મહેસાણાની દેદીયાસણ જીઆઈડીસીમાં ટુવ્હીલરના નકલી સ્પેરપાર્ટ બનાવતી ફેક્ટરી પકડાઈ

પોલીસે બાતમીના આધારે રોડ પાડી કરોડો રૂપિયાના નકલી સમાન સીલ કરી માલિક અને કર્મચારી સામે કોપીરાઈટના ભંગ સહિતની કલમો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી 

Updated By: Sep 14, 2018, 11:21 PM IST
મહેસાણાની દેદીયાસણ જીઆઈડીસીમાં ટુવ્હીલરના નકલી સ્પેરપાર્ટ બનાવતી ફેક્ટરી પકડાઈ

મહેસાણાઃ મહેસાણા પોલીસે દેદીયાસણ જીઆઈડીસીમાં છેલ્લા 10 વર્ષથી ધમધમતી ફેક્ટરી પર રેડ પાડીને જાણીતા ટુવ્હીલરના ડુપ્લીકેટ સ્પરપાર્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરી પર બહાર કોઈ પણ પ્રકારનું બોર્ડ લગાવાયું ન હતું. ફેક્ટરીમાં પ્રવેશ માટે પણ નાનકડા દરવાજાનો ઉપયોગ કરાતો હતો, જેના લીધે આ ફેક્ટરી અનેક વર્ષોથી બંધ હોય એવું બહારથી લાગતું હતું. 

અગાઉ દેશની જાણીતી હીરો કંપનીને આવી બાતમી મળી હતી કે તેના વાહનના ટુપ્લિકેટ સ્પેરપાર્ટ મહેસાણા ખાતે બનાવવામાં આવે છે. આથી આ કંપનીના આઈટી પ્રોટેક્શન અધિકારી જયદીપ ભટ્ટીએ પોતાની રાહે ગુપ્ત રીતે તપાસ કરી હતી. જેમાં તેમને જાણવા મળ્યું હતું કે, દેદિયાસણ જીઆઈડીસી ખાતે આવેલી કંપનીમાં તેમની કંપનીના ડુપ્લિકેટ સ્પેરપાર્ટ બનાવવામાં આવી રહ્યા છે. પાકી ખાતરી થયા બાદ તેમણે આ અંગે મહેસાણા પોલીસને જાણ કરી હતી અને તેને સાથે રાખીને રેડ ઉપરોક્ત કંપનીમાં રેડ પાડાવી હતી. 

પોલીસની રેડમાં કંપનીમાં 3 વાહન કંપનીના સ્પેરપાર્ટ બનાવાતા હોવાનું જાણવા મળ્યું હતું. દેદીયાસણ જીઆઈડીસીના પ્લોટ નંબર 49માં જેસકો કંપની દ્વારા દેશની જાણીતી ટુવ્હીલર નિર્માતા કંપની હીરો, ટીવીએસ અને બજાજ કંપનીની મોટરસાઈકલની પેટ્રોલની ટાંકીઓ, ચેન કવર સહિતના સ્પેરપાર્ટનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પોલીસને રેડ દરમિયાન આ કંપનીઓના લોગો ધરાવતા સ્ટીકર પણ મળી આવ્યા છે. 

ફેક્ટરીમાં 4 જુદા-જુદા માળ પર મશીનરી પણ લગાવવામાં આવી હતી. આ મશીનરીની મદદથી જુદી-જુદી કંપનીની પેટ્રોલની ટાંકીઓ બનાવાતી હતી. પોલીસની રેડમાં હાલ રૂ. 1 કરોડ 30 લાખનો પેટ્રોલની ટાંકીનો મુદ્દામાલ મળ્યો છે. આ ઉપરાંત, મશીનરી, સ્ટીકર અને અન્ય પ્રોડક્ટને લઇને આ આંકડો કુલ ૩ કરોડને પાર થવા જાય છે. 

આ અંગે મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ જણાવ્યું કે, દેદીયાસણ જીઆઈડીસીમાં આવેલી આ ફેક્ટરીમાં ડુપ્લિકેટ માલનું ઉત્પાદન થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે રેડ પાડતાં દેશની જાણીતી ટુવ્હીલર નિર્માતા કંપની હીરો, બજાજ અને ટીવીએસના વિવિધ સ્પેરપાર્ટનું અહીં ઉત્પાદન કરાતું હતું. લગભગ રૂ.4 કરોડની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. અમે, ટ્રેડમાર્ક, કંપનીના લોગોનો ઉપયોગ કરવો અને કોપીરાઈટ એક્ટની કલમો અંતર્ગત ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

આટલા મોટા પ્રમાણમાં થઈ રહેલા ઉત્પાદનને જોતાં ગુજરાત રાજ્ય ઉપરાંત દેશના અન્ય શહેરોમાં પણ આ કંપનીના તાર જોડાયેલા હોઈ શકે છે. હજુ, કંપનીનો મૂળ માલિક કોણ છે અને કેટલી જગ્યાએ તેનું નેટવર્ક ફેલાયેલું હતું તે હવે પોલીસ તપાસમાં બહાર આવશે.