PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે, કચ્છ જિલ્લાના આપશે સૌથી મોટી ભેટ

પ્રધાનમંત્રી કચ્છ-ભુજ બ્રાંચ કેનાલનું લોકાર્પણ કરશે. કચ્છના 948 ગામો અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરુ પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. 182 ગામના 1 લાખ 10 હજાર હેક્ટરથી વધુ વિસ્તારને સિંચાઈનો લાભ મળશે

PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે, કચ્છ જિલ્લાના આપશે સૌથી મોટી ભેટ

રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 મી ઓગષ્ટથી ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી કચ્છ જિલ્લાને અનેક પ્રકલ્પોની ભેટ ધરાવના છે. તેમાનો જ એક મહત્વનો પ્રકલ્પ એટલે, કચ્છ જેવા સુકા પ્રદેશને પાણીની સમસ્યામાંથી ઉગારતી કચ્છ - ભુજ બ્રાન્ચ કેનાલ. આ શાખા નહેરનું પ્રધાનમંત્રી 28 મી ઓગષ્ટના રોજ લોકાર્પણ કરશે. રૂપિયા 1745 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ નર્મદા નહેરની વિશેષતા અને તેનાથી થતા લાભની વાત કરીએ.

પ્રધાનમંત્રી કચ્છ-ભુજ બ્રાંચ કેનાલનું લોકાર્પણ કરશે. કચ્છના 948 ગામો અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરુ પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. 182 ગામના 1 લાખ 10 હજાર હેક્ટરથી વધુ વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. શાખા નહેરની કુલ લંબાઈ 357.185 કિ.મી. છે. નહેરની વહનક્ષમતા 120 ઘન મીટર પ્રતિ સેકન્ડ છે. રાપર, ભચાઉ, અંજાર ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી પસાર થાય છે. ડિઝાઇન નિષ્ણાતો દ્વારા અત્યાધુનિક ભૂકંપપ્રૂફ કેનાલનું નિર્માણ કરાશે.

કેનાલમાંથી પણ વીજ ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવશે. 3 ફોલ અને 3 પમ્પિંગ સ્ટેશન સાથેની અદભૂત એન્જિનિયરિંગ તકનીક જોવા મળશે. વોટર કેનાલ બેડ પાવર હાઉસથી 23 મેગાવોટથી વધુ વીજ ઉત્પાદન થશે. અભયારણ્યમાં ઘુડખર કેનાલ પાર કરી શકે તે માટે ખાસ રસ્તાનું નિર્માણ કરાશે. ઘુડખરની સુરક્ષા માટે કેનાલની બંને બાજુ બેરીકેડીંગ-ફેન્સીંગ કરવામાં આવશે. કેનાલના પાણીથી ખાસ કચ્છ જિલ્લાના ખેડૂતોને લાભ થશે.

અંજારમાં વીર બાળક સ્મારકનું કરશે લોકાર્પણ
26 જાન્યુઆરી 2001 માં આવેલા ભૂકંપના લીધે કચ્છના અંજાર શહેરમાં શાળાના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં. ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનાની કરૂણતાની નોંધ સમગ્ર વિશ્વમાં છવાઇ હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, આ બાળકોની સ્મૃતિમાં આ સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી.

હવે આ સ્મારક અંજાર શહેરની બહાર તૈયાર થઇ ગયું છે અને 28 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ સ્મારકના નિર્માણકાર્યને આખરી ઓપ આપવામાં આવ્યો છે. લોકાર્પણ પ્રસંગે દિવંગતોના પરિવારના 100 સભ્યોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

પાંચ વિભાગમાં પથરાયેલું છે બાળ મ્યૂઝિયમ
દિવંગત બાળકોને સમર્પિત આ મ્યૂઝિયમનું પાંચ વિભાગમાં નિર્માણ કરવામાં આવ્યંવ છે. પ્રથમ વિભાગમાં દિવંગતોની તસવીરો અને ભૂતકાળના સ્મરણો રજૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વિનાશ વિભાગમાં કાટમાળ દર્શાવીને મૃત્યુ પામેલા બાળકોના સ્મૃતિચિહ્નો અને તેમની પ્રતિકૃતિ રજૂ કરાઇ છે. ત્યાંથી આગળ જતા ભૂકંપનો અનુભવ થઇ શકે તે માટે એક વિશેષ રૂમ બનાવવામાં આવ્યો છે.

અહીં સિમ્યુલેટર તેમજ પડદા પર વીડિયો સાથે ભૂકંપની અનુભૂતિ કરાવવામાં આવશે. તે સિવાય જ્ઞાન-વિજ્ઞાન વિભાગમાં ભૂકંપ આવવાની પ્રક્રિયા, વૈજ્ઞાનિક કારણો અને અન્ય જરૂરી વિગતો સમાવિષ્ટ કરવામાં આવી છે. સમાપન ગેલેરીમાં ભૂકંપના અનુભવો વિશે મુલાકાતીઓને સવાલ પૂછવામાં આવ્યા છે.

મેમોરિયલમાં બાળકોના નામ અને શ્રદ્ધાંજલિ માટે પ્રકાશપુંજ
મ્યૂઝિયમની બહાર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. અહીં ભોગ બનેલા માસૂમ બાળકો અને શિક્ષકોના નામ તેમની તસવીરો સાથે દિવાલ પર લખેલા છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં એક શક્તિશાળી પ્રકાશપુંજ બનાવવામાં આવ્યો છે, જેમાંથી નિકળતો પ્રકાશ સમગ્ર અંજાર શહેરમાં દેખાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news