦.૦૫ લાખ લિટર દૂધ સંપાદનથી શરૂઆત કરી. આજે દૈનિક સરેરાશ ૩૩.૨૭ લાખ લીટર પ્રતિદિન દૂધનું સંપાદન કરવામાં આવી રહ્યું છે, પ્રતિદિન ૪૦ લાખ લિટર દૂધ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ગુજરાતમાં અને ૬ લાખ લિટરની ક્ષમતા હરિયાણાના રોહતક ખાતે ધરાવે છે. આજ રીતે વર્ષ ૧૯૭૪-૭૫માં ૧.૧૩૫ મે.ટન સાબરદાણનું વેચાણ ચાલુ કરી અને આજે ૩૯૩.૩૪ મે.ટન સુધીપ હોંચ્યું છે. સાબર ડેરી દ્વારા વર્ષ ૧૯૬૪-૬૫માં પશુપાલકોને પ્રતિ કિલો ફેટના રૂ. ૧.૧૦ અપાતા હતા અને આજે રૂ.૮૬૦ અપાય છે, એજ પુરવાર કરે છે કે, સાબર ડેરી દ્વારા પશુપાલકોના જીવનમાં ઉજાશ આવ્યો છે. 

ક્યારેય દૂધધારા વહેતી બંધ નથી થઈ
સાબર ડેરીએ એકપણ દિવસ મિલ્ક હોલી ડે રાખ્યા સિવાય કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ દૂધ ધારા વહેતી બંધ થવા દીધી નથી અને પશુપાલકોને પુરતા પ્રમાણમાં ભાવ આપ્યા છે. આ ઉપરાંત વર્ષના અંતે રીટેન્શન મની પણ આપવામાં આવે છે. જેનાથી પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે.

મહિલા પશુપાલકોનું મોટું યોગદાન 
સાબર ડેરીની સાથે જોડાયેલી મહિલા પશુપાલકોનોડેરીના વિકાસમાં સિંહ ફાળો છે. સાબરકાંઠાની મહિલાઓ ભલે ઓછું અક્ષર જ્ઞાન ધરાવતી હોય પરંતુ તેમની કોઠાસૂઝ અને પશુપાલન વ્યવસાયમાં અથાગ મહેનતને કારણે આજે સાબર ડેરીએ જગતભરમાં આગવી ઓળખ ઊભી કરી છે. સાબર ડેરીની મહિલા પશુપાલકોએસાબિત કર્યું છે કે, મહિલાઓમાં અપાર શક્તિઓ છે. પોતાના પશુપાલનના વ્યવસાયદ્વારા પોતાના પરિવાર તેમજ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી મહિલાઓ પોતાના પરિવારને આત્મસન્માનપૂર્વક આગળ ધપાવી રહી છે. સો સો સલામ છે આવી મહિલા પશુપાલકોનેકે, જેમણે દેશ અને દુનિયાને ગુજરાતની નારીશક્તિની અનોખી પહેચાન કરાવી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news